
એક નગર હતું. એમાં રાજાનું રાજ ચાલે. દરેકને રાજાનો હુકમ માનવો જ પડે. હુકમનો જે અનાદર કરે એને રાજા ફરમાવે તે શિક્ષા થાય. આ નગરમાં એક દરજી રહે. રાજાનાં કપડાં સીવવાનું કામ એનું, એટલે વારંવાર રાજમહેલમાં પણ જવાનું થયું. એ રાજાનો માનીતો દરજી એટલે બીજા લોકો પણ એને ખૂબ માન આપે. આમ છતાં આ દરજીમાં અદેખાઈનો પાર નહોતો. એ કદી કોઈનું સુખ જોઈ શકતો નહીં.
દરજીની બરાબર બાજુમાં જ એક મોચીની દુકાન હતી. મોચી બિચારો સીધો-સાદો માણસ હતો. દિવસ આખો જોડા સીવવાનું કામ કર્યા કરે. ભજનો ગાય. ક્યારેય કોઈની લપ્પનછપ્પનમાં પડે નહીં. એ ભલો ને એનું કામ ભલું! છતાંય પેલો દરજી મોચીની જ ઈર્ષા કર્યા કરે. એના મનમાં એક જ વાત ઘોળાયા કરે, ક્યારે લાગ મળે ને આ મોચીને હેરાન-પરેશાન કરી મૂકું! પણ મોચીનો સ્વભાવ જ એવો કે એ ક્યારેય કોઈના વાંકમાં આવે જ નહીં ને!
થોડો સમય ગયો ને રાજાનો જન્મદિવસ આવ્યો. રાજાનો જનામદિવસ હોય ત્યારે શણગારેલા હાથી ઉપર બહુ મોટી સવારી નીકળે. ખોબે ને ખોબે સોનામહોરો ઉડાડવામાં આવે. અબીલ-ગુલાલનો તો પાર જ નહીં!’ આખા નગરમાં આનંદ આનંદ થઈ જાય. સવારી નીકળતાં પહેલાં નગરના દરેક રસ્તા વાળીચોળીને ચોખ્ખા કરી દેવામાં આવે. એક તણખલુંયે ન મળે!
આખું નગર સવારી જોવા રસ્તા ઉપર આવી ગયું. ધીમે ધીમે રાજાની સવારી મોચીની દુકાનવાળા રસ્તા ઉપર આવી પહોંચી. મોચી તો એના કામમાં જ મશગૂલ હતો. અને ભજન ગાતો હતો. દરજીથી આ જોયું ન ગયું. એણે વિચાર કરી લીધો. અત્યારે સરસ મોકો છે, આ મોચીને હેરાન કરવાનો. એણે તો રાજાની સવારી આવે એ પહેલાં, પોતાનો તૂટેલો-ફાટેલો જૂનો જોડો હતો એ રસ્તા વચ્ચે ફેંકી દીધો. મોચીએ આ જોયું ખરું, પણ એ કશું બોલ્યા વિના પોતાનું કામ કરતો રહ્યો.
રાજાની સવારી આવી પહોંચી. પેલા જોડા ઉપર જ રાજાની નજર ગઈ. એને પોતાનું અપમાન થતું લાગ્યું. એ તો ખૂબ ગુસ્સે થયો. હાથી પર બેઠાં બેઠાં જ હુકમ કર્યો, ‘આ રસ્તાની વચ્ચે જેનો જોડો પડ્યો હોય એને અત્યારે જ હાજર કરો!’ સિપાહીઓએ તપાસ શરૂ કરી કે આ જોડો કોનો છે? દરજી ત્યાં હાજર જ હતો. એણે તો સટ દઈને મોચીનું નામ દઈ દીધું. સિપાહીઓએ મોચીને પકડી લીધો. મોચીએ બહુ કાલાંવાલાં કર્યાં કે આ જોડો એનો નથી. પણ એનું સાંભળે કોણ? રાજાના માનીતા દરજી ઉપર સૌને વિશ્વાસ હતો. મોચીને પકડી જેલમાં પૂરી દેવામાં આવ્યો. દરજી તો ખુશ ખુશ થઈ ગયો. મનમાં જ બબડ્યો, ‘લે મર મોચીડા, હવે જલસા કરજે જેલમાં!’
બીજે દિવસે મોચીને રાજા સમક્ષ હાજર કરવામાં આવ્યો. મોચીએ રાજાને બહુ આજીજી કરી પણ રાજાએ એનું કશું જ ન સાંભળ્યું. જેલની કડક સજા ફરમાવી દીધી!
થોડા સમય પછી રાજાએ દરજીને પોતાનું માપ લેવા ને કાપડ લઈ જવા મહેલમાં બોલાવ્યો અને કહ્યું, ચાર દિવસમાં જ કપડાં તૈયાર થઈ જવાં જોઈએ! દરજી તો માપ લઈને, બગલમાં કપડું દબાવતો રૂઆબથી ચાલ્યો ઘેર. ઘેર જઈને બરાબર કામે લાગી ગયો. ત્રણ દિવસમાં તો કપડાં તૈયાર પણ થઈ ગયાં. બીજે દિવસે રાજમહેલમાં કપડાં આપવા જવાનો વિચાર કરીને દરજી તો સૂઈ ગયો નિરાંતે. એ રાત્રે ક્યાંકથી એક ઉંદર આવી ચડ્યો. એણે તો રાજાનાં કપડાં ચારેબાજુથી કાપી ખાધાં! સવારે ઊઠીને દરજી તો મહેલમાં જવા તૈયાર થયો. એના આનંદનો પાર નહોતો. એના મનમાં હતું કે રાજા ખુશ થઈને ઇનામ આપશે, પણ આ શું? રાજાનાં કપડાં તો સાવ જાળીજાળી થઈ ગયાં હતાં. દરજીનાં તો બારે વહાણ ડૂબી ગયાં. હવે શું કરવું? જો રાજાને કપડાં આપવા ન જાય તો આવી બન્યું જ જાણો!
દરજીએ તો નિર્ણય કરી લીધો કે આ નગર છોડીને ક્યાંક દૂર દૂર ચાલ્યા જવું જેથી કંઈ ચિંતા ન રહે. પોતાની પાસે જે કંઈ રૂપિયા, સોનું વગેરે હતું તે બધું લઈને ક્યાંક ચાલતો થયો.
આ તરફ રાજાએ સાંજ સુધી રાહ જોઈ, પણ દરજી ન આવ્યો એટલે સિપાહીઓને મોકલ્યા. પણ દરજી તો હતો જ નહીં. એનું ઘર પણ બંધ હતું. રાજાએ તો હુકમ કર્યો કે એનાં ઘરનાં બારણાં તોડી નાંખો ને ઘરમાં જે કંઈ હોય તે મારી સામે હાજર કરો. સિપાહીઓ દરજીના ઘરમાંથી જે કંઈ હાથ લાગ્યું તે બધું જ રાજા પાસે લઈ ગયા. બીજી બધી ચીજવસ્તુઓ સાથે એક તૂટેલો-ફાટેલો જોડો પણ હતો. રાજાની નજર જોડા ઉપર પડી. એને તરત જ યાદ આવ્યું કે આ તો જન્મદિવસની સવારી વખતે રસ્તા ઉપર પડ્યો હતો એવો જ જોડો છે. રાજાને હવે સાચી વાતની ખબર પડી.
રાજાએ હુકમ કર્યો કે પેલા મોચીને જેલમાંથી હાજર કરો. મોચી આવ્યો એટલે પૂછ્યું, ‘આ જોડો તે દિવસે રસ્તા વચ્ચે હતો એવો જ છે ને?’ મોચી હાથ જોડીને કહ્યું, ‘મહારાજ! આ જોડો તો દરજીનો છે. એણે જ બીજો જોડો રસ્તા ઉપર ફેંક્યો હતો.’ હવે રાજાને પોતાની ભૂલ સમજાઈ. એણે તો ચારે તરફ સિપાહીઓને મોકલ્યા ને હુકમ કર્યો કે ગમે ત્યાંથી દરજીને હાજર કરો!
સિપાહીઓના પ્રયત્નો પછી ઘણા દિવસે દરજીની ભાળ મળી. દરજીને પકડીને રાજા સમક્ષ હાજર કરવામાં આવ્યો. રાજા તો ખૂબ ગુસ્સામાં હતો. એણે દરજીને ખૂબ માર ખવડાવ્યો અને જીવે ત્યાં લગી જેલમાં જ પૂરી રાખવાનો હુકમ કર્યો! દરજીએ ખૂબ માફી માગી. હવે કોઈનીયે અદેખાઈ નહીં કરું એવું હજારો વાર કહેવા છતાં સિપાહીઓએ એને જેલમાં પૂરી દીધો.
રાજાએ મોચી પાસે માફી માગી અને કેટલીયે ભેટ-સોગાદો આપી. માનભેર વિદાય કર્યો. મોચીએ તો ફરી પાછી એની એ જ દુકાન, એનું એ જ કામ ને એ જ ભજનો ચાલુ કરી દીધાં.



સ્રોત
- પુસ્તક : પાણીકલર (પૃષ્ઠ ક્રમાંક 24)
- સર્જક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
- વર્ષ : 2017
- આવૃત્તિ : ત્રીજી સંવર્ધિત આવૃત્તિ