Changu-Mangu - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

    અલ્લાને બનાયા જોડા : એક અંધા ઓર દુસરા બહેરા.

    અંધાનું નામ ચંગુ અથવા સુરદાસ અને બહેરાનું નામ મંગુ અથવા કહાનદાસ. બેઉની જુગલજોડી હતી.

    બેઉ સાથે જ ભીખ માગતા, સાથે ફરતા અને સાથે બેસતા-ઊઠતા. એકની ખોડ બીજાથી ઢંકાતી અને બીજાની ખોડ પહેલાથી પુરાતી.

    ભીખ માગી માગીને એ કંટાળ્યા હતા એટલે શં કરવું તેના એ વિચાર કરતા હતા.

    ‘અરે દોસ્ત! આમ ને આમ ભીખ માગ્યે આપણો કશોયે શુક્કરવાર નહિ વળે. મારું માને તો આપણે પરદેશ ખેડીએ.’ ચંગુએ મંગુને કહ્યું.

    ‘તારી વાત વાજબી લાગે છે.’ મંગુએ જવાબ આપ્યો. આપણે બેઉ સાથે પરદેશ જઈએ અને ભાગીદારીમાં ધંધો કરીએ તો જ ફાવી શકીશું. આપણા બેઉંમાં કુદરતે એવી ઊણપ મૂકી છે કે બેઉ સાથે હોઈએ તો બરાબર કામ કરી શકીએ અને છૂટા પડીએ તો હેરાન હેરાન થઈ જઈએ.’

    અને ખૂબ વિચારને અંતે બેઉ જણાએ પરદેશ જવાનું અને ભાગીદારીમાં ધંધો કરવાનું નક્કી કર્યું.

    એ પરદેશ જવા નીકળ્યા.

    વર્ષો સુધી જે શહેરમાં તેમણે ભીખ માગી હતી અને કોઈ પણ જાતની ફિકર-ચિંતા સિવાય આનંદ કર્યો હતો તે શહેરને છોડી જતાં તેમને દુઃખ તો થયું.

    ખિન્ન હૃદયે તેઓ ચાલતા હતા.

    ‘જો કંઈ સાંભળવા જેવું હોય તો મને કહેજે.’

    મંગુએ ચંગુને કહ્યું. મંગુ બહેરો હતો એટલે લોકો એને કહાનદાસ કહેતા. એ બહુ જ ઓછું સાંભળતો હતો.

    ‘અને કંઈ જોવા જેવું હોય તો મને કહેજે.’ ચંગુએ સૂચના કરી. ચંગુ આંધળો હતો અને સૌ કોઈ એને સુરદાસ કહેતું. એનાથી બિલકુલ દેખી શકાતું ન હતું.

    તેઓ આગળ ચાલ્યા. સુરદાસે એક ગધેડું ભૂકવાનો અવાજ સાંભળ્યો ને કહાનદાસને કહ્યું :

    ‘બાજુમાં કોઈ ગધેડું નાસી આવેલું છે તે આપણે પકડી લઈએ તો સારું. કોઈપણ ચીજ કે બોજો ઉપાડવાને આપણને કામ આવશે.’

    ચંગુએ બતાવેલી દિશામાં મંગુ ગયો અને પેલા ગધેડાને પકડી લાવ્યો.

    બેઉ જણાએ ગધેડાને દોરડું બાંધીને પોતાની સાથે લીધો.

    થોડે દૂર ગયા એટલે મંગુએ કીડીઓનો રાફડો જોયો અને ચંગુને ખબર આપી.

    ‘કેવી કીડીઓ છે?’ ચંગુએ પૂછ્યું, ‘લાલ કે કાળી?’

    ‘લાલ.’ મંગુએ જવાબ આપ્યો.

    ‘ઓ ભાઈ! એમાંથી થોડી કીડીઓ લઈ લે’ ચંગુએ સૂચના કરી. ‘વખતે આપણને કામ લાગશે.’

    મંગુએ પાંચ કીડીઓ પકડીને નાની સરખી દાબડીમાં મૂકી દીધી, અને ડબી ખિસ્સામાં નાખી તેઓ પોતાને રસ્તે પડ્યા. જતાં જતાં ઘણો પંથ કપાઈ ગયો ને સાંજ પડી. અંધારું થવા આવ્યું. એવામાં ચારે બાજુ જોરથી પવન ફૂંકાવા લાગ્યો એટલે મંગુએ કહ્યું :

    ‘રાત પડવા આવી છતાં રસ્તામાં કોઈ ગામ આવ્યું નહિ. આપણે રાત ક્યાં ગાળીશું તેનો વિચાર કરવો પડશે. આ પવન ફૂંકાય છે તે હવે ઠંડો થવા લાગ્યો એટલે વરસાદ જોશભેર તૂટી પડે એવાં ચિહ્ન છે. એમ થાય તો આપણે હેરાન થશું.’

    ‘જો ભાઈ, મારે મન તો રાત ને દિવસ બેઉ સરખાં છે.’ ચંગુએ કહ્યું. આ ગધેડાને આગળ કરીને હું એની પાછળ પાછળ ચાલું છું. એ આગળ અને આપણે પાછળ. જ્યાં લઈ જાય ત્યાં જઈએ. તને કંઈ જોવા જેવું લાગે તો મને કહેજે.’

    અંધારું થવા માંડ્યું. ચંગુએ ગધેડાનું દોરડું પકડ્યું અને પોતાના મિત્રની પાછળ પાછળ ચાલવા માંડ્યું.

    પવન વધારે જોશથી ફૂંકાવા લાગ્યો અને ખૂબ ધૂળ ઊડવા લાગી. કાન ફાડી નાંખે તેવાં વાદળોના ગડગડાટ સંભળાવા લાગ્યા અને વીજળીઓના ચમકાર આંખને આંજી નાખવા લાગ્યા.

    ‘આ વીજળી તો આંખને આંજી નાખે છે.’ મંગુએ કહ્યું.

    ‘વીજળી તો ઠીક છે, પણ આ વાદળોનો ગડગડાટ તો કાન ફાડી નાખે તેવો છે.’ ચંગુએ કહ્યું.

    ‘ગડગડાટ મને જરાયે નથી નડતો.’ મંગુએ ઉમેર્યું. ‘ખરું દુઃખ તો વરસાદ આવે તેનું છે. હવે તો રસ્તામાં ક્યાંય ઘર આવે તો આપણો છુટકારો થાય.’

    ‘આટલામાં કંઈક ઘર હોય એમ મને લાગે છે.’ ચંગુએ જણાવ્યું, ‘આ રસ્તે લોકો સારી પેઠે ગયા હોય અને આવ્યા હોય એમ મને એ વટાયો હોવાથી લાગે છે. આ તરફથી જતાં પગલાં જરા ઊંડાં પડેલાં છે, અને આ બાજુ આવતાં પગલાં આછાં છે. માણસ ઘરમાંથી બહાર નીકળે ત્યારે તાજો અને ખુશમિજાજ હોય છે. એટલે એનું પગલું હલકું હોય છે. એ જ્યારે ઘેર પાછો ફરે છે ત્યારે કંટાળ્યો હોય છે. અથવા થાકી ગયો હોય છે એટલે એનાં પગલાં ભારી પડે છે. ભારી પગલાંની છાપ પણ ઊંડી હોય છે.’

    ‘તેં તો ભાઈ, અક્કલનાં મોતી ખૂબ વેરી નાખ્યાં!’ મંગુએ કહ્યું, ‘તારા આ ડહાપણના દાણા મારી નજરે પડે છે ત્યારે ઘડીક વાર મને એમ લાગે છે કે તું આંધળો નહિ પણ બરાબર દેખાતો છે. તારી નજર બે આંખે જોનાર માણસના કરતાં વધારે સારી છે. બીજાને માથામાં આંખ હોય છે પણ તારે તો ટાંટિયામાં આંખ છે!’

    ‘પણ તને આટલામાં ક્યાંયે ઘર દેખાતું નથી?’ ચંગુએ પૂછ્યું.

    એટલામાં વીજળીનો ચમકારો થયો અને એ ચમકારના તેજમાં મંગુએ તદ્દન નજીકમાં જ એક મોટું મકાન જોયું.

    ‘ભાઈ! તારી વાત ખરી છે.’ મંગુએ કહ્યું, ‘અહીંયાં નજીકમાં જ મોટા રાક્ષસને પણ આશરો આપે એવું વિશાળ મકાન છે.’

    ‘જો, મેં કહ્યું હતું તે ખરું પડ્યું ને.’ ચંગુએ હરખથી કહ્યું.

    ‘પણ એમાં ફૂલીને ફાળકો શાનો થઈ જાય છે! ચાલ આપણે ત્યાં જલદી જલદી પહોંચી જઈએ.’ મંગુ બોલ્યો.

    બેઉ જણે પગ ઉપાડ્યા અને પેલા મકાનમાં દાખલ થયા. સદ્ભાગ્યે એ તદ્દન ખાલી હતું. એમણે પોતાની સાથે પોતાના સાથીદાર ગધેડાને પણ અંદર લઈ લીધો અને બારણું બરાબર બંધ કર્યું. એવામાં વાદળાં વિખરાયાં અને ચંદ્રમા પ્રકાશવા લાગ્યો.

    આ વિશાળ મકાન એક રાક્ષસકુટુંબનું રહેઠાણ હતું. એ લોકો બહાર ચારો ચરવા ગયા હતા એટલે મકાન ખાલી હતું.

    પુષ્કળ આંધીને લીધે કંટાળી હેરાન થઈને બધા રાક્ષસો પાછા ફર્યા. એમણે પોતાના ઘર આગળ આવીને જોયું તો દરવાજો અંદરથી બંધ. તે જોઈને એમને ભારે નવાઈ લાગી. તેમના જ ઘરમાં આ વળી કોણ ભરાઈ બેઠું?

    સૌથી મોટા રાક્ષસે બૂમાબૂમ કરી મૂકી.

    ‘દરવાજો ખોલો, અંદર કોણ હરામખોર ભરાઈ બેઠો છે? ઉઘાડો નહિ તો આવી બન્યું લાગે છે, જલદી કરો, દરવાજો ખોલો.’

    રાક્ષસોનો અવાજ સાંભળીને ચંગુ ગભરાયો પણ મંગુને તો એની કંઈએ દરકાર ન હતી. એણે તેજમાં પેલા રાક્ષસને જોયો એટલે એ જરા ગભરાયો.

    અંદરથી જવાબ ન મળવાથી રાક્ષસે બારણાંને લાતો મારવા માંડી અને બૂમો પાડવા માંડી :

    ‘દરવાજો ઉઘાડો! જલદી ઉઘાડો!’

    કંટાળીને રાક્ષસ ઠંડો પડ્યો એટલે ચંગુને ધીરજ આવી અને શું કરવુ તેનો એણે એટલામાં વિચાર કરી લીધો. એણે મોટો ઘાંટો કાઢીને કહ્યું :

    ‘એ કોણ મારાં બારણાં ઠોકે છે? આવી તોફાની રાતે આવીને કોઈને હેરાન કરતાં શરમ નથી આવતી? જે હોય તે ચાલ્યો જાય, નાહકનો ધાંધલ કરીને મારા નાના દીકરાની ઊંઘ ખોટી ન કરો.’

   ‘એ શેખી જવા દે અને દરવાજો ઉઘાડ.’ રાક્ષસે કહ્યું, ‘આ ઘર તો મારું છે. મારા ઘરમાં ભરાઈને મને દમ દેવાવાળો તું કોણ છે? જલદી દરવાજો ઉઘાડ, નહિ તો મારી નાખીશ ને કાચો ને કાચો ખાઈ જઈશ.’

    એ સાંભળી જરાપણ ડર્યા સિવાય ચંગુએ જવાબ દીધો :

    ‘કેમ ભેજામાં ખૂબ રાઈ ભરી છે કે? મને ખાવાવાળા તો મરી ગયા, પણ દરવાજો ઉઘાડીશ તો તને તો હું જ કાચો ખાઈ જઈશ. તું રાક્ષસ છે તો હું બાક્ષસ છું.’

    ‘શું કહ્યું? બાક્ષસ?’ રાક્ષસે પૂછ્યું. ‘બાક્ષસ એટલે શું? એ વળી કંઈ જાતનું જનાવર?’

    ‘કેમ ભેજું ચસક્યું છે કે?’ ચંગુએ જવાબ આપ્યો, ‘તને ખબર નથી, બાક્ષસ કોણ છે તે? બાક્ષસ તો તમે બધા રાક્ષસોનો દાદો છે. આ મકાન મારું છે અને તું જન્મ્યો તે પહેલાં વર્ષો અગાઉ મેં બંધાવેલું છે.’

    ચંગુનું કહેવું સાંભળીને રાક્ષસોએ માંહોમાંહી વિચાર કરવા માંડ્યો કે ‘બનવા જોગ છે, આ મકાન આપણા દાદાજીએ બંધાવ્યું હશે. જો દાદાજી અંદર આવી ગયા હોય તો પછી એમની રજા સિવાય આપણાથી એ ઘરમાં કેમ જવાય?’

    એ સાંભળી બીજા એક જણે જવાબ દીધો :

    ‘મને તો ભાઈ, આમાં ભેદ લાગે છે. આપણા દાદાજી આવીને આમ છાનામાના ઘરમાં ભરાઈ પેસે એ તો મારા ભેજામાં નથી ઊતરતું. એ આવે તો ભલે આવે. આપણે એનાં છોકરાં છીએ એટલે આપણને હેતથી બોલાવે ને આવ્યાં છીએ તો આવકાર આપે. તેને બદલે એ આમ ઘરમાં ભરાઈ બેસે છે ને આપણને ધમકી આપે છે!’

    ‘મને પણ એમ જ લાગે છે.’ ત્રીજાએ અભિપ્રાય આપ્યો, ‘એ બાક્ષસનો અવાજ તો જુઓ. કેટલો નાનો છે! મને તો એ કોઈ માણસ જેવો હોય એમ લાગે છે.’

    એ સાંભળીને પેલો મોટો રાક્ષસ દરવાજા પાસે ગયો અને ખૂબ જોશથી સાંકળ ખખડાવી.

    ‘કેમ રે, હરામખોર! હજી સુધી ગયો નથી કે?’ ચંગુએ અંદરથી બરાડો માર્યો : ‘ચાલ, ચાલ્યો જા, નહિતર બહાર આવીને મારે તને પાંસરોદોર કરવો પડશે.’

    એ સાંભળીને પેલા મોટા રાક્ષસે કહ્યું : ‘તમે કહો છો કે તમે અમારા દાદા છો. એ વાત જો ખરી હોય તો અમને તમારો પહાડી અવાજ અથવા ગર્જના સંભળાવો એટલે અમારી ખાતરી થાય.’

    ‘કેમ ખાતરી કરવી છે?’ ચંગુએ શેખી કરતાં કરતાં કહ્યું : ‘ઠીક છે બેટમજી! સાંભળો ત્યારે.’

    એમ કહીને ચંગુએ મંગુને ધીરેથી કહ્યું : ‘પેલી ડબીમાંથી કીડીઓ કાઢ અને ગધેડાના જમણા કાનમાં મૂક.’

    મંગુએ ડબી ઉઘાડ઼ી કીડીઓ કાઢી અને ગધેડાના જમણા કાનમાં મૂકી. કીડીઓ મૂળે તો ભૂખી હતી અને ડબીમાં પુરાવાથી ખિજાઈ ગઈ હતી એટલે એમણે ગધેડાના કાનની કૂણી ચામડી પર જોશભેર બટકાં ભરવા માંડ્યાં.

    પછી તો ગધેડાએ પોતાના પંચમસૂરથી વાતાવરણ ગજાવી મૂક્યું અને કૂદાકૂદ કરી મૂકી.

    ‘મેં કહ્યું હતું કે કીડીઓ આપણને કામ આવશે. તે ખરી વાત ને?’ ચંગુએ કહ્યું.

    ‘બરાબર છે.’ મંગુ બોલ્યુ.

    ‘અરે બાપ રે! બાપ! બાક્ષસની ગર્જના જેવી તેવી નથી.’ રાક્ષસો અંદર અંદર વાત કરવા લાગ્યા.

    ‘શોખને ખાતર એ આટલી ગર્જના કરે છે તો પછી જો એ ચિઢાય કે ગુસ્સે થાય તો કોણ જાણે શુંયે કરે?’ બીજે જણાવ્યું.

    ‘હવે આપણે બીજે કોઈ ઠેકાણે ચાલ્યા જવું જોઈએ.’ મોટા રાક્ષસે સૂચના કરી.

    ‘અરે ભાઈ! એમ ઉતાવળા થવામાં મઝા નથી.’ બીજો રાક્ષસ વચ્ચે જ બોલી ઊઠ્યો. એનો ઘાંટો એવો ડરામણો હશે પણ દેખાવામાં એ કેવો છે તે જોયા કર્યા સિવાય ચાલ્યા જવું એ ઠીક નથી. દેડકાં મોટેથી ડ્રાંઉ ડ્રાંઉ કરે છે અને અંઘારી રાતે બીક લાગે એટલે એવો અવાજ કાઢે છે પણ એને જોઈને આપણે ડરી જતા નથી.’

    ‘ઠીક છે. તો પછી તમે એને જોઈ આવો ને ખાતરી કરી આવો.’

    ‘ના રે, ના! તમે જ જોઈ ને!’ પેલાએ કહ્યું.

    ‘એટલે મોટો રાક્ષસ પાછો દરવાજા પાસે આવ્યો અને બોલ્યો :

    ‘અરે બાક્ષસદાદા! તમારો અવાજ તો ભારે મોટો છે અને  સાંભળીને અમારી બધાની ખાતરી થઈ ગઈ છે. અમે જઈએ તે પહેલાં તમારાં દર્શન કરવાની અમારી ઇચ્છા છે તો અમને એટલો લાભ આપો તો ઘણું સારું.’

    ‘ઠીક છે! તમે બધા દૂર ઊભા રહો.’ ચંગુએ જવાબ આપ્યો. ‘એટલે પછી તમને દર્શનનો લાભ આપીશ.’

    રાક્ષસો મૂળ તો ગભરાયેલા હતા અને બાક્ષસનો દેખાવ કેવોયે હશે તેની કલ્પનાથી વધારે ગભરાયા એટલે દૂર ઊભા રહી લપાતાછુપાતા જોવા લાગ્યા.

    એ દરમિયાન ચંગુએ મંગુને ગધેડાની પીઠ પર ઊભો રાખ્યો અને પોતે ગધેડાના આગલા બે પગ વચ્ચે ભરાઈ ગયો.

    ગધેડાના કાનમાં કીડીઓનો હલ્લો ફરીથી ચાલું થયો અને મંગુએ ધીરે રહીને દરવાજો સહેજે ઉઘાડ્યો. ગધેડું પોતાના પાછલા પગ ઊંચા કરી, ડોકુ બહાર કાઢી જોશથી ભૂંકવા લાગ્યું. ચંગુએ પોતાના બન્ને હાથ ગધેડાના નાક ઉપર ભરાવી દીધા અને મંગુએ જોશભેર તાળીઓ પાડવા માંડી.

    ચાર હાથ, ચાર પગ, ભયંકર જડબાં અને વિચિત્ર દેખાવ જોઈને રાક્ષસો ડરી ગયા અને મૂઠીઓ વાળીને નાઠા. એમને દોડતા જોઈને મંગુએ ગધેડાના કાન આમળ્યા એટલે એનો પંચમસૂર વાતાવરણ ગજાવીને લાંબે સુધી સંભળાવા લાગ્યો. નાસી જતા રાક્ષસોને એમ લાગ્યું કે એમનો બાક્ષસદાદો એમની પાછળ પડ્યો છે!

    થોડી વારે મંગુએ ગધેડાના કાનમાંથી કીડીઓ કાઢી નાખી એટલે ગધેડુ શાંત થયું.

    ‘હવે રાક્ષસો પાછા આવશે નહિ.’ ચંગુએ કહ્યું.

    ‘રાત ઘણી ગઈ છે એટલે આપણે શાંતિથી સૂઈ જઈએ.’ મંગુએ સૂચના કરી.

    અને પછી ચંગુ-મંગુ અને એમનો સાથીદાર ગધેડો ત્રણે જણાએ લહેરથી ઊંઘવા માંડ્યું.

    તેઓ જાગ્યા ત્યારે સૂજ ઊગી ગયો હતો.

    મંગુએ જોયું તો એ મહેલમાં સોનારૂપાની પાટો પડી હતી. અને હીરા-માણેકનો પાર ન હતો. એ જોઈને મંગુએ ચંગુને કહ્યું. બન્નેના આનંદનો પાર ન રહ્યો.

    બેઉ જણાએ મળીને સોનારૂપાની પાટોથી ભરેલા બે કોથળા તૈયાર કર્યા, અને તેમણે ગધેડાની પીઠ પર એ કોથળાઓ લાદ્યા. બે નાની પોટલીઓમાં સારાં સારાં હીરા માણેક વીણી વીણીને બાંધ્યાં અને દરેક જણે અક્કેકી પોટલી પોતાની પાસે રાખી. આ રીતે તૈયાર થઈને એમણે એ મકાન છોડ્યું અને પોતે જે રસ્તે આવ્યા હતા તે રસ્તે ચાલવા માંડ્યું. રાક્ષસો પોતાના ઉપર અચાનક આપત્તિ આવી પડવાથી ગભરાઈ ગયા હતા અને પોતીકું મકાન છોડી ગયા હતા છતાં તેઓ તેના ઉપર દૂર રહ્યા નજર રાખતા હતા. વખત આવ્યે એ મકાનનો કબજો લેવાની એમની ધારણા હતી. એમણે એ મકાનમાંથી એક ગધેડાને હંકારીને બે માણસોને જતાં જોયાં એટલે એમની ખાતરી થઈ ગઈ કે એમને છેતરવામાં આવ્યા હતા. એમના આગેવાને સૂચના કરી :

    ‘આપણે બધા એ લોકોને પકડી લઈએ અને એમની ઉજાણી કરીએ.’

    ‘એ લોકો એ જ લાગના છે.’ બીજાએ ટાપસી પૂરી.

    મંગુએ રાક્ષસોને મસલત કરતા જોયા અને ચંગુએ વાત કરી.

    ‘તો પછી ગધેડાને અને ઝવેરાતની પોટલીઓને સંતાડી દઈને આપણે કોઈ ઊંચા ઝાડ પર ચઢી જઈ તો એમના હલ્લામાંથી બચી જઈશું.’

    મંગુએ પણ એમ કરવામાં પોતાની સલામતી જોઈ.

    બનતી ઉતાવળે એણે ગધેડાને એક ખાઈમાં સંતાડી દીધું અને પેલી ઝવેરાતની પોટલીઓ એક જાળામાં મૂકી દીધી.

    બેઉ જણ એક મોટા ઝાડ ઉપર ચઢી ગયા.

    એ લોકો હજી ઠેકાણે પડે ત્યાં તો બરાડા પાડતા અને નાચતાકૂદતા રાક્ષસો આવી લાગ્યા. એમનો દેખાવ ભારે વિચિત્ર હતો અને એમના ચાળા પણ એવા હતા કે એ જોઈને કાચોપોચો માણસ તો છળી મરે.

    ચંગુને એમની જરાકે બીક લાગતી ન હતી, કારણ કે એ કશું જોઈ શકતો નહોતો.

    ‘આપણે અહીંયાં સલામત છીએ.’ એણે મંગુને કહ્યું.

    ‘તું જરા આગળ ખસ એટલે આપણી સલામતીમાં ઉમેરો થશે.’ મંગુએ સલાહ આપી. ચંગુ જરા આગળ ખસ્યો એવામાં રાક્ષસોની નજર એના પર પડી.

    ‘આપણે પેલાને પહેલાં પકડી લઈએ અને ઉજાણી કરીએ’ એક વાઘમુખા રાક્ષસે ચંગુને બતાવીને સૂચના કરી.

    ‘એ કોને ખાવાની વાત કરે છે’ ચંગુએ પૂછ્યું.

    ‘ગધેડાને જ તો!’ મંગુએ જવાબ આપ્યો.

    રાક્ષસો ચંગુ જે ડાળ પર બેઠો હતો તેની નીચે એકઠા થયા અને એકના ખભા પર બીજો અને બીજાના ખભા ઉપર ત્રીજો એ રીતે ચંગુને પકડવા ઊભા રહીને પ્રયત્ન કરવા લાગ્યા. છેક ઉપર એક લાંબા કાનવાળો રાક્ષસ ચઢ્યો.

    એણે ચંગુને પકડવા પ્રયત્ન કરવા માંડ્યો પણ હજી એને પહોંચી શકતો ન હતો.

    એના કાન સસલા જેવા લાંબા હતા. એ જોઈને મંગુએ ચંગુને આગળ વધવા કહ્યું.

    ચંગુ આગળ વધ્યો એટલે એના ભારથી ડાળી નીચી નમી. એણે બીજી ડાળી પકડવા પ્રયત્ન કર્યો ત્યાં તો સદ્ભાગ્યે પેલા રાક્ષસના કાન એના હાથમાં આવી ગયા. એણે એ બરબર ચપસીને ઝાલી લીધા.

    પોતાના કાન એકાએક પકડાયલા જોઈને પેલા રાક્ષસે ભયની બૂમ મારી : ‘ઓ બાપ રે! મરી ગયો રે! આ બાક્ષસે તો મને પકડી લીધો.’

    એ સાંભળીને ચંગુ નીચો નમ્યો અને એક કાને જોરથી બચકું ભર્યું.

    ‘ઓ મારા બાપ રે! આ બાક્ષસ તો મને ખાઈ ચાલ્યો.’ પેલા રાક્ષસે મોટેથી ચીસ પાડી.

    છેક નીચે ઊભેલા રાક્ષસે  બૂમ સાંભળી ત્યાં એ ખૂબ ગભરાયો અને નાઠો. એ નાઠો એટલે એની ઉપર ઊભેલો રાક્ષસ ગબડી પડ્યો. એ પડ્યો એટલે એના ખભા પર ઊભેલો રાક્ષસ પણ જમીન પર ઢળી પડ્યો.

    નાસાનાસ ને ભાગાભાગ થઈ રહી. રાક્ષસોએ પેલા લંબકર્ણને પકડેલો જોયો અને એની બૂમાબૂમ સાંભળી એટલે બીકના માર્યાં સૌ જાય નાઠા!

    રાક્ષસોને નાસતા જોઈને મંગુ હસ્યો અને એને ધીરે રહીને ચંગુને સૂચના આપી :

    ‘હવે એને છોડી દે ભલે એ ભોંયે પડે.’

    ચંગુએ એને છોડી દીધો એટલે ધબ્બાક દઈને ભોંયે પછડાયો. એણે દુઃખની ભયંકર ચીસ પાડી પણ એ એકદમ ઊઠ્યો અને દુમ દબાવીને દોડી ગયો.

    બધા રાક્ષસો જીવ લઈને ભાગી ગયા.

    થોડી વાર પછી મંગુએ ચંગુને સૂચના કરી :

    ‘હવે આપણે નીચે ઊતરીએ. રાક્ષસો નાસી ગયા છે.’

    આ બધું શું થયું અને શી રીતે થયું તેની ચંગુને બરાબર ગતાગમ પડી નહિ એટલે એણે મંગુને ખુલાસો કરવાં કહ્યું.

    ‘ભલા માણસ!’ મંગુએ જણાવ્યું. એ લાંબી પંચાતીમાં ઉતારવા કરતાં આપણે સીધેસીધા ઝટઝટ ઘરભેગા થઈ જઈએ તેમાં જ મઝા છે.’

    બેઉ જણ નીચે ઊતર્યા. ગધેડાને શોધી કાઢ્યો અને પોતપોતાની ઝવેરાતની પોટલીઓ ઉપાડી લીધી. કૂચ-કદમ તેઓ રસ્તો કાપવા લાગ્યા.

    અને રળિયા ગઢવી ક્યાં ગયા હતા? તો જ્યાં ના ત્યાં : એની માફક વર્ષો સુધી જે શહેરમાં પોતે ભીખ માગી હતી તે શહેરમાં તેઓ આવી લાગ્યા.

    ‘હવે આપણે બધું વહેંચી લઈએ.’ મંગુએ સૂચના કરી.

    ‘બહુ સારું.’ ચંગુએ કહ્યું, ‘અરધું તું લે અને અરધું મને આપ.’

    મંગુએ બે ભાગ પાડ્યા. એક નાનો અને બીજો મોટો.

    નાનો ભાગ એણે ચંગુને આપવા માંડ્યો અને કહ્યું : ‘લે, આ તારો ભાગ.’

    ચંગુએ હાથ લગાડી જોયો તો મંગુએ આપેલો ભાગ એને ઓછો લાગ્યો.

    ‘કેમ મારી સાથે પણ છેતરપિંડી કરવા માંડી ખરું ને? આપણે લઈ આવ્યા તે બધા માલના બે સરખા ભાગ પાડીએ તો આ નાના મોટા ભાગ ન પડે. તું કંઈક ગોટાળો કરે છે.’

    ‘ના ભાઈ, ના!’ મંગુએ કહ્યું. ‘એવું કંઈ નથી.’

    ‘ના રે ના! મારી આંખો નથી તેનો લાભ લઈને તું મને છેતરે છે.’ ચંગુ બરાડ્યો. ‘તારી એવી ઠગવિદ્યા મારી પાસે નહિ ચાલે.’

    ‘શું કહ્યું?’ મંગુએ કહ્યું. ‘જરા મોટેથી બોલ, મને સંભળાયું નહિ.’

    ‘લે સાંભળ,’ એમ કહીને ચંગુએ ગુસ્સામાં ને ગુસ્સામાં મંગુના જમણા કાન ઉપર તતડાવીને એક લપડાક લગાવી દીધી.

    ‘હવે સાંભળ્યું ને?’ એમ બોલતાં એવી જ એક બીજી લપડાક ડાબા કાન પર પણ લગાવી.

    અને એ બન્ને લપડાકની અસર જાદુઈ નીવડી.

    મંગુના કાન ખૂલી ગયા અને એનું બહેરાપણું જતું રહ્યું. પણ એ વાતની એને કંઈ ખબર પડી નહિ.

    એણે ચંગુના ગાલ ઉપર ડાબા જમણી બે લપ્પડો લગાવી દીધી અને તે પડતાં જ ચંગુની આંખોનાં પડળ ઊઘડી ગયાં. એ દેખાતો થઈ ગયો.

    પોતાની નજરે મંગુને જોઈને ચંગુ આનંદના આવેશમાં બોલી ઊઠ્યો :

    ‘પાજી! તું મને છેતરે છે એનો પુરાવો આ રહ્યો. હવે મને દેખાય છે એટલે તેં નાનામોટા ભાગ પાડ્યા છે અને મને છેતર્યો છે એ વાત દીવા જેવી છે.’

    ‘અરે ત્હારીની!’ મંગુ બોલી ઊઠ્યો. ‘મારા કાન ઊઘડી ગયા અને હું પણ હવે બરાબર સાંભળી શકું છું. મારી ભૂલ માફ કર. હવે આપણે બેઉ જણ ફરીથી સરખે ભાગે વહેંચી લઈ અને પહેલાં હતાં તેવા જ જિગરજાન મિત્રો થઈને રહીએ.’

    ‘ભલે!’ ચંગુએ કહ્યું. ‘મારી ના નથી.’

    પણ બેઉ જણની નજર જ્યાં પેલા ધનના ઢગલા પર પડી તો એમની અજાયબીનો પાર રહ્યો નહિ. એ માયાવી ધન ઊડી ગયું હતું. સોનારૂપાની પાટોનાં માટીનાં ચોસલાં થઈ ગયાં હતાં અને હીરા માણેકના પથ્થરના ટુકડા થઈ ગયા હતા.

    ‘અરે ભલા ભગવાન! આ રાક્ષસોએ તો આપણને છેતર્યા. એમનું માયાવી ધન આપણને કંઈ કામ ન લાગ્યું.’ મંગુએ અફસોસ કરવા માંડ્યો.

    ‘હશે ભાઈ! જેં થવાનું હતું તે થઈ ગયું.’ ચંગુએ દિલાસો દીધો. ‘એવા હરામના અને વગર મહેનતના ધનનો શોક કરવો નકામો છે. એ મળ્યું તો યે શું? આપણને જે મળ્યું છે તેના આગળ એ ચીજોની કે એમના ઝવેરાતની કશી કિંમત નથી.’

    ‘ખરી વાત છે.’ મંગુએ કહ્યું, ‘મારી સાંભળવાની શક્તિ મને મળી એને તોલે એ ધન કદીએ ન આવી શકે. પૈસા કરતાં એનું મૂલ્ય ઘણું વધારે છે.’

    ‘જરૂર! જરૂર!’ ચંગુએ જવાબ આપ્યો. ‘મારી આંખો અને એમનું તેજ મારે મન એ રત્નો કરતાં હજાર ગણાં વધારે કીમતી છે.’

    એમ વાતો કરતાં બન્ને મિત્રો ગેલમાં આવી ગયા, અને ગાંડાની માફક નાચવા તથા કૂદવા લાગ્યા.

    એકબીજાના હાથમાં હાથ મિલાવીને એ બન્ને મિત્રો પોતાનો હંમેશનો ભીખ માગવાનો ધંધો કરવા લાગ્યા અને પોતાના અનુભવોની વીતક વાત લોકોને સંભળાવવા લાગ્યા.

    સારાયે શહેરમાં થોડા જ વખતમાં એમની વાત ફેલાઈ ગઈ. ચોરેચકલે, ચોટે કે બજારમાં જ્યાં જાવ ત્યાં એની જ વાત.

    રાજાજીને કાને પણ એ વાત પહોંચી. રાજાજીએ બન્ને મિત્રોને પોતાની પાસે બોલાવી મંગાવ્યા અને જુગલજોડીને મોઢે એમના અનુભવની વાત સાંભળી.

    ‘હવે તમારે ભીખ માગવાની જરૂર નથી. તમને બન્નેને મારા મહેલના ખાસ ચોકીદાર તરીકે નીમું છું’ રાજાજીએ એ બન્નેને કહ્યું અને તરત જ ઘટતો હુક્મ કર્યો.

    તે પછી એ બન્ને મિત્રોએ વર્ષો સુધી રાજાની મહેલની ચોકી કરી અને રાજાજીની વફાદારીથી સેવા બજાવી.

    ખાવા-પીવાની કે પહેરવા-ઓઢવાની એમને ખોટ ન હતી. રાજાજીની એમના ઉપર ભારે મહેરબાની હતી.

અલ્લાને બનાયા જોડા
નહિ અંધા, નહિ બહેરા.

સ્રોત

  • પુસ્તક : નાગરદાસ ઈ. પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2013