રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને સાત છોડીઓ.
બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ માગે ત્યારે માંડમાંડ પેટનું પૂરું થાય.
એક દિવસ બ્રાહ્મણને વડાં ખાવાનું મન થયું. એણે બ્રાહ્મણને કહ્યું આજ તો વડાં ખાવાનું મન થયું છે
બ્રાહ્મણી કહે : “પણ બધાંયને થાય એટલો લોટ ઘરમાં નથી. પાંચસાત વડાં થાય એટલો લોટ માંડમાંડ નીકળે તો.”
બ્રાહ્મણ કહે : “ત્યારે કાંઈ નહિ; વાત માંડી વાળો.”
બ્રાહ્મણી કહે : “ના, એમ નહિ. પરમ દહાડે ધોળીકાકી થોડાંક વડાં આપી ગયાં હતાં તે મેં ને છોડીઓએ ચાખ્યાં છે; એક તમે રહી ગયા છો. છોડીઓને વાળુ કરીને સૂઈ જવા દો; પછી હું તમને પાંચ-સાત પાડી આપીશ. મારે કાંઈ ખાવાં નથી એટલે એટલાં વડાં ખાઈને પાણી પીશો તો પેટ ભરાશે.”
બ્રાહ્મણીએ હળું હળું ઊઠીને ચૂલો સળગાવ્યો. પછી ચૂલા ઉપર લોઢી મૂકીને ઉપર ટીપુંક તેલ મૂક્યું.
પછી વડાંનું ડોઈને વડાં કરવા બેઠી. જ્યાં પહેલું વડું લોઢીમાં મૂક્યું ત્યાં ‘છમ, છમ, છમ’ થયું.
‘છમ છમ’ સાંભળી એક છોડી જાગી ને કહે : “મા મને છમ વડું.”
મા કહે : “સૂઈ જા, સૂઈ જા, આ લે એક વડું, ખાઈને પાણી પીને સૂઈ જા. જોજે બીજી જાગે નહિ.”
પહેલી છોડી તો એક વડું ખાઈને પાણી પીને સૂતી.
માઓ તો બીડું વડું મૂક્યું ત્યાં તો પાછું ‘છમ છમ’ થયું. બીજી છોડી જાગી ને કહે : “મા! મને છમ વડું.”
મા કહે : “લે સૂઈ જા, સૂઈ જા, જો બીજી બહેન જાગશે.”
બીજી છોડી વડું ખાઈને સૂઈ ગઈ.
બ્રાહ્મણીએ બ્રાહ્મણની સામે જોયું.
બ્રાહ્મણ કહે : “હશે, એ તો છોકરાં છે ને!”
પછી માએ ત્રીજું વડું મૂક્યું; પણ ત્યાં તો પાછું ‘છમ, છમ, છમ! ‘છમ છમ’ સાંભળી વળી એક છોડી જાગીને કહે : “મા! મને છમ વડું.”
મા કહે : “લે વળી તું ક્યાં જાગી? લે આ વડું; ખાઈને સૂઈ જા. જોજે, બીજીને જગાડતી નહિ.”
ત્રણ વડાં તો ખવાઈ ગયાં. હવે ચાર વડાંને લોટ રહ્યો.
બ્રાહ્મણીએ ચોથું વડું મૂક્યું. વળી પાછું વડું ‘છમ, છમ, છમ’ બોલ્યું.
‘છમ, છમ’ થતું સાંભળી ચોથી છોડી જાગી ને એનેય વડું આપીને માએ સુવાડી દીધી. પછી તો પાંચમી છોડી જાગી ને પાંચમું વડું એને આપવું પડ્યું; તે પછી વળી છઠ્ઠી છોડી જાગી ને છઠ્ઠું વડું એને આપવું પડ્યું; ને છેવટે સાતમું વડું સાતમી છોડીએ ખાધું.
ત્યાં તો લોટ થઈ રહ્યો!
બ્રાહ્મણ-બ્રાહ્મણીએ વડાં ન ખાધાં ને પાણી પીને સૂઈ રહ્યાં.
સ્રોત
- પુસ્તક : ગિજુભાઈ બધેકાની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 48)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2022