
એક હતો બ્રાહ્મણ. તે બહુ ગરીબ. એક વાર તેની વહુએ કહ્યું : “હવે તો તમે કાંક કામધંધો કરો તો સારું, છોકરાં હવે તો કોઈકોઈ વાર ભૂખે મરે છે!”
બ્રાહ્મણ કહે : “પણ કરું શું? મને કંઈ પણ આવડતું નથી. તું કાંઈક બતાવ તો ઠીક.”
બ્રાહ્મણી ભણેલી ને ડાહી હતી. તેણે કહ્યું : “લ્યો આ એક શ્લોક હું તમને મોઢે કરાવું છું. તે જઈને કોઈ રાજા પાસે સંભળાવજો એટલે તે તમને થોડાઘણા પૈસા જરૂર આપશે. શ્લોક ભૂલી જશો નહિ.”
બ્રાહ્મણીએ તો બ્રાહ્મણને શ્લોક મોઢે કરાવ્યો. અને તે બોલતો બોલતો બ્રાહ્મણ પરદેશ ચાલ્યો.
રસ્તામાં એક નદી આવી. ત્યાં બ્રાહ્મણ નહાવાધોવા અને ભાતું ખાવા ખોટી થયો. નહાવાધોવામાં રોકાયો, ત્યાં વહુએ શીખવેલો શ્લોક ભૂલી ગયો. બ્રાહ્મણ શ્લોક સંભારતો બેઠો, પણ કશુંય સાંભરે નહિ. એટલામાં તેણે એક જળકૂકડીને નદીકાંઠે ખોદતી જોઈ. શ્લોક સંભારતાં સંભારતાં તેણે જળકૂકડીને ખોદતી જોઈ એટલે તેના મનમાં એક નવું ચરણ સ્ફુર્યું. તે બોલવા લાગ્યો :
“ખડબડ ખડબડ ખોદત હે.”
બ્રાહ્મણ ઉપર પ્રમાણે ‘ખડબડ ખડબડ ખોદત હે’ એમ બોલવા લાગ્યો એટલે તેના અવાજથી કૂકડી લાંબી ડોક કરી ચારેકોર જોવા લાગી. એટલે વળી બ્રાહ્મણના મનમાં બીજું ચરણ સ્ફૂર્યું, ને તે બોલ્યો :
“લાંબી ડોકે જોવત હૈ.”
બ્રાહ્મણ બીજી વાર બોલ્યો એટલે કૂકડી બીકથી છાનીમાની લપાઈને બેસી ગઈ. આ જોઈ બ્રાહ્મણના મનમાં ત્રીજું ચરણ આવ્યું. તે બોલ્યો :
“કુકડમૂકડ બેઠત હૈ.”
બ્રાહ્મણ આમ બોલ્યો એટલે કૂકડી બીકથી પાણીમાં જતી રહી. આ જોઈ બ્રાહ્મણના હૃદયમાં ચોથું ચરણ ઊપજ્યું અને તે બોલ્યો :
“ધડબડ ધડબડ દોડત હૈ”
બ્રાહ્મણ તો એક શ્લોક ભૂલી ગયો પણ તેને બીજો શ્લોક હાથ લાગી ગયો. તે તો જાણે આ જ શ્લોક પોતાને શીખવ્યો હતો એમ માની આમ બોલતો બોલતો આગળ ચાલ્યો :
“ખડબડ ખડબડ ખોદત હે,
લાંબી ડોકે જોવત હે
કૂકડમૂકડ બેઠત હે,
ધડબડ ધડબડ દોડત હૈ.”
ચાલતાં-ચાલતાં એક શહેર આવ્યું. તે શહેરના રાજાની કચેરીમાં તે ગયો અને સભા વચ્ચે જઈને બોલ્યો :
“ખડબડ ખડબડ ખોદત હે,
લાંબી ડોકે જોવત હે
કૂકડમૂકડ બેઠત હે,
ધડબડ ધડબડ દોડત હૈ.”
રાજાએ તો આ વિચિત્ર અને નવો શ્લોક ઉતારી લીધો. રાજા કે કચેરીમાંથી બીજું કોઈ શ્લોકનો અર્થ કરી શક્યું નહિ.
પછી રાજાએ બ્રાહ્મણને કહ્યું : “મહારાજ! બેચાર દિવસ પછી પાછા કચેરીમાં આવજો. હમણાં રાજનાં સીધાંપાણી ખાઓ અને સુખેથી રહો. તમને તમારા શ્લોકનો જવાબ પછી આપીશું.”
રાજાએ બ્રાહ્મણનો શ્લોક પોતાના સૂવાના ઓરડામાં લખાવ્યો. રાજા શ્લોકનો અર્થ વિચારવા રોજ રાતના બાર વાગે ઊઠે ને નિરાંતે એકાંતે શ્લોકનું ચરણ બોલતો જાય અને એના અર્થનો વિચાર કરતો જાય.
એક રાત્રિએ ચાર ચોર રાજાના મહેલમાં ચોરી કરવા નીકળ્યા. તેઓ રાજાના મહેલ પાસે જઈને ખોદવા લાગ્યા. બરાબર રાતના બાર વાગ્યા હતા અને રાજા આ વખતે શ્લોકના પહેલા ચરણનો વિચાર કરતો હતો. પેલા ચોરો ખોદતા હતા તેમને કાને રાજાનો બોલ આવ્યો :
“ખડબડ ખડબડ ખોદત હૈ”
ચોરોએ મનમાં વિચાર કર્યો કે રાજા જાગે છે અને ખોદવાનો ખડબડાટ સાંભળે છે. તેથી ચોરોમાંથી એક જણ રાજાની બારીએ ચડ્યો અને રાજા જાગે છે કે નહિ તે બાબતમાં ખાતરી કરવા લાંબી ડોક કરી ઓરડામાં જોવા લાગ્યો. ત્યાં તો રાજા બીજું ચરણ બોલ્યો :
“લાંબી ડોકે જોવત હૈ.”
આ સાંભળી જે ચોર બારીમાંથી જોતો હતો તેને ખાતરી થઈ કે રાજા જાગે છે; એટલું જ નહિ પણ તેને બારીમાંથી ડોક લંબાવીને જોતાં પણ જોયો છે.
તે એકદમ નીચે ઊતરી ગયો અને બીજાઓને છાનામાના બેસી જવાની નિશાની કરી. બધાય છાનામાના ઓડવાઈને બેસી ગયા. ત્યાં તો વળી રાજા ત્રીજું ચરણ બોલ્યો :
“કુકડમૂકડ બેઠત હૈ.”
ચોરોના મનમાં થયું કે હવે ભાગો! રાજા આ બધું જાણે છે અને જુએ પણ છે. હવે જરૂર પકડાઈ જશું અને માર્યા જશું. તેઓ બીકના માર્યા એકદમ દોડ્યા. ત્યાં તો રાજાએ ચોથા ચરણનો ઉચ્ચાર કર્યો :
“ધડબડ ધડબડ દોડત હે.”
હવે ચોરો તો હતા રાજાના દરવાનો. તેઓ જ રાજાના ચોકીકારો હતા. તેમની દાનત બગડેલી તેથી ચોરી કરવાનો તેમને વિચાર થયેલો.
ચોરો ઘેર તો ભાગી ગયા પણ બીજે દિવસે કચેરી ભરાઈ ત્યારે રાજાની સલામીએ ન ગયા. તેમના મનને ચોક્કસ લાગ્યું હતું કે નક્કી રાજાજી બધું જાણી ગયા અને પોતાને ઓળખી લીધા છે.
દરવાનોને સલામે ન આવેલા જોઈને રાજાએ પૂછ્યું : “આજે દરવાનો સલામે કેમ નથી આવ્યા? ઘરે કોઈ સાજુંમાંદું તો નથી થયું ના?”
રાજાએ બીજા સિપાઈઓને દરવાનોને તેડવા મોકલ્યા. કચેરીમાં દરવાનો આવ્યા અને સલામ કરી ઊભા રહ્યા.
રાજાએ પૂછ્યું : “બોલો, તમે આજે કચેરીમાં કેમ નહોતા આવ્યા?”
પેલા દરવાનો ઘ્રૂજવા લાગ્યા. તેમના મનને તો ખાતરી જ હતી કે રાજા બધી વાત જાણી ગયેલ છે. ખોટું બોલશો તો વધારે માર્યા જશું એમ ધારી તેમણે રાતે બનેલી બધી વાત કહી દીધી.
રાજા તો આ બધું સાંભળી વિસ્મય પામ્યો. તેને થયું કે આ તો પેલા બ્રાહ્મણના શ્લોકનો પ્રતાપ. શ્લોક તો ભારે ચમત્કારી! બ્રાહ્મણ ઉપર રાજા ઘણો ખુશીખુશી થઈ ગયો. તેણે બ્રાહ્મણને બોલાવ્યો અને તેને સારું ઇનામ આપી વિદાય કર્યો.
બ્રાહ્મણને સારો એવો સરપાવ મળ્યો એટલે શ્લોકનો અર્થ કહેવડાવવાની પંચાતમાં પડ્યા વિના સીધો તે ઘરભેગો થઈ ગયો, ને ખાધું-પીધું ને મોજ કરી.



સ્રોત
- પુસ્તક : ગિજુભાઈ બધેકાની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 83)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2022