Bhaniyo Na Bhunke - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભાણિયો ના ભૂંકે

Bhaniyo Na Bhunke

ચંદ્ર ત્રિવેદી ચંદ્ર ત્રિવેદી
ભાણિયો ના ભૂંકે
ચંદ્ર ત્રિવેદી

    એનું નામ ભાણિયો.

    તમે ઓળખો છો ને એને? નથી ઓળખતા?

    ન ઓળખતા હો તો કહું. આપણા વસતા કુંભારનો એ સૌથી નાનો ગધેડો.

    એક દિવસ જોયા જેવી થઈ. ભાણિયો ભૂંકવાનું જ ભૂલી ગયો!

    ધારો કે તમે બોલવાનું ભૂલી જાઓ તો? તમને કેવી મૂંઝવણ થાય?

    ભાણિયાને પણ એવું જ થયું. ભાણિયો ખૂબ મૂંઝાણો, ખૂબ મૂંઝાણો. મૂંઝવણમાંથી મારગ તો કાઢવો જોઈએ.

    ભાણિયાને થયું; ‘વિઠલા પોપટ પાસે જાઉં. વિઠલો હોશિયાર ગણાય છે એટલે એ મને ભૂંકતાં શીખવશે.’

    એ તો ગયો વિઠલા પોપટ પાસે. વિઠુને બધી વાત કરી.

    વિઠુ કહે, ‘એમાં તે શી મોટી વાત છે? ચાલ, તને ભૂંકવાનું શીખવું. બોલ, પઢો રે પોપટ સીતારામ!’

    ભાણિયો કહે, ભૂંકવાનું કંઈ આવું ના હોય. તમે તો માણસ જેવું ભૂંકો છો!

    એમ કહી પોપટ પાસેથી ભાણિયો ચાલતો થયો.

    ભાણિયાએ દૂરથી વાલિયા વાછરડાને જોયો. વાલિયો કૂદાકૂદ કરતો હતો.

    ભાણિયો વાલિયા પાસે ગયો. ભાણિયાએ માંડીને વાત કરી.

    વાલિયો કહે, ‘હું તો કામમાં છું. ખીલે બંધાયો છું, એ જુએ છે ને? મારે આ ખીલો છોડાવવો છે; છતાં તને ભૂંકવાનું શીખવું છું.’

    ભાણિયો કહે, ‘તો તો તમારો મોટો ઉપકાર.’

    વાલિયો કહે, ‘ચાલ, બોલાવું એમ માંડ બોલવા; ભેં...એં... એં...એં...’

    ‘બસ, બસ, બસ,’ ભાણિયો કહે, ‘ભૂંકવાની આ રીત નથી. આવું તો ગાય-ભેંસ ભૂંકે.’

    વાલિયાને ખીલો ખેંચતો મૂકી ભાણિયો ચાલતો થયો.

    ‘હવે કોની પાસે જઉં?’ ભાણિયાએ વાત વિચારી.

    દૂરથી મોતિયો કૂતરો દેખાયો.

    ભાણિયાએ એને બૂમ મારી, ‘એ મોતિયાભાઈ, એ મોતિયાભાઈ!’

    ‘ભાણિયા, કેમ છો?’ મોતિયાએ નજીક આની ખબર પૂછી.

    ‘મોતિયાભાઈ, ભારે થઈ ગઈ છે.’ ભાણિયાએ રડતાં અવાજે વાત કરી.

    ‘શું થયું?’ મોતિયાએ વહાલથી વાત પૂછવા માંડી.

    ભાણિયાની આંખમાં આંસુ આવી ગયાં.

    ‘મોતિયાભાઈ, હું ભૂંકવાનું ભૂલી ગયો છું.’

    ‘અરે, મારા ભોળા ભાઈબંધ! એમાં રડે છે શું?’ મોતિયાએ એને ધીરજ આપી ‘ચાલ હું તને ભૂંકવાનું શીખવું.’

    એમ કહીને મોતિયાએ હાઉ...હાઉ...હાઉ એમ ભસવાની શરૂઆત કરી.

    ભાણિયે એને એમ થોડી વાર સુધી ભસવા દીધો. પછી ભાણિયો કહે, ‘મોતિયાભાઈ, તમે મને ભાવથી શીખવો છો એ વાત સાચી. પણ તમને ખોટું ના લાગે તો કહું. ગધેડો કંઈ આવું ના ભૂંકે.’

    મોતિયો કહે, ‘તો પછી?’

    ભાણિયો કહે, ‘આ તો કૂતરાની ભસવાની રીત છે.’

    મોતિયો કહે, ‘તો તો ભાઈ, તું બીજે જા.’

    ભાણિયાએ ઢીલે પગલે ચાલતી પકડી. એવામાં છાપરાના મોભ પર કાનો કાગડો દેખાયો.

    કાનાએ પણ ભાણિયાને જોયો.

    કાનાએ એક ઝપાટે નીચે ગોથું ખાધું.

    ભાણિયાએ એને પણ વિગતવાર વાત કરવા માંડી.

    કાનો ખૂબ ચતુર હતો.

    ભાણિયો પૂરી વાત કરે એ પહેલાં જ એ બધું સમજી ગયો.

    કાનો, કહે, ‘અરે, એમાં તે શી મોટી વાત છે? ભાઈબંધનું કામ ભાઈબંધ ના કરે તે કાંઈ બંને? ચાલ, હું તને બરાબર ભૂંકતા શીખવું.

    એમ કહીને કાનો ભાણિયાની પીઠ પર બેઠો. બેસીને કા...કા... કરવા લાગી ગયો.

    પણ ભાણિયાએ તો ચોધાર આંસુએ રડવાની શરૂઆત કરી. ખર ખર આંસુ ખરવાં લાગ્યાં.

    કાનો કહે, ‘ભાણિયા, હું તને ભૂંકવાનું તો શીખવું છું; પછી રડે છે કેમ?’

    ભાણિયો કહે, ‘કાનાભાઈ, રડું નહીં તો શું કરું? સવારનો આથડું છું, પણ કોઈ ઠેકાણે ભૂંકવાનું ના શિખાયું.’

    કાનો કહે, ‘બીજે ઠેકાણે ભૂંકવાનું ભલે ના શિખાયું પણ હું તો તને શીખવું છું ને?’

    ભાણિયો કહે, ‘કાનાભાઈ, તમે શીખવો છો એ માટે તમારી મહેરબાની, પણ સાચી વાત કહું? ગધેડો કંઈ આમ ના ભૂંકે. આ તો કાગડાની રીત છે.’

    કાનો કહે, ‘તો તો ભાઈ, એમ કર ને, તારા કોઈ જાતભાઈ પાસે જ જા! એ તને બરાબર ભૂંકવાનું શીખવશે.’

    ભાણિયો કહે, ‘અરેરેરેર હું તે કેવો ગધેડો છું? આ વાત મને પહેલાં જ કેમ ના સૂઝી? પહેલેથી એમ કરત તો કોઈને તકલીફ ના આપત. પોપટ, વાછડો, કૂતરો, કાગડો તો એ જાણતા હોય એ મને શીખવી શકે. મારે જે શીખવું હોય, જાણવું હોય એને માટે તો બરાબર ઠેકાણે જવું જોઈએ.’

    એમ કહી કાનાનો આભાર માની ભાણિયાએ આગળ જવાની તૈયાર કરી. એટલામાં ભાણિયાના કાને હોંચી...હોંચી...હોંચી... એવો અવાજ સંભળાયો. અવાજની સાથે સાથે ગુણિયો ગધેડો પણ દેખાયો.

    ભાણિયો તો રાજી રાજી થઈ ગયો. એ તો ખૂબ તાનમાં આવી ગયો. તાનમાં ને તાનમાં એણે કૂદાકૂદ કરવા માંડી. કૂદાકૂદ કરતાં એનું મોં ખૂલી ગયું. ખૂલી ગયેલા મોંમાંથી જોરથી અવાજ નીકળી ગયો : હોંચી...હોંચી...હોં.ચી...

    એને ભૂંકતો સાંભળી કાનો કા...કા...કા કરતો હરખ કરવા લાગી ગયો.

    મોતિયો પણ હાઉ...હાઉ...હાઉ... કરતો પહોંચી ગયો.

    ખીલો તોડાવી વાલિયો પણ ભેં...ભેં...ભેં કરતો આવી ગયો.

    એને દૂરથી ‘પઢો રે પોપટ સીતારામ’ એવો વિઠુનો અવાજ સંભળાયો.

    વાહ! વાહ! ભાણિયો ભૂંકતાં શીખી ગયો.

    એને ભૂંકતો જોઈને બધા ભાઈબંધો ગેલમાં આવી ગયા.

    વિઠુએ પાંજરાને ચાંચો મારી. વાલિયાએ ખીલાને લાતો મારી. મોતિયાએ પૂંછડી પટપટાવી. કાનાએ પાંખો પપડાવી.

    બધાએ એને શાબાશી આપી. પછી સૌ પોતપોતાનાં કામે ગયા અને ભાણિયો પણ કામે લાગી ગયો.

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 298)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020