રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક ગામ હતું. એ ગામમાં ત્રણ ભૂલકાં હતાં. પાકા ભાઈબંધ. એ ત્રણમાં એક હતો બાલુ, એક હતો કાલુ અને એક હતો લાલુ.
આમાં બાલુ બિચારો લંગડો હતો. થોડા દિવસ પહેલાં લંગડી રમતાં-રમતાં ખબર નહિ શું થયું, પણ પછી એ ચાલે લંગડાતો. સાથોસાથ તે તોતડો પણ હતો. બોલવા જાય : ‘સીતારામ, સીતારામ’ બોલાઈ જાય ‘છીતાલામ છીતાલામ!’ – પણ બાલુ રામ ડાહ્યો હોં કે!
બીજો હતો કાલુ અને ત્રીજો હતો લાલુ. એમને બાલુ જેવી તકલીફ ન હતી. લાલુને ક્યારેક અપંગ બાલુને ચીડવવાની મરજી થઈ આવે; પણ કાલુ એને કહે : ‘કોઈને ચીડવવા નહિ. એને કેટલું દુઃખ થાય? જો તું એને ચીડવીશ તો તારી કિટ્ટા!’ – બસ, આમ કહે એટલે લાલુ ચૂપ! બાકી આમ તો દરરોજ એ ત્રણેય જણા સાથે રમતા, સાથે ભમતા અને આનંદ કરતા.
નિશાળમાં દિવાળીની રજાઓ પડી. કાલુને મામાને ઘેર જવાનું થયું – મમ્મી-પપ્પા જોડે. મામા હતા મુંબઈ. જવાનું ગાડીમાં. બાલુ અને લાલુ તો કાલુને ‘આવજો-આવજો’ કહેવા સ્ટેશન ગયા. બાલુ તો થાકી ગયેલો એ કહે : ‘કાલુ, મજા કલજે મામાને ઘેલ! અતાલથી આપના છાલમુબારક.’
લાલુએ હસવું રોકીને કહ્યું : ‘દોસ્ત! તારા વિના આટલા બધા દિવસો કેમ જશે? હું કોની જોડે રમીશ?’
કાલુ કહે : ‘આવી કેવી વાત કરે છે? આપણો ભાઈબંધ બાલુ તો છે ને? બંને સાથે રમજો, સાથે ભમજો અને આનંદ કરજો! – અને જો લાલુ, બાલુને ચીડવતો નહિ, હોં કે?’
આમ વાતો કરતા હતા ત્યાં ગાડી આવી. કાલુ મમ્મી-પપ્પા સાથે ગાડીના ડબામાં બેઠો. મમ્મીએ બાલુ અને લાલુને બદામો આપી. ગાડી ઊપડી.
બાલુ અને લાલુ આવી ગયા ઘેર. સાંજ સુધી રમ્યા. બીજે દિવસે બંને રમવા બેઠા. લખોટીઓ, શંખલા અને કોડીનો ભાગ કરવામાં વાંધો પડ્યો. લાલુએ તો વગર વાંકે બાલુને ચીડવવા માંડ્યું. હવે એને રોકે કોણ? કાલુ તો હતો મુંબઈ, એના મામાને ઘેર!
લાલુ તોતડું બોલીબોલીને ચીડવવા માંડ્યો. બાલુ ચૂપ થઈ ગયો. તોય લાલુ તો ચીડવતો જ રહ્યો. બિચારો બાલુ તો હવે લંગડાતો-લંગડાતો પાછો પોતાને ઘેર જવા માંડ્યો. લાલુ એની નકલ કરીને ચાલવા માંડ્યો અને બોલવા માંડ્યો : ‘બાલો કાલો લંગડ બંગડ, બાલો કાલો લંગડ બંગડ!’
હવે બંને ઝઘડી પડ્યા! બાલુએ તો ક્યારનાય કિટ્ટા કરી નાખેલા તોય લાલુ ચીડવતો ચાલે : ‘બાલો કાલો લંગડ બંગડ, બાલો કાલો લંગડ બંગડ!’
બિચારો બાલુ તો લાલુના આ તોફાનથી ખૂબ દુઃખી થયો : ‘શું મારો પગ કદી સીધો નહિ પડે? શું હું તોતડાતો જ રહીશ?’
એણે તો દાક્તરમામાની સલાહ લીધી. અને ઘરની બહાર નીકળવાનું જ બંધ કરી દીધું. ઘરની બહાર જાય તો પેલો લાલુ મળે અને ચીડવે ને? – એટલે બાલુ તો ઘરની બહાર જ નીકળે નહિ.
–અને લાલુ તો ભઈ, ખરો પાજી હોં કે? એને બાલુને ચીડવવામાં એવી મજા પડી ગઈ કે બાલુ ન દેખાય તોય ઘરમાં ને બહાર લંગડાતો-લંગડાતો ચાલે ને તોતડાતો બોલે! મમ્મી ના પાડે તો.ય લંગડાય. પપ્પા ના પાડે તોય તોતડાય.
હવે દિવાળીની રજા પૂરી થવા આવી. મુંબઈથી કાલુ આવી ગયો. બાલુ તો કાલુને મળવા એને ઘેર ગયો. લાલુ આવ્યો નહિ.
બાલુ કાલુને કહે : ‘સાલ મુબારક!’ બાલુને ચોખ્ખું બોલતો જોઈને કાલુને નવાઈ લાગી. આનંદ પણ થયો. વળી બાલુને લંગડાયા વિના બરાબર ચાલતો જોઈને ખૂબ આનંદ થયો.
કાલુ કહે : ‘વાહ! બાલુ, તારા તો પગ અને જીભ – બેય સરસ થઈ ગયાં!’ બાલુ કહે : ‘દાક્તરમામાએ અમુક કસરત કરવાની સલાહ આપેલી. એમણે કહેલું ધીરેધીરે ચાલવું ને ધ્યાન દઈને બોલવું. થોડા દિવસમાં તો પગ સીધો પડવા માંડ્યો. અને હવે લગભગ ચોખ્ખું બોલાય છે મારાથી!’
કાલુ કહે : ‘સરસ; પણ લાલુ કેમ દેખાતો નથી?’ બાલુએ લાલુની બધી વાત કાલુને કરી દીધી અને કહ્યું : ‘એવા લાલુને મેં ઘણા વખતથી જોયો નથી. અને હવે જોવોય નથી મારે.’ તોપણ કાલુએ આગ્રહ કર્યો એટલે બંને ગયા લાલુને ઘેર.
લાલુએ તો માંડ દરવાજો ખોલ્યો. બાલુ અને કાલુ તો જોઈ જ રહ્યા; લાલુ થઈ ગયો’તો લંગડો! કાલુ લાલુને ખૂબ બોલાવે તોય બોલે જ નહિ! ત્યાં તો લાલુનાં મમ્મીએ આવીને કરી વાત : ‘બેટા, લાલુ બોલે ક્યાંથી? આખો દી બાલુની નકલ કરતો. તોતડું-તોતડું બોલતો હતો – એટલે એની આદત પડી ગઈ છે કે સરખું બોલાતું જ નથી એનાથી! અને ખોટુંખોટું લંગડાતો ચાલતો હતો તે પગ જ ખરેખર મરડાઈ ગયો! એને લઈ જવો છે આજે દવાખાને. બીજાને ચીડવવા જતાં પોતે જ એવો થઈ ગયો.’
લાલુ તો રડી પડ્યો. કાલુ કહે : ‘રડ નહિ, અમે તને નહિ ચીડવીએ.’ પછી બધાં દવાખાને ગયાં. દાક્તરમામા કહે : ‘લાલુ, તારો ડૉક્ટર બાલુ.’ પછી બાલુને કહે : ‘મેં તને જે કસરત અને સૂચના આપેલી તે જ તું લાલુને કહી દેજે ને, ભાઈ!’
બાલુએ લાલુને સમજ આપી. ધીરેધીરે લાલુના પગ થઈ ગયા સારા અને બોલવાનુંય સુધરી ગયું. હવે તો ત્રણેય પાક્કેપાક્કા ભાઈબંધો. ત્રણેય સાથે રમે, સાથે ભમે અને આનંદ કરે.
સ્રોત
- પુસ્તક : ઈશ્વર પરમારની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 56)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2022