એક હતી ડોસી.
એક હતો ડોસો.
ડોસી કહે : ‘ડોસા, હેંડો મેળે.
મેળે જાશું. બકરી લાશું.
ખાશું, પીશું ને મજા કરીશું.’
ડોશી ગઈ મેળે.
ડોસો ગયો મેળે.
મેળેથી લીધી બકરી.
ડોસી આવી ઘેર.
ડોસો આવ્યો ઘેર.
બકરીને બાંધી આંગણે.
ડોસી ખુશ ખુશ.
ડોસો ખુશ ખુશ.
છોકરાંઓ ખુશ ખુશ.
આમ કરતાં વહાણું વાયું.
ડોસાએ મોટા દીકરાને બોલાવ્યો.
‘મોટા, જા સીમમાં.
બકરીને ચરાવવા.’
મોટો ગયો સીમમાં.
બકરી ચરાવવા.
સવારની સાંજ થઈ.
બકરીએ ધરાઈ ઘરાઈને ઘાસ ખાધું.
ધરાઈ ધરાઈને પાણી પીધું.
મોટો આવ્યો ઘેર.
બકરી આવી ઘેર.
ડોસે બકરીને ખોળે લીધી.
પંપાળી, પસવારી.
ડોસો કહે : ‘બોલ જોયેં બકરી, તેં ધરાઈને ઘાસ ખાધું કે? ધરાઈને પાણી પીધું કે?’
બકરી બોલી : ‘હું બેં બેં બકરી,
માથે મૂકી ટોકરી,
ગઈ ’તી સીમમાં ફરવા,
દાણોપાણી ચરવા,
મળી અડધી ધાણી,
વાદળે દીધું ટીપું પાણી.’
બકરીની વાત સાંભળી ડોસો મોટા ઉપર બહુ ખિજાયો.
ડોસે ઝાલી ડાંગ, ‘મોટાની તોડું ટાંગ.’
ડોસો મોટાને મારવા દોડ્યો.
આગળ મોટો.
પાછળ ડોસો.
ડોસો કહે : ‘ઊભો રહે, મારું તને.’
મોટો કહે : ‘લ્યો ત્યારે, પકડો મને.’
દોડતાં ડોસો થાક્યો.
મોટો ત્યાંથી ભાગ્યો.
ડોસો આવ્યો ઘેર,
બકરીને તાજું ઘાસ નીર્યું.
પીવાને ઠંડું પાણી દીધું.
બેં બેં બકરી. ખાય, પીએ, ગેલ કરે.
આમ કરતાં વહાણું વાયું.
ડોસાએ નાના દીકરાને બોલાવ્યો.
‘નાના, જા સીમમાં.
બકરીને ચરાવવા.’
નાનો ગયો સીમમાં.
બકરી ચરાવવા.
સવારની સાંજ થઈ.
બકરીએ ધરાઈ ધરાઈને ઘાસ ખાધું.
ધરાઈ ધરાઈને પાણી પીધું.
નાનો આવ્યો ઘેર.
બકરી આવી ઘેર.
ડોસે બકરીને ખોળે લીધી.
પંપાળી, પસવારી.
ડોસો કહે : ‘બોલ જોયેં બકરી, તેં ધરાઈને ઘાસ ખાધું કે?
ધરાઈને પાણી પીધું કે?’
બકરી બોલી : ‘હું, બેં બેં બકરી,
માથે મૂકી ટોકરી,
ગઈ ’તી સીમમાં ફરવા,
દાણોપાણી ચરવા,
મળી અડધી ધાણી,
વાદળીએ દીધું ટીપું પાણી.’
બકરીની વાત સાંભળી ડોસો નાવા ઉપર બહુ ખિજાયો.
ડોસાએ ઝાલી ડાંગ, ‘નાનાની તોડું ટાંગ.’
ડોસો નાનાને મારવા દોડ્યો.
આગળ નાનો.
પાછળ ડોસો.
ડોસો કહે : ‘ઊભો રહે, મારું તને.’
નાનો કહે : ‘લ્યો ત્યારે, પકડો મને.’
દોડતાં ડોસો થાક્યો.
નાનો ત્યાંથી ભાગ્યો.
ડોસો આવ્યો ઘેર.
બકરીને તાજું ઘાસ નીર્યું.
પીવાને ઠંડું પાણી દીધું.
બેં બેં બકરી. ખાય, પીએ, ગેલ કરે.
આમ કરતાં વહાણું વાયું.
ડોસાએ ડોસીને બોલાવી.
‘ડોસી, જા સીમમાં.
બકરી ચરાવવા.’
ડોસી ગઈ સીમમાં.
બકરી ચરાવવા.
સવારની સાંજ થઈ.
બકરીએ ધરાઈ ધરાઈને ઘાસ ખાધું.
ધરાઈ ધરાઈને પાણી પીધું.
ડોસી આવી ઘેર.
બકરી આવી ઘેર.
ડોસે બકરીને ખોળે લીધી.
પંપાળી, પસવારી.
ડોસો કહે, ‘બોલ જોયેં બકરી, તેં ધરાઈને ઘાસ ખાધું કે?
ધરાઈને પાણી પીધું કે?’
બકરી બોલી : ‘હું બેં બેં બકરી,
માથે મૂકી ટોકરી,
ગઈ ’તી સીમમાં ફરવા,
દાણોપાણી ચરવા.
મળી અડધી ધાણી,
વાદળીએ દીધું ટીપું પાણી.’
બકરીની વાત સાંભળી ડોસો ડોસી ઉપર બહુ ખિજાયો.
ડોસાએ ઝાલી ડાંગ, ‘ડોસીની તોડું ટાંગ.’
આગળ ડોસી.
પાછળ ડોસો.
ડોસો કહે : ‘ઊભી રહે, મારું તને.’
ડોસી કહે : ‘લ્યો ત્યારે, પકડો મને.’
દોડતાં ડોસો થાક્યો,
ડોસી ત્યાંથી ભાગી.
ડોસો આવ્યો ઘેર.
બકરીને તાજું ઘાસ નીર્યું.
પીવાને ઠંડું પાણી દીધું.
બેં બેં બકરી. ખાય, પીએ, ગેલ કરે.
આમ કરતાં વહાણું વાયું.
ડોસો ગયો સીમમાં.
બકરી ચરાવવા.
ડોસો ઝાડના થડ પાછળ છુપાઈ ગયો.
છુપાઈને ખેલ જોતો રહ્યો.
સવારની સાંજ થઈ.
બકરીએ ધરાઈ ધરાઈને ઘાસ ખાધું.
ધરાઈ ધરાઈને પાણી પીધું.
ડોસો એકલો ઘેર આવ્યો. વહેલો વહેલો ઘેર આવ્યો.
બકરી એકલી ઘેર આવી. મોડી મોડી ઘેર આવી.
જુએ તો ડોસા આંગણે ઊભા છે.
ડોસે બકરીને ખોળે લીધી.
પંપાળી, પસવારી.
ડોસો કહે : ‘બોલ જોયે બકરી. તેં ધરાઈને ઘાસ ખાધું કે?’
ધરાઈને પાણી પીધું કે?’
બકરી બોલી : ‘હું બેં બેં બકરી,
માથે મૂકી ટોકરી,
ગઈ ’તી સીમમાં ફરવા,
દાણોપાણી ચરવા,
મળી અડધી ધાણી,
વાદળીએ દીધું ટીપું પાણી.’
બકરીની વાત સાંભળી ડોસો બેં બેં બકરી પર ખિજાયો.
ડોસાએ ઝાલી ડાંગ, ‘બકરીની તોડું ટાંગ.’
આગળ બકરી.
પાછળ ડોસો.
ડોસો કહે : ‘ઊભી રહે, મારું તને.’
દોડતાં ડોસો થાક્યો.
બકરી ત્યાંથી ભાગી.
ભાગતી ભાગતી ભરાઈ જંગલમાં.
જંગલમાં માટીની મજાની મઢૂલી.
બેં બેં બકરી મઢૂલીમાં ભરાઈ બેઠી.
સાંકળ વાસી ઊંઘી ગઈ.
ઘરરર, ઘરરર, ઘરરર ઊંઘવા લાગી.
ત્યાં આવ્યા સસારાણા.
સસારાણાએ મારી બૂમ :
‘કોણ ભર્યું મારા ઘરમાં?
બહાર નીકળ, બહાર.’
અંદરથી અવાજ આવ્યો :
‘હું બેં બેં બકરી,
બેં બેં કરી બિવડાવીશ
ટાંગ તોડી તતડાવીશ,
શિંગ ભેરવી ભગાડીશ,
પૂંછડી વતી પછાડીશ,
ભાગ સસા, કહું, ભાગ!’
સસારાણા ગભરાયા.
એ જાય ભાગ્યા. જાય ભાગ્યા.
થાકીને પીપળા હેઠે બેઠા.
બેઠા બેઠા રોવા લાગ્યા.
ત્યાં આવ્યા રીંછારામ.
‘સસારાણા, રુઓ કેમ?
આંખો તમારી ચૂએ કેમ?’
સસારાણા કહે : ‘ઘરમાં ભૂત ભરાયું છે
ભગાડો રીંછારામજી.
પાય પડું તમારે
સદાયનો ગુલામજી.’
રીંછારામ ચાલ્યા ભૂત ભગાડવા.
રીંછારામ કહે : ‘કોણ છે ઘરમાં
બહાર નીકળ, બહાર.’
અંદરથી અવાજ આવ્યો :
‘હું બેં બેં બકરી,
બેં બેં કરી બિવડાવીશ,
ટાંગ તોડી તતડાવીશ,
શિંગ ભેરવી ભગાડીશ,
પૂંછડી વતી પછાડીશ,
ભાગ રીંછા, કહું, ભાગ!’
રીંછારામ ગભરાયા.
એ જાય ભાગ્યા, જાય ભાગ્યા,
સસારાણાને કહેતા ગયા : ‘એ ભૂત ભાગે એવું નથી, હાં!’
સસારાણા રોવા લાગ્યા.
ત્યાં આવ્યો શકરો શિયાળ.
‘સસારાણા, રુઓ કેમ?
આંખો તમારી ચૂએ કેમ?’
સસારામા કહે : ‘ઘરમાં ભૂત ભરાયું છે
ભગાડો શકરા શિયાળજી.
પાય પડું તમારે
સદાયનો ગુલામજી.’
શકરો ચાલ્યો ભૂત ભગાડવા.
શકરો કહે : ‘કોણ છે ઘરમાં?
બહાર નીકળ, બહાર.’
અંદરથી અવાજ આવ્યો :
‘હું બેં બેં બકરી
બેં બેં કરી બિવડાવીશ,
ટાંગ તોડી તતડાવીશ,
શિંગ ભેરવી ભગાડીશ,
ભાગ શકરા, કહું ભાગ!’
શકરાભાઈ ગભરાયા.
એ જાય ભાગ્યા. જાય ભાગ્યા.
સસારાણાને કહેતા ગયા : ‘ભૂત ભાગે એવું નથી હોં!’
સસારાણા રોવા લાગ્યા.
ત્યાં આવ્યા વીરજી વીંછુડા.
‘સસારાણા, રુઓ કેમ?
આંખો તમારી ચૂએ કેમ.
સસારાણા કહે : ‘ઘરમાં ભૂત ભરાયું છે.
ભગાડો વીર વીંછુડાજી.
પાય પડું તમારે
સદાયનો ગુલામજી.’
વીરજી વીંછુડા ચાલ્યા ભૂત ભગાડવા.
વીરજી કહે : ‘કોણ છે ઘરમાં?
બહાર નીકળ, બહાર.’
અંદરથી અવાજ આવ્યો :
‘હું બેં બેં બકરી,
બેં બેં કરી બિવડાવીશ,
ટાંગ તોડી તતડાવીશ,
શિંગ ભેરવી ભગાડીશ,
પૂંછડી વતી પછાડીશ,
ભાગ વીર, કહું, ભાગ!’
પણ ભાગે એ વીરજી શેના?
વીરજી તો વીંછુડા.
મઢૂલીની તડમાંથી એક તો પેઠા ઘરમાં.
વીરજી કહે : ‘હું વીરજી વીંછુડો,
ટચૂકડો પણ તમતમતો,
ડંખ દઈને રોવડાવું,
કુદાવું અને ભગાવું,
ખો તારી ભુલાવું.’
વીરજી ચોંટ્યા બેં બેં બકરીને પગે.
બેં બેં કરી બકરી જાય ભાગી, જાય ભાગી.
બકરી ભાગી. સસારાણા ખુશ ખુશ.
સૌએ કહ્યું, ‘શાબાશ, વીરજી વીંછુડા,
બકરી ભગાડનારા વીંછુડા!’
સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 349)
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020