
બંટીએ દિવાળીની રાતે ઘણા બધાં ફટાકડા ફોડ્યા. મોડી રાત સુધી મજા કરી. છેવટે એ થાકીને સૂઈ ગયો. બીજા દિવસે નવું વરસ. મમ્મીએ બંટીને વહેલો વહેલો જગાડ્યો.
“ઊઠ, બેટા બંટી, આપણે બધાંએ સાલમુબારક કહેવા જવાનું છે...મોડું થાય છે. જલદી ઊઠ.”
બંટી પથારીમાં બેઠો થયો. બે હાથ જોડી, આંખો બંધ કરી, ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. પછી સીધો બારી પાસે જઈને ઊભો રહ્યો.
આ...હા...હા... સામે પૂર્વ દિશાના આકાશમાં કેવા લાલ-લાલ, ગોળ-ગોળ, મોટામસ સૂરજદાદા! બંટી બોલી ઊઠ્યો: “હાય! ગુડ મોર્નિંગ, સૂરજદાદા!” સૂરજદાદાએ પણ બંટીને ગૂડ મોર્નિંગ કહ્યું. બંટીએ કહ્યું: સૂરજદાદા, આજે તો તમે કેવા જાયન્ટ લાગો છો! મેં તમને આવા મોટા તો કદી જોયા નથી. આજે નવા વરસની સવાર છે એટલા માટે, સૂરજદાદા?
સૂરજદાદા બોલ્યા: હું તો રોજ સવારે આવડો મોટો જ હોઉં છુ, તું રોજ સવારે વહેલો ઊઠીને મને જુએ તો હું તને આવો જ દેખાઉં.”
બંટીએ કહ્યું: “ મને તો બ...હુ...જ મજા આવી ગઈ. હવેથી હું દરરોજ સવારે વહેલો ઉઠીશ. તમે મારી રાહ જોજો. ચાલ્યા ન જતાં. આજે હું બધાને સાલમુબારક કરવા જાઉં છું. તમને પણ સાલમુબારક, સુરજદાદા!”
સૂરજદાદા હસવા લાગ્યા. એમણે પણ બંટીને નવા વરસના આશિર્વાદ આપ્યા.
બીજા દિવસથી બંટીએ જાતે જ વહેલા ઊઠવાનું શરૂ કરી દીધું. રોજ સવારે જાગીને એ બારી પાસે આવે અને સૂરજદાદા સાથે વાતો કરે.
સૂરજદાદા, તમે મને બહુ જ ગમો છો. તમે કેવા બ્રાઈટ છો! મારે પણ તમારા જેવા થવું છે... કેમ થાઉં?
સૂરજદાદાએ કહ્યું: “ખૂબ ભણવાનું, બંટી. જેમ જેમ વધારે ભણીએ તેમ તેમ વધારે બ્રાઈટ બનીએ.”
“તે સૂરજદાદા, તમે રોજ વહેલા જ ઊઠો? ક્યારેય મોડા ઊઠો જ નહીં” બંટીએ નવો પ્રશ્ન પૂછ્યો.
“ના રે, બેટા! મારે મોડું ઊઠવું પાલવે જ નહીં. હું આવું, મારાં કિરણો પૃથ્વી પર પડે ત્યાર પછી જ સવાર પડે. એથી મારાથી તો મોડું ઉઠાય જ નહીં.
એ રીતે સૂરજદાદા અને બંટી વચ્ચે દરરોજ નવી ને નવી વાતો થવા લાગી. થોડા સમય પછી શિયાળો શરૂ થયો. ખૂબ ઠંડી પડવા લાગી. બંટીને એની મમ્મી રાત્રે ધાબળો ઓઢાડીને સુવડાવે. બંટીએ શિયાળામાં પણ સવારે વહેલા જ ઊઠવાનો નિયમ ચાલુ રાખ્યો. એ ઊઠે ત્યારે બહુ ઠંડી લાગે, પણ એ જેવો બારી પાસે આવે અને સૂરજદાદા એના પર કિરણો ફેંકે. તે સાથે જ બંટીની ઠંડી ક્યાંય ગાયબ થઈ જાય.
બંટી કહે: વાહ! સૂરજદાદા, મજા આવી ગઈ! ઠંડીમાં તમે કેવા હૂંફાળા હૂંફાળા લાગો છો. તમારા સામેથી ખસવાનું મન જ થતું નથી.”
સૂરજદાદાએ કહ્યું : “બેટા, એવું કરાય જ નહીંને! તારે દૂધ-નાસ્તો કરવાનો છે, તૈયાર થઈને સ્કૂલ જવાનું છે. મારે પણ આખો દિવસ ચાલવાનું છે. અહીં ઊભા રહેવું તને કે મને થોડું પાલવે?”
એમ કરતાં ઠંડીના દિવસો પૂરા થયા. ઉનાળો શરૂ થયો. હવે બંટીને ગરમી થવા લાગી.
એણે સૂરજદાદાને કહ્યું: “સૂરજદાદા, હવે તો તમે બહુ ગરમ ગરમ લાગો છો. શું તમે ગુસ્સામાં છો?”
સૂરજદાદા હસી પડયા અને બોલ્યા: “ના રે, બેટા! તારાં જેવાં સુંદર-સમજુ બાળકો પૃથ્વી પર હોય પછી હું શા માટે ગુસ્સે થાઉં? પણ શિયાળો ગયો અને ઉનાળો આવ્યો એટલે મારે ગરમી તો ફેંકવી જ પડેને?
જેમ જેમ ઉનાળો આગળ વધતો ગયો તેમ તેમ ગરમી વધતી ગઈ. બધાં અસહ્ય તાપમાં ત્રાસી ગયાં. એ જોઈને એક દિવસ બંટીએ સૂરજદાદાને પૂછ્યું:
સૂરજદાદા, તમે આટલી બધી આકરી ગરમી ન ફેંકો તો ન ચાલે? જુઓને, બધાં લોકો, પશુ-પંખીઓ, જીવજંતુઓ, ઝાડપાન તમારા તાપથી કેટલાં બધાં હેરાન થાય છે! તમે તો બહુ સારા છો, તોય તમને બધાંની દયા નથી આવતી?”
સૂરજદાદાએ કહ્યું: બેટા, તારી વાત સાચી છે, પરંતુ હું દયા ખાઉં તો કેમ ચાલે? હું ગરમી ફેંકું તો જ ધાન પાકે, આંબે કેરી પાકે. તને કેરી ભાવે કે નહીં?”
બંટીએ જવાબ આપ્યો: “મને તો કેરી બહુ જ ભાવે!
“તો પછી?” સૂરજદાદા આગળ બોલ્યા: અને હું આટલી ગરમી ફેંકું એનાથી જ દરિયાનું પાણી ગરમ થાય. તેની વરાળ ઉપર જાય અને આકાશમાં વાદળો બંધાય. વાદળો બંધાય તો જ વરસાદ પડે. વરસાદ વિના અનાજ ઊગે નહીં, તમને બધાંને પાણી મળે નહીં. બોલ, મારે તપવું જ પડેને?
બંટીએ કહ્યું: “હા, સૂરજદાદા, હું સમજી ગયો. તમે ભલે ગરમ રહો. અમે બધાં થોડો સમય ગરમી સહન કરી લેશું. પણ પછી તો વરસાદમાં નાહવાની કેવી મજા આવશે!”
ઉનાળો ગયો અને ચોમાસું બેઠું. એક સવારે બંટી ઊઠ્યો ત્યારે વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો. બંટી ખુશ થઈ ગયો. એ વરસાદના સમાચાર સૂરજદાદાને આપવા માટે બારી પાસે દોડ્યો. પણ બારી પાસે આવતાં જ એ નિરાશ થઈ ગયો. સૂરજદાદા ક્યાંય દેખાયા નહીં. આવા ખુશીના સમયે સૂરજદાદા ક્યાં ગયા? એની આંખોમાં આંસુ આવી ગયાં. બીજા દિવસે પણ વરસાદ પડતો હતો. સૂરજદાદા દેખાયા નહીં. ત્રીજો દિવસ...ચોથો દિવસ...એમ સાત દિવસ સુધી સૂરજદાદા ન દેખાયા તે ન જ દેખાયા. બંટી રોજ સવાર ઊઠે, બારી પાસે જાય અને સૂરજદાદા દેખાય નહીં તેથી ઉદાસ મને પાછો વળે.
આઠમા દિવસે બંટી બારી પાસે ગયો અને જોયું તો સૂરજદાદા હાજર.
એ બોલ્યા: “ગુડ મોર્નિંગ, બંટી!”
બંટીએ જવાબ આપ્યો નહીં. એ રિસાઈ ગયો હતો. સૂરજદાદાએ એને બહુ બોલાવ્યો ત્યારે એ રડમસ અવાજે કહેવા લાગ્યો:
“તમે ક્યાં ગયા હતા આટલા બધા દિવસ? કેવો સરસ મજાનો વરસાદ પડતો હતો! મારે તમારી સાથે વાતો કરવી હતી, પણ તમે પોતે જ ગાયબ!”
સૂરજદાદાએ કહ્યું: “શું કરું, બેટા? હું વાદળાં પાછળ સંતાઈ જાઉં તો જ વરસાદ પડે. અમારા વચ્ચે કરાર થયેલો છે કે વરસાદ આવે ત્યારે મારે દેખાવાનું નહીં અને જ્યારે હું હોઉં ત્યારે વરસાદ ન આવે. એથી હું તને દેખાતો ન હતો.”
બંટીએ કહ્યું: “તો તો તમે બરાબર કર્યું. હવે પાછા સંતાઈ નહીં જાઓને?”
સૂરજદાદા બોલ્યા: “કેમ? હજુ તો ઘણો વરસાદ પડશે. વરસાદ આવશે ત્યારે હું નહીં આવું. એ જશે ત્યાર પછી હું પાછો આવી જઈશ, બરાબર?”
બંટીએ કહ્યું; “ઓકે, સૂરજદાદા, હું તમારી રાહ જોઈશ.”
પછી તો ચોમાસું પણ પૂરું થયું. સૂરજદાદા નિયમિત આવવા લાગ્યા. ફરીથી બંટી અને સૂરજદાદા રોજ સવારે પેટ ભરીને વાતો કરવા લાગ્યા.



સ્રોત
- પુસ્તક : બંટીના સૂરજદાદા (પૃષ્ઠ ક્રમાંક 35)
- સર્જક : પુષ્પા અંતાણી
- પ્રકાશક : સાહિત્ય સંગમ
- વર્ષ : 2011