રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતા સસલાભાઈ, એક વખત પરગામ જવા નીકળ્યા. રસ્તામાં શિયાળ મળ્યું.
શિયાળ કહે, “સસલાભાઈ, ક્યાં ચાલ્યા?”
સસલાભાઈ કહે, “પરગામ.”
શિયાળભાઈ કહે, “બે ચાર દિવસની તૈયારી કરીને નીકળ્યા હો એમ લાગે છે.”
સસલાભાઈ કહે, “હાસ્તો. બહુ વખતે જઈએ એટલે એકદમ કાંઈ પાછું અવાય છે? સગાંવહાલાંને મળીશું. વાતચીત કરીશું. બે ચાર દિ’ રહેશું. પછી પાછા ફરીશું.”
શિયાળભાઈ કહે, “ઠીક ઠીક. લ્યો ત્યારે રજા લઉં છું. હવે તમે ઊપાડો, નહિ તો મોડું થશે.”
શિયાળભાઈ ચાલતા થયા અને સસલાભાઈ ઊપડ્યા.
શિયાળભાઈએ વિચાર કર્યો, સસલાભાઈ પરગામ ગયા છે તો ચાલો ને એમને ઘેર જ ધામા નાંખીએ.
શિયાળભાઈ તો ગયા સસલાભાઈને ઘેર. ઘેર જઈને કહે :
“સસલાભાઈ તો સામા મળ્યા
સંદેશો એ કહેતા ગયા
ઘેર સસલીબાઈ એકલાં
છોરું એમને ઝાઝાં છે.
કોઈ નાનાં છે, કોઈ મોટાં છે.
કોઈ રિસાય, કોઈ રડે,
કોઈ પડે, કોઈ આખડે,
સસલીબાઈ તે શું કરે?
કોને લઈને એ ફરે?
માટે શિયાળભાઈ : ઘેર જઈને રહેજો
છૈયાં-છોકરાં લેજો
કામકાજ કરજો
હરજો ને ફરજો.
શિયાળભાઈનું બોલવું સાંભળી સસલીબાઈ રાજી થઈ ગયાં. શિયાળભાઈની એમણે તો ભારે આગતા-સ્વાગતા કરી ઘેર રાખ્યા. રોજ નવી નવી વાનીઓ કરે અને શિયાળભાઈને ખવરાવે. શિયાળભાઈ તો ખાય છે, પીએ છે અને મઝા કરે છે.
એવામાં બે ચાર દિવસ પૂરા થયા અને સસલાભાઈને આવવાનો દિવસ આવી પહોંચ્યો, એટલે શિયાળભાઈ કહે, “સસલીબાઈ, લ્યો ત્યારે હવે હું રજા લઈશ. આજે તો સસલાભાઈ આવી પહોંચશે.”
સસલીબાઈએ કહ્યું, “ભલે.”
શિયાળભાઈએ ચાલતી પકડી. થોડી વાર થઈ ને સસલાભાઈ ઘેર આવી પહોંચ્યા. સસલીબાઈ કહે, “શિયાળભાઈ બહુ સારા છે.” સસલાભાઈન થયું કે આ સસલીબાઈ શેની વાત કરે છે? શેના શિયાળભાઈ ને શેની વાત? સસલીબાઈએ બધી વાત કરી ત્યારે સસલાભાઈને ખબર પડી કે આ તો સામા મળ્યા’તા એ શિયાળભાઈ છેતરી ગયા ને મજા કરી ગયા લાગે છે. સસલીબાઈ ભોંઠાં પડી ગયાં. “હશે, હવે જે થયું તે થયું, કાંઈ નહિ. પણ કોઈ વખત લાગ આવે એમને બરોબર મજા ચખાડીશું,” સસલાભાઈ બોલ્યા.
એક વાર ફરીથી સસલાભાઈને પરગામ જવાનું થયુ. સસલાભાઈએ સસલીબાઈને બોલાવી કહ્યું, “જો શિયાળભાઈ આવે તો એમની આગતાસ્વાગતા કરી બેસાડજે. સાંજ પડે ને અંધારું થાય ત્યારે ઘરમાં એક ખાલી કોઠી બતાવજે અને કહેજે, ‘શિયાળભાઈ, આમાંથી જરા દાણા કાઢી આપશો?’ શિયાળભાઈ દાણા કાઢવા કોઠી ઉપર ચડે એટલે ધક્કો મારજે અને પછી કોઠીનું મોઢિયું બંધ કદી દેજે.’
સસલીબાઈએ કહ્યું, “ઠીક.”
સસલાભાઈ ચાલતા થયા. સામે શિયાળભાઈનો ભેટો થયો.
શિયાળભાઈ કહે, “કાં સસલાભાઈ, ઉતાવળા?”
સસલાભાઈ કહે, “જરી ઉતાવળનું કામ છે એટલે બહાર જાઉં છું.”
શિયાળભાઈને થયું સસલાભાઈને ખબર પડી લાગતી નથી માટે ચાલોને આજે ય એમને ઘેર જઈ ધામો નાખીએ. શિયાળભાઈ સસલાભાઈના ઘર તરફ ઊપડ્યા.
દૂરથી શિયાળભાઈને આવતા જોઈ “મામા આવ્યા! મામા આવ્યા!” કહી સસલીબાઈનાં બાળકો દોડી આવ્યાં ને શિયાળભાઈને વળગી પડ્યાં શિયાળભાઈ તો ખુશ થતા થતા ઘેર આવ્યા ને સસલીબાઈએ ખાટલો ઢાળી આપ્યો એની ઉપર બેઠા.
સાંજ પડી ને અંધારું થયું એટલે સસલીબાઈ કહે, “શિયાળભાઈ, આ કોઠીમાંથી જરા ચોખા કાઢી આપશો?”
શિયાળભાઈ કહે, “હોવે, ચાલોને કાઢી દઉં” કહી ઘરમાં ગયા. કોઠી ઊંચી હતી એટલે શિયાળભાઈ ઉપર ચઢ્યા અને કોઠીની અંદર જેવો હાથ નાખ્યો એવો પાછળથી સસલીબાઈએ ધક્કો માર્યો. શિયાળભાઈ તો પડ્યા કોઠીમાં. તરત સસલીબાઈએ કોઠીનું મોઢું બંધ કરી દીધું. ત્યાં છોકરાં આવી ચડ્યાં અને બોલવા લાગ્યાં :
“કોઠીની અંદર કોણ છે?
શિયાળભાઈ,
શું કરે છે?
બેઠા છે,
શું ખાય છે?
હવા,
કેવી સરસ હવા!”
એવામાં સસલાભાઈ પણ આવી પહોંચ્યા. છોકરાંને બોલતાં સાંભળી પૂછ્યું, “અરે, શું છે?”
છોકરાં બોલ્યાં :
“કોઠીની અંદર કોણ છે?
શિયાળભાઈ,
શું કરે છે?
બેઠા છે,
શું ખાય છે?
હવા,
કેવી સરસ હવા!”
છોકરાંનું બોલવું સાંભળી સસલાભાઈને હસવું આવ્યું, પણ હસવું ખાળી બોલ્યા, “અરે છોકરાં, શિયાળભાઈ કોઠીમાં ક્યાંથી? કાઢો, કાઢો એમને બહાર, બિચારા ચગદાઈ ગયા હશે. સસલીબાઈ, જાવ, ખાટલો પાથરો અને શેક કરવા સગડી સળગાવો.”
સસલીબાઈએ તો એક ભાંગેલો તૂટેલો ખાટલો લાવી પથારી કરી ને એની નીચે દેવતા પાથર્યો. સસલાભાઈએ કોઠીનું મોઢિયું ઉઘાડી શિયાળભાઈને બહાર કાઢ્યા અને સસલીબાઈએ ખાટલો પાથર્યો હતો ત્યાં સુવરાવવા લઈ ગયા, પણ શિયાળભાઈ જ્યાં ખાટલા ઉપર સુવા જાય છે ત્યાં તો ખાટલો તૂટી ગયો અને શિયાળભાઈ થબાક કરતાંને દેવતાની ઉપર પડ્યા. એ તો ‘ઓ બાપ રે!’ કે’તાકને નાઠા નાઠા તે નાઠા. સસલાભાઈ કહે, “અરે શિયાળભાઈ, ઊભા તો રહો!” પણ શિયાળભાઈ શેના ઊભા રહે! એ તો નાઠા તે નાઠા.
તે દિવસ પછી શિયાળભાઈ સસલાભાઈને ઘેર આવવાનું ભૂલી ગયા અને સસલાભાઈને સસલીબાઈએ ખાધું, પીધું ને મજા કરી.
સ્રોત
- પુસ્તક : કલગી (પૃષ્ઠ ક્રમાંક 15)
- સર્જક : સોમાભાઈ ભાવસાર
- પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ
- વર્ષ : 1940