રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક દિવસ એવું બન્યું કે સવાર થવા આવ્યું તોય શ્લોકભાઈ તો ઊઠે જ નહીં ને! બસ ઘસઘસાટ ઊંઘ્યા જ કરે! સૂરજદાદાએ બહુ રાહ જોઈ કે આ શ્લોક ઊઠે પછી હું મારાં કિરણો એના ઘરમાં મોકલું. પક્ષીઓએ પણ વિચાર્યું કે આ શ્લોક જાગી જાય પછી બધો કલરવ કરીએ! ઠંડી હવા એવી આવે કે શ્લોકભાઈ તો જાગવાનું નામ જ ન લે. ઘરરર ઘરરર નસકોરાં બોલાવતો જાય ને ઊંડા ઊંડા શ્વાસ લીધે રાખે! ગાલ ઉપર ને નાક ઉપર ને કપાળ ઉપર માખીઓ ફર્યા કરે પણ ઊઠી જાય તો શ્લોકભાઈ શાના?
શ્લોકની મમ્મીએ પણ આજે તો નક્કી જ કરી લીધેલું કે જાતે ન ઊઠે ત્યાં સુધી ઉઠાડવો જ નથી ને! ઊઠે પછી એની વાત છે! પણ શ્લોક તો મીઠા-મધુરા સપનામાં હતો. પાછું સપનું પણ કેવું મજાનું? એક પહાડ ઊડતો ઊડતો આવ્યો. શ્લોકના ઘરની બારીએ આવીને કબૂતરની જેમ બેસી ગયો. અચાનક શ્લોકની નજર એના ઉપર પડી. શ્લોક તો ચોંકી ઊઠ્યો. એણે કદી પહાડને આ રીતે જોયેલો નહીં એટલે એ તો ગભરાઈ ગયો. પણ પહાડે કહ્યું કે તારે મને પહાડ અંકલ કહેવાનો. અને સાંભળ :
‘મારાથી કોઈ બીશો નહીં,
મુજ જેવો કોઈ મોટો નહીં!’
પહાડ અંકલે તો સીધું જ પૂછ્યું : ‘શ્લોક, તારે મારી સાથે ફરવા આવવું છે? ચાલ, હું હમણાં જ પેલાં વાદળોની સાથે વાતો કરવા જાઉં છું. તને પણ મજા આવશે.’ શ્લોકભાઈ તો તરત તૈયાર! એ તો પહાડ અંકલની પીઠ ઉપર બેસી ગયા અને સરસ મજાનું એક ઝાડ પકડી લીધું. પહાડ તો પાંખોય ન ફફડાવે, બસ સમળીની જેમ હવામાં તર્યા કરે. ઘડીમાં પેલી બાજુ. પહાડ તો સુસવાટા મારતા પવનની વચ્ચેથી માર્ગ કાઢે. પહેલાં તો શ્લોકને બહુ બીક લાગી. મનમાં થાય કે મેં હા પાડી જ ન હોત તો સારું હતું. પણ હવે તો ઊતરવુંય શી રીતે? પહાડ અંકલ આમતેમ સેલ્લારા મારે ત્યારે પેટમાં તો એવું થાય... એવું થાય... કોઈ ગલીપચી કરતું હોય એવું થાય. પેટમાં તો એવા બાચકા વળે કે ન પૂછો વાત! પણ એણે તો ઝાડને બરાબર પકડી રાખ્યું હતું એટલે પડવાની બીક તો નહોતી જ.
આકાશમાં ઊંચે ને ઊંચે પહાડ અંકલ ઊડતા જાય અને એક પછી એક એમ વાદળો આવતાં જાય. પહાડ અંકલ અને શ્લોકભાઈને ભીંજવતાં જાય. થોડી વાર આ રીતે ઊડ્યા ત્યાં તો શ્લોકબાઈને જે ઠંડી ચડી જે ઠંડી ચડી... એ તો ધ્રૂજવા લાગ્યા. પહાડ અંકલને તો કશી ખબરેય નહીં! એ તો આ વાદળ ને પેલું વાદળ... બસ, ઊડ્યા જ કરે! નાના વાદળ સાથે ઝાઝી બધી વાતો કરે અને મોટા વાદળને પૂછે : ‘તારા બે ભાગ કરી દઉં?’ પછી વાદળની વચ્ચેથી સૂમસમમમ કરતા નીકળી જાય ને પાછળ જુએ તો વાદળના બે ભાગ... એક આમ ને બીજો તેમ! વાદળ ખડખડાટ હસે એટલે પહાડ અંકલ આગળ જાય.
એક વાદળ જરા તોફાની હતું. એને થયું કે હું શ્લોકભાઈને મારી બાથમાં લઈ લઉં ને જરા લાડ લડાવું! એણે તો બેય બાજુના છેડા લંબાવ્યા કે તરત જ શ્લોકભાઈ ઢંકાઈ ગયા, શ્લોકભાઈને હવે જ ખરેખરી બીક લાગી. બેય આંખો આપોઆપ જ બંધ થઈ ગઈ. વાદળ તો એના કાનમાં ને નાકમાં છેક અંદર સુધી પહોંચી ગયું. નાકમાં ભીની ભીની સુગંધ આવે ને કાનમાં ગડગડાટી સંભળાય! શ્લોકના કાનમાં મીઠી ખંજવાળ આવવા જેવું થાય અને નાકમાં તો એમ થાય કે હમણાં છીંક આવી કે આવશે! શ્લોકભાઈએ તો ઝાડને પકડ્યું હતું એટલે નાકને ખંજવાળે તોય શી રીતે ખંજવાળે? હાથ છૂટી જાય ને નીચે પડી જવાય તો?
ધીરે ધીરે કરતાં નાકમાં સળવળાટ તો બહુ જ વધી ગયો. છેવટે રહેવાયું નહીં એટલે શ્લોકભાઈએ તો પહાડ અંકલને બૂમ મારી. ‘એ પહાડ અંકલ! ઓ પહાડ અંકલ! મને જલદી નીચે ઉતારો મને તો છીંક આવે છે! અરે કહું છું મારા હાથ છૂટી જશે તો? સાંભળો છો કે નહીં? શ્લોકભાઈ તો રડવા જેવા થઈ ગયા. પહાડ અંકલ ખડખડાટ કરતા હસ્યા અને કહે કે ‘ચાલ અત્યારે જ ઉતારી દઉં. આમેય આજ પહેલી વારની સફર છે તો આટલું બહુ થયું!’ એમણે તો ધીરે ધીરે નીચે ઊતરવાનું શરૂ કર્યું. બધાં વાદળો શ્લોકભાઈને ‘એ આવજો... આવજો...’ કહેતાં ગીતો ગાવા લાગ્યાં. પહાડ અંકલ તો સડસડાટ નીચે આવીને, શ્લોકભાઈના ઘરની બારીએ કબૂતરની માફક બેસવા લાગ્યા! ત્યાં તો શ્લોકભાઈને આવી છીંક! ‘એએય હાઆક છીં! એએય હાઆક છીં! એએય હાઆક છીં!’ એક નહીં, બે નહીં, પૂરી ત્રણ છીંક આવી... અને શ્લોકભાઈ તો જાગી ગયા! જુએ તો સામે એની મમ્મી લુચ્ચું લુચ્ચું હસ્યા કરે... મમ્મીએ પહેરેલી એ સાડીનો છેડો એના હાથમાં હતો. એ ક્યારનીય શ્લોકને ઉઠાડવા માટે પ્રયત્ન કરતી હતી. સાડીના છેડાની દિવેટ બનાવીને એ શ્લોકના નાકમાં ક્યારનીય સળવળ કરતી હતી. શ્લોકભાઈને છીંક ન આવે તો બીજું શું થાય?
આમ, શ્લોકને જાગેલો જોઈને મમ્મીને તો મજા પડી ગઈ. પછી રાત્રે શ્લોકે કૃતિફઈબાને, દાદાને અને બાને પહાડ અંકલની વાત કહી. રાત પડી એટલે પહાડ અંકલનું સપનું જોવા સૂઈ ગયો!
સ્રોત
- પુસ્તક : સપનાંનો પહાડ (પૃષ્ઠ ક્રમાંક 45)
- સર્જક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
- વર્ષ : 2023