રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક ડોશી હતી. તે એક કૂબામાં રહેતી હતી. વરસાદના દિવસો આવ્યા અને વરસાદ બહુ થયો. એટલે ડોશીના કૂબામાં ચારેકોર ચૂવા લાગ્યું, અનેક, ઠેકઠેકાણે પાણીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં.
ડોશીને ચૂવાથી બહુ જ ત્રાસ થવા લાગ્યો : ચૂવાનાં ટીપાં તેના શરીર પર પડતાં હોવાથી તે ઘણી કંટાળી ગઈ.
એક વાર એક સિંહ ડોશીના કૂબા પાછળ રાતનો લપાઈને ઊભો હતો. એવામાં ડોશીને પગમાં ઠેશ લાગવાથી ખાબોચિયામાં પડી અને શરીરે ટાઢું લાગવાથી બોલી :
“હું સિંહલાથી ન બીઉં,
હું વાઘલાથી ન બીઉં;
બીઉં હું એક ટાઢકા ટબૂકલાથી.”
ડોશીને આવું બોલતી સાંભળી સિંહ વિચાર કરવા લાગ્યો કે આ ડોશી સિંહથી કે વાઘથી બીતી નથી, અને ટાઢા ટબૂકલાથી બીએ છે, ત્યારે એ ટાઢું ટબૂકલું તે કવું હશે?
એટલામાં ડોશીના વાંસામાં ઉપરથી એક મોટું પાણીનું ટીપું પડ્યું. ડોશી વળી કંટાળીને બોલી :
“હું સિંહલાથી ન બીઉં,
હું વાઘલાથી ન બીઉં;
બીઉં હું એક ટાઢા ટબૂકલાથી.”
સિંહ ફરી વાર ડોશીને બોલતી સાંભળીને ગભરાયો અને ટાઢા ટબૂકલાથી બચવા માટે ઊભે પૂંછડે જંગલ તરફ દોડ્યો.
રસ્તામાં એક વડ આવ્યો. વડ ઉપર એક વાંદરો ધ્રૂજતો બેઠો હતો. નીચે ભૂલો પડેલો એક મુસાફર વડના થડ પાસે ઓડવાઈને પડ્યો હતો.
સિંહને દોડતો જતો જોઈને વાંદરે પૂછ્યું : “સિંહભાઈ! વનરાજ થઈને ધ્રૂજતા ધ્રૂજતાં ક્યાં દોડ્યા જાઓ છો?”
સિંહ કહે : “ભાઈ ટાઢા ટબૂકલાથી બહુ બીઉં છું. એક ડોશી બોલતી હતી :
“હું સિંહલાથી ન બીઉં,
હું વાઘલાથી ન બીઉં;
બીઉં હું એક ટાઢા ટબૂકલાથી.”
‘આથી હું ડોશીને બોલતી સાંભળીને જીવ લઈને ભાગ્યો છું.’
સિંહની વાત સાંભળીને વાંદરાને પણ બહુ બીક લાગી.
ઝાડ પાસે સિંહને ઊભેલો જોઈ નીચે બેઠેલા માણસને બીક લાગી કે કદાચ સિંહ પોતાને ખાઈ જશે, એટલે તેણે ઝાડ પર ચડવાનો વિચાર કર્યો. તેના હાથમાં વાંદરાનું ટાઢું ટાઢું પૂંછડું આવ્યું. મુસાફરે વાંદરાનું પૂંછડું પકડ્યું એટલે વાંદરો ચમક્યો અને ટાઢું ટબૂકલું આવી પહોંચ્યું એમ ધારી ચીસ પાડી કૂદ્યો. મુસાફરના હાથમાંથી પૂંછડું લપસી ગયું એટલે તે ધડ લઈને નીચે પડ્યો એટલે સિંહને લાગ્યું કે ટાઢું ટબૂકલું આવી પહોંચ્યું છે અને વાંદરાને પકડ્યો છે; આથી સિંહ વધારે ગભરાયો ને અંધારામાં ત્યાંથી દોડતો-દોડતો નાઠો.
તે જ રાત્રે એક વોરાની બકરી ખોવાયેલી તેથી તે જંગલમાં તેને શોધવા માટે નીકળેલો. અંધારામાં સિંહ તેની સાથે અફળાયો. સિંહને કંઈક અથડાયું એટલે તેને બીક લાગી કે ટાઢું ટબૂકલું આવ્યું; ને વોરાને કંઈક અથડાયું એટલે એણે જાણ્યું કે પોતાની બકરી હાથ આવી.
સિંહ તો ટાઢા ટબૂકલાની બીકથી લપાઈને ટાઢો થઈને કોરે જઈને ઊભો રહ્યો. વોરાને લાગ્યું કે નજીક ઊભેલું પ્રાણી પોતાની બકરી છે એટલે તેણે એકદમ પાસે જઈ ગાળો દઈ, તેના કાન પકડીને તેને બે-ચાર ખેંચી કાઢી.
સિંહના મનમાં તો થયું કે ભોગ લાગ્યા! ટાઢા ટબૂકલાના હાથમાં આવ્યા તે હવે છૂટશું નહિ. બીકમાં અને બીકમાં તેણે માર ખાઈ લીધો અને મિયાંની મીની જેવો બની વોરા સાથે ચાલ્યો.
વોરાએ ઘેર આવીને તેને બકરીને ખીલે બાંધી દીધો.
સવારમાં ઊઠીને જ્યાં વોરીજી બકરી દોહવા જાય ત્યાં તો તેણે બકરીને બદલે સિંહ જોયો!
વોરીજીએ વોરાજીને વાત કરી. સિંહ છે એ ખાતરી થતાં દૂરથી છરી વડે દોરડું કાપી નાખી વોરા-વોરી ઘરમાં પેસી ગયાં!
સિંહને મનમાં થયું : “હાશ! ચાલો. ટાઢા ટબૂકલાથી છૂટ્યા!”
સ્રોત
- પુસ્તક : ગિજુભાઈ બધેકાની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 62)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2022