Bakrinu Bachchu Ane Varu - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બકરીનું બચ્ચું અને વરુ

Bakrinu Bachchu Ane Varu

પ્રભુલાલ દોશી પ્રભુલાલ દોશી
બકરીનું બચ્ચું અને વરુ
પ્રભુલાલ દોશી

    એક બકરીનું બચ્ચું ઝરણાનું પાણી પીતું હતું. ઝરણું ઊંચા ટેકરા પરથી નીચે વહેતું હતું. ઝરણાની ટોચે ઊભેલા વરુએ બકરીના બચ્ચાને જોઈ લીધું. તે ગુપચુપ બચ્ચાની પાસે આવ્યું અને મોટેથી બોલ્યું, ‘અરે દુષ્ટ! હું પાણી પીતો હતો તે તેં ગંદું કેમ કર્યું?’

    બચ્ચાએ ડરતાં-ડરતાં કહ્યું, ‘હું કેવી રીતે પાણી ગંદુ કરી શકું? પાણી તો તમારા તરફથી મારી તરફ આવે છે.’

    ‘હવે જા, જા. તેં એક વર્ષ પહેલાં મને ગાળ દીધી હતી, તે હું કંઈ ભૂલી ગયો નથી. આજે તો હું તને મારી જ નાખીશ.’

    ‘મારી ભૂલ થઈ, મને માફ કરો.’ બચ્ચાએ આજીજી કરી.

    ‘તેં તારો ગુનો કબૂલ કર્યો. હવે તો હું તને કાયદેસર મારી શકું તેમ છું.’ વરુ હસતું-હસતું બોલ્યું.

    ‘બ-ચા-વો!’ બચ્ચાએ બૂમ પાડી.

    વાઘની ગર્જના સંભળાઈ. બંને ચૂપ થઈ ગયાં. ઝાડીમાંથી વાઘ બહાર આવ્યો અને બોલ્યો, ‘કોણે બૂમ પાડી?’

    બચ્ચાએ કહ્યું, ‘નામદાર, મેં બૂમ પાડી.’

    ‘કેમ?’ વાઘે પૂછ્યું.

    ‘આ વરુ મને મારી નાખવા માગે છે.’ બચ્ચાએ કહ્યું.

    ‘આ જંગલમાં કોઈના પર કામ ચલાવ્યા સિવાય તેને મારી શકાતું નથી, તેની તને ખબર છે ને?’ વાઘે વરુને પૂછ્યું.

    ‘તો કામ ચલાવો. બકરીના બચ્ચાએ ગુનો કબૂલ કર્યો છે.’ વરુએ કહ્યું.

    ‘તારી શું ફરિયાદ છે?’ વાઘે પૂછ્યું.

    ‘આ બચ્ચાએ મારું પીવાનું પાણી બગાડ્યું હતું તથા એક વર્ષ પહેલાં મને ગાળ દીધી હતી.’ વરુએ જવાબ આપ્યો.

    ‘તારો શું બચાવ છે?’ વાઘે બચ્ચાને પૂછ્યું.

    ‘મેં પાણી બગાડ્યું નથી. પાણી વરુ તરફથી મારી બાજુ આવતું હતું.’ બચ્ચાએ કહ્યું.

    ‘તેં ગાળો દીધી હતી?’ વાઘે પૂછ્યું.

    ‘મારી ઉંમર છ માસની છે. વર્ષ પહેલાં હું કેવી રીતે ગાળો આપી શકું?’ બચ્ચાએ કહ્યું.

    ‘તેં નહીં તો તારા બાપે ગાળ દીધી હશે.’ વરુ વચ્ચે બોલી ઊઠ્યું.

    ‘વચમાં ડખલ ન કર.’ વાઘે વરુને તતડાવ્યું.

    બચ્ચું બોલ્યું, ‘નામદાર, આપ ન્યાય કરો.’

    ‘બચ્ચા, તું નિર્દોષ છે. જા તારા ઘેર જતું રહે. વરુએ ખોટી ફરિયાદ કરી છે અને નિર્દોષ બચ્ચાને રંજાડ્યું છે તેની સજા મોત છે.’ કહેતાં જ વાઘે વરૂને ફાડી ખાધું.

    ખાતાં-ખાતાં વાઘ ધીમેથી બોલ્યો, ‘બકરીના નાના બચ્ચાને મારું તો કોળિયા જેટલું પણ ખાવાનું ન મળે. વરુ મળ્યું તો પેટ ભરીને ખાવાનું તો મળ્યું. વળી, પેલું બચ્ચું જંગલમાં જઈને મારા નિષ્પક્ષ ન્યાયનો પ્રચાર કરશે એ કંઈ ઓછું છે.?’

સ્રોત

  • પુસ્તક : પ્રભુલાલ દોશીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2013