રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક તળાવ હતું. તેને કિનારે એક બગલો રહેતો હતો. તળાવમાં કાચબા, દેડકાં, અને માછલીઓ રહેતાં હતાં.
બગલાને મજાક કરવાની ટેવ હતી. તે રોજ નવા નવા દેખાવ કરીને બધાંને વિચાર કરતા કરી દેતો. જાત જાતના વેશ બદલીને ડરાવતો. માછલીઓ તો તેનાથી ખૂબ જ ગભરાતી. કાચબા બિચારા લપાઈ જતા. દેડકાં તો કૂદકા મારીને ભાગી જતાં. કોઈ એને ઓળખી શકતું નહીં.
એક દિવસ એક કાકા તળાવને કિનારે નહાવા આવ્યા. તેમણે ડગલો કાઢીને કિનારા ઉપર મૂક્યો. કાકા તળાવમાં નહાવા પડયા. કાકા નહાતાં નહાતાં તળાવમાં દૂર ચાલ્યા ગયા.
બગલો ઊભો ઊભો બધું જોતો હતો. તેને વિચાર આવ્યો કે, કાકાનો ડગલો સંતાડી દઉં. પછી ડગલો પહેરીને વટ મારીશ. બધાંને ડરાવીશ.
તેણે ધીમે રહીને કાકાનો ડગલો બાજુની ઝાડીમાં સંતાડી દીધો. કાકા બહાર નીકળીને ડગલો શોધવા લાગ્યા. ડગલો મળ્યો નહીં તેઓ નિરાશ થઈને ઘરે ચાલ્યા ગયા.
બીજે દિવસે સવારે બગલાએ ડગલો પહેરી લીધો. વટ મારવા લાગ્યો. તે બધાને કહેવા લાગ્યો, 'હું આ તળાવનો માલિક છું. બધાં અહીંથી ભાગી જાઓ. તમને બધાંને જાનથી મારી નાખીશ.’
તેને જોઈને બધાં ભાગવાં લાગ્યાં. રોજ રોજ આ કોણ ડરાવતું હશે? કાચબા નીચી ડોકે સરકવા લાગ્યા. દેડકાં પણ આમથી તેમ કૂદતાં ભાગવા લાગ્યાં. માછલીઓ ચૂપચાપ તળિયે જઈને બેસી ગઈ.
તળાવને કાંઠે થોડા દિવસથી સારસ અને સારસી રહેવા આવ્યાં હતાં. સારસ રોજ બગલાનું ફારસ જોતો. પણ તે બોલતો નહીં. પણ આજે તેનાથી રહેવાયું નહીં. વાતનો ભેદ ખોલ્યો.
સારસે બધાંને બોલાવીને કહ્યું, 'ગભરાશો નહીં. શા માટે ડરો છો? આ તો બીકણ બગલો છે. ડગલો પહેરીને ખોટો વટ મારે છે.’
એવામાં પેલા કાકા પણ આવી ગયા. બગલો પકડાઈ ગયો. તે ગભરાવા લાગ્યો. ડગલો કાઢીને જાય ભાગ્યો. કાકાને ડગલો મળી ગયો. બધાં એને દૂર સુધી મૂકી આવ્યાં. કાકાએ બગલાને ખૂબ જ ધમકાવ્યો. બગલો વટ મારવાનું ભૂલી ગયો.
સ્રોત
- પુસ્તક : વાંચો રે વાર્તા (પૃષ્ઠ ક્રમાંક 15)
- સર્જક : ફિલિપ ક્લાર્ક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1996