 નગીનદાસ પારેખ
                                            Nagindas Parekh
                                            નગીનદાસ પારેખ
                                            Nagindas Parekh
                                        આપણને આંખ છે તે જોવા માટે છે. જુએ છે તો બધા જ માણસો. પણ જોવા જોવામાં ફેર હોય છે. કોઈ નજરે ચડે છે માટે જ જુએ છે, તો કોઈ જે જુએ છે તે ધ્યાનથી જુએ છે અને તેનો વિચાર પણ કરે છે. ઉપરટપકે જોનારના અને ધ્યાનથી જોઈને તેનો વિચાર કરનારના જોવામાં કેટલો ફેર હોય છે તે નીચેની વાર્તા ઉપરથી સમજાશે.
એક વાર એક ફકીર ચાલતો ચાલતો વગડામાં જતો હતો. રસ્તામાં તેને એક વાણિયો સામો મળ્યો. ફકીરે તેને પૂછ્યું, “શેઠ, તમારું એકાદ ઉંટ ખોવાય છે?”
વેપારીએ કહ્યું, “હા, હું તેને શોધવા જ નીકળ્યો છું.”
એટલે ફકીરે કહ્યું, “તેની જમણી આંખ ફૂટેલી છે, ને તે ડાબે પગે ખોડું છે. તેનો આગલો દાંત પડી ગયો છે. તમે તેની એક મેર મધ લાદ્યું છે અને બીજી મેર ઘઉં લાદ્યા છે, ખરું?”
વેપારીએ કહ્યું, “ખરી વાત, સાંઈબાવા, તમે એને આટલું ધારી ધારીને જોયું છે તો ચાલો, બતાવો તે કઈ તરફ ગયું છે અને ક્યાં છે?”
ફકીરે જવાબ દીધો, “શેઠ, મેં તમારું ઊંટ જોયું નથી. તેમ તમારા સિવાય બીજા કોઈને મોઢે એની વાત પણ સાંભળી નથી, પછી હું તમને તમારું ઊંટ બતાવું ક્યાંથી?”
વાણિયાએ કહ્યું, “સાંઈબાવા, એ બધી વાત રહેવા દો. અને કહો કે એના ઉપર ઝવેરાત હતું તે ક્યાં છે?”
ફકીરે કહ્યું, “શેઠજી, તમે મારું કહ્યું માનતા નથી. હું સાચું જ કહું છું કે મેં તમારું ઊંટ નજરે જોયું પણ નથી, તેમ તમારું ઝવેરાત પણ ભાળ્યું નથી. હું એમાંનું કશું જ જાણતો નથી.”
એ સાંભળી વેપારીએ ફકીરને પકડાવીને કચેરીમાં રજૂ કર્યો. ત્યાં તેની ઝડતી લેવામાં આવી, પણ તેની પાસેથી કશું નીકળ્યું નહીં. તેણે ચોરી કરી છે અથવા તે જૂઠું બોલ્યો છે. એના કોઈ સાક્ષી પણ મળ્યા નહીં. એટલે ન્યાયાધીશ પણ મૂંઝવણમાં પડી ગયો અને તેણે ફકીરને કહ્યું, “સાંઈબાવા, તમે ચોરી કરો કે જુઠું બોલો એવું મને લાગતું નથી. પણ તમે ઊંટની જે નિશાનીઓ આપી તે ઉપરથી તો એમ જ લાગે છે કે તમે એ ઊંટને નજરોનજર જોયું હોવું જોઈએ. એ તો વાતનો ખુલાસો કરશો?”
ત્યારે ફકીરે કહ્યું, “નામદાર, તમારી મૂંઝવણ હું સમજું છું. પણ તમે મારી વાત સાંભળશો એટલે એનો ખુલાસો મળી જશે. હું ઘણાં વરસો થયાં વગડામાં એકલો રહું છું. પણ એ વગડામાંય મને ઘણું જોવા-વિચારવાનું મળી રહે છે. આજે રસ્તે ચાલતાં ચાલતાં મેં ઊંટના પગલાં જોયાં. તેના માર્ગની એક જ બાજુનાં પાંદડાં કરડેલાં હતાં. એટલે મને થયું કે તે એક આંખે કાંણું હશે. વળી, જે પાંદડાં કરડેલાં હતાં તેમાં વચમાંનો થોડો ભાગ રહી ગયો હતો. તે ઉપરથી મેં અનુમાન કર્યું કે તેનો આગલો દાંત પડી ગયો હશે. તેનાં પગલાંમાંનું એક એક આછું પડેલું હતું. એટલે મને થયું કે તે એક પગે લંગડું હશે. તેના રસ્તાની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા. તે લઈ જવા કીડીઓ ચઢી હતી ને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. તે પરથી મેં જાણ્યું કે તે ઊંટને એક બાજુ ઘઉં અને બીજી બાજુએ મધ લાદેલાં હશે, અને કોઈ માણસ જોડે હશે નહીં, કેમ કે હોય તો ઘઉં વેરાય નહીં ને મધ ઢોળાય નહીં. આ બધા ઉપરથી મને થયું કે ઉંટ એના ધણી પાસેથી નાઠેલું હોવું જોઈએ.”
આ સાંભળીને ન્યાયાધીશ નવાઈ પામ્યો. આખી કચેરી પણ દંગ થઈ ગઈ. સૌ આ ફકીરની ઝીણી નજર તથા અનુમાન કરવાની શક્તિનાં વખાણ કરવા લાગ્યા.
 
                                         
                                         
                                    સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 144)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020
 
        