રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમારા પડોશી કવનને તો તમે ઓળખો છો ને? અમે બન્ને એક સાંજે મંદિરમાં ગયા હતા. ભગવાનને પ્રાર્થના કરીને પાછા આવતા હતા. ત્યાં રાડ પડી, “એઈ, રાજ જાડિયા!” સરલામાસી આવીને આદત મુજબ મારા ગાલ ખેંચી ખેંચીને વાત કરવા લાગ્યાં. દર વખતે એ ગાલ ખેંચે ત્યારે મારું મોઢું લાલ લાલ થઈ જાય છે. આ વખતે બહુ ગોટાળો થયો. માસી મારા ગાલ ખેંચતાં હતાં અને મને બિલકુલ દુખતું જ નહોતું. પણ કવન બૂમો મારવા લાગ્યો, “ઓ માડી રે...મરી ગયો બાપા!” એના ગાલ લાલ થઈ ગયા. આંખમાંથી પાણી પડવા લાગ્યું.
સરલામાસી અને કવન કંઈ સમજ્યાં નહીં. પણ હું સમજી ગયો. કોઈ વાર આપણા ટેલિફોનમાં બીજા ટેલિફોનની લાઇન જોડાઈ જાય છે. પછી આપણે ગમે તેટલા ટેલિફોન કરીએ. ટ્રંકકૉલ કરીએ, પણ એના પૈસા પેલા બિચારા બીજા ટેલિફોન પર ચડે છે.
એવી રીતે કવનની ને મારી લાઇન અદલાબદલી થઈ ગઈ હતી. મંદિરમાં અમે બે જણા ભગવાન સાથે ખાનગી વાતચીત કરતા હતા, પછી ભગવાને ભૂલથી મારી લાઇન કવનમાં મૂકી દીધી અને કવનની લાઇન મારામાં. એટલે મારા ગાલ ખેંચો, તો દુખે કવનને.
મેં વિચાર્યું, મજા આવી ગઈ! આનો ફાયદો નહીં ઉઠાવું તો મારું નામ રાજ ખાંડવાળો નહીં. મને જરા જરામાં શરદી થઈ જાય છે. એટલે આઇસક્રીમ ખાઈ શકતો નથી; પણ હવે તો મેં બિનધાસ્ત ભેળ-રગડો ખાધો. ઠંડુગાર કાલાખટ્ટા પીધું. કવન ઘરે પહોંચ્યો ત્યારે એને ચિક્કાર શરદી હતી. બિચારાને મમ્મીએ વઢી નાખ્યો.
રાત્રે મેં મારી જાતને ખૂજલીની ભુક્કી લગાવી દીધી – પગ પર, છાતી પર, પીઠ પર. બાજુના ફ્લૅટમાંથી કવનની રાડારાડ સંભળાના લાગી. એને જ્યાં ને ત્યાં ખંજવાળ-ખંજવાળ થવા લાગી. બિચારાને રાત્રે દસ વાગ્યે ઠંડા પાણીથી નહાવું પડ્યું. હું બહુ હસ્યો.
સ્કૂલમાં કવનનો વટ પડે છે. કારણ કે એ કડકડાટ કવિતા ને ભાષણો બોલી જાય છે. સવારના એણે આખી સ્કૂલ સામે નેહરુચાચા ઉપર ભાષણ આપવાનું હતું. એ જેવો ભાષણ આપવા ઊભો થયો, કે હું તૈયાર જ હતો. મેં બેઠાં બેઠાં છીંકણી સૂંઘવા માંડી.
કવન બોલ્યો, “નેહરુચાચા હિંદુસ્તાનના હાક...છીં હતા. એમણે આઝાદીની લડાઈ વખતે નારો લગાવ્યો હતો – હા...ક છીં હાક...ક છીં કરેંગે, યા મરેંગે! એમણે પંદરમી ઑગસ્ટે લાલ કિલ્લા પરથી જાહેર કર્યું – હાક છીં, હા...ક, હા...ક...છીં!!” પછી તો છીંકાછીંક અટકે જ નહિ! છોકરાઓમાં હસાહસ થઈ ગઈ ને કવનને બેસી જવું પડ્યું.
મારી હિંમત ઔર વધી ગઈ. મને ચીમનલાલ માસ્તર ગમતા નથી. એટલે હું કવનને લઈને એમની પાસે ગયો. એમની મસ્તી હું કરીશ, ને વઢ કવનને પડશે. મેં એમના પેટ પર ધીમેથી ધબ્બો માર્યો. “કેમ સર, શું ખબર!” પછી હું કવન સામે જોઈને મનમાં ખુશ થતો હતો. ત્યાં તો ચીમનલાલ માસ્તર તાડૂક્યા, “ખાંડવાળા! કેમ બહુ આડો ફાટ્યો છે? આજે સ્કૂલ પછી બે કલાક બેસીને દાખલાઓ ગણજે. ને મને બતાવ્યા વગર ઘરે જવાનું નથી. શું સમજ્યો?”
ખાંડ સમજીને ફાકો ભર્યો હોય, પણ નીકળે મીઠું, તેમ મારું મોઢું ખારું ખારું થઈ ગયું.
અરેરે, બધું પાછું પહેલાં જેવું થઈ ગયું હતું. મારી ઉપર (રોજની માફક) વઢનો ગઢ તૂટી પડ્યો હતો. અદલાબદલીનો જાદુ ઓસરી ગયો હતો.
સ્રોત
- પુસ્તક : ઉદયન ઠક્કરની મનપસંદ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 49)
- સંપાદક : સાંકળચંદ પટેલ
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2012