રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆભમાં મોટાં મોટાં વાદળો અને નાની નાની વાદળીઓ દોડાદોડ કરે અને પકડદાવ રમે. એ જોઈને તારલાઓ ખૂબ હરખાય. તો વળી પેલા ચાંદામામા હસે ગાલમાં. વ્હાલ વરસાવતાં એ બોલી ઊઠે, ‘વાદળીઓ... તમને ખબર છે આભલામાં મોંઘા મોતી છે તે. તમે એ જોયાં છે?’
‘ના રે ના... આભલામાં વળી મોંઘા મોતી! ચાંદામામા, એ મોંઘા મોતી અમને દયોને ગોતી ગોતી.’
ચાંદામામા આવું સાંભળીને હસી પડે ખડખડાટ. વ્હાલ વરસાવતા એ બોલી ઊઠે, ‘બેટડીઓ... તમારે વળી મોંઘા મોતીનું શું પડ્યું છે કામ? ફરવાનું હોય છે તમારે તો ગામેગામ. તમારે તો કરવાનું છે સૂરજદાદાએ સોંપેલું કામ. દોડો...દોડો, જળ ભરવાને દોડો તમામ.’
આ સાંભળીને વાદળીઓ દોડાદોડી કરીને ભરી લાવવા માંડી જળ. જોતજોતામાં તો આખુંય આભલું કાળુંધબ્બ! ન જોવા મળ્યા ચાંદામામા કે ન દેખાયા તારલાઓ. થોડી વારમાં તો આખું આભ થઈ ગયું કાળુંડિબાંગ! ત્યાં એક વાદળી હળવેથી ચાલી. એ બીજી વાદળી પાસે જઈને પૂછવા લાગી, ‘અલી... આભલામાં મોંઘા મોતી છે એ તેં જોયા છે?’
‘ના રે ના...’ કહેતી એ તો ચાલી નીકળી આગળ.
કાળાંભમ્મર વાદળાંઓ અને વાદળીઓ પછી વરસી પડી. ઝરમર... ઝરમર ચારે કોર. ધરતીમાના પાલવડેથી મોરલા મસ્તીથી ટહુકી ઊઠ્યા, ‘મે... આવ, મે...આવ.’
વાદળીઓએ ડોકું કાઢીને જોયું નીચે ધરતી પર. બધાય મોરલા ગળાના ત્રણ ત્રણ ટુકડા કરતા જાણે ટહુક્યા કરે, ‘મે...આવ, મે...આવ.’ ત્યાં તો વીજળીરાણી ચમકી ઊઠ્યાં. તેના અજવાળામાં ડોકું કાઢીને નીચે જોતી વાદળીઓની નજર પડી મોરના પીછાં ઉપર. બસ, પછી તો એક વાદળીએ બીજી વાદળીને કાનમાં કહ્યું. બીજી વાદળીએ કહ્યું ત્રીજા વાદળને. જોતજોતામાં તો વાત આખા આભના વાદળો ને વાદળીઓને કાને પહોંચી ગઈ.
નાની-નાની વાદળીઓ જોતજોતામાં એકઠી થઈ ગઈ. એક મોટા વાદળ પાસે જઈને બધીય વાત સાંભળવા લાગી.
મોટું વાદળ બોલી રહ્યું હતું, ‘આભલામાંનાં મોંઘા મોતી ચોરાયાં છે. એ મોતી તો કોણે ચોર્યાં છે એ હું જાણું છું’.
‘ના હોય? સાચ્ચેજ તને ખબર છે?’ સાથી વાદળે પૂછ્યું. બધાં વાદળો એકઠાં થઈને પૂછવા લાગ્યાં,
‘અમને એ ચોરનું નામ બતાવોને.
‘જુઓ પેલા આંબાના ઝાડ ઉપર. લાંબા-લાંબા પીંછાવાળો જે દેખાય છે ને તે મોરે.’
‘ના હોય! એ ચોર છે?’ એકઠાં થયેલાં વાદળો અચરજ સાથે એકબીજા સામે જોઈ રહ્યાં.
‘કાલે દિવસ ઊગવાનો છે. આવતીકાલે સૂરજદાદાના અજવાળામાં તપાસ આદરવી પડશે. આમ આભના મોતી ચોરાઈ જાય એ પાલવે કેમ? વળી ચોરી થાય ત્યારે આપણાથી કંઈ ચૂપ બેસી રહેવાય નહીં.’ મોટા વાદળે આગળ કહ્યું.
‘હા... હા... ચૂપ બેસાય જ નહીં. આપણે રક્ષણ ન કરી શક્યા ત્યારે ચોરાયાને મોંઘા મોંતી.’ બીજું વાદળ ફટાક કરતું બોલ્યું.
‘એ મોતીચોરને તો પકડી લઈએ. એક તો એ ચોર છે ને પાછું એનું નામ મોર છે. પાછો મોટે મોટેથી શોર કરે છે તોય એના દીવાના ચારે કોર છે. એટલું જ નહીં, એ ચોરટો પાછો, ‘મે આવ, મે આવ... કહી ઝાઝું જોર બતાવે છે.’ ત્રીજું વાદળ પણ ચૂપ ન રહ્યું.
ચોથું વાદળ બોલ્યું, ‘પાડવા દયો બૂમો જેટલી પાડવી હોય તેટલી. કાલે સવારે એની વાત છે. કાલે તો એનું બધું જોર કાઢી નાખીએ. ચોરટા... પાછો રાડો પાડે છે?’
આમ વાદળો અને વાદળિયો વાતો કરતાં રહ્યાં, ચાંદામામાએ શાંતિથી સમજાવી જોયું કે, ‘એ મોર ચોર નથી.’ પણ વાદળાં અને વાદળીઓ સમજે તો ને!
સવાર પડી, સૂરજદાએ પંખીઓને અડપલાં કર્યાં. પંખીડાં તો ચકોર. જેવાં જાગ્યાં એવાં ભાગ્યાં... ને કરવા માંડ્યાં કલશોર! એ બધાંમાં મોરલા વળી ચૂપ રહે ખરા? ‘મે આવ... મે આવ...’ તો વળી પીછાં ફેલાવીને ટહૂકા કરતાં નાચે ને વળી તાનમાં આવીને ગાય, ‘ટેહું... ટેહું...’
વાદળાં અને વાદળીઓએ આભેથી ધારી ધારીને જોયું, ‘ઓ હો...હો...હો... આ ચોરે તો પીછાંના ભારામાં મોંઘા મોતી સંતાડ્યાં છે ને કંઈ. પકડી લાવો... પકડી લાવો. એ ચોરટાને પકડી લાવો.’
વાત સાંભળી આભે ઊડતાં અનેક પંખીઓએ. એ વિચારી રહ્યાં, ના...ના... અમારો રાજા કંઈ ચોર નથી. ને બધાં ઊડતાં પંખીઓએ વાત કરી સૂરજદાદાને. એમણે પ્રકાશ ફેલાવતા કિરણોને કહ્યું, ‘અબઘડી વાત કરો ધરતીને ખોળે ખેલતા પેલા મોરને... કે તું તારી કોઈ વાત હમણાં કાને ધરીશ નહીં.’ ને આમ જોત-જોતામાં વાત પહોંચી ગઈ મોરલાને કાને.
સૂરજદાદાએ આભલામાં દોડાદોડી કરતાં વાદળો અને વાદળીઓને સમજાવતાં કહ્યું, ‘તમને મારી વાતમાં વિશ્વાસ છે કે નહીં એ કહો.’
‘દાદા, દાદા... તમારા ઊપર તો પાક્કો ભરોસો છે’.
‘તો સાંભળો મારી વાત, એ પંખી તો ભારે વજનના કારણે ઊંચે ઊડી શકતું જ નથી. તો ભલા એ આભલે ચોરી કરવા આવે જ કઈ રીતે? વળી... એ મોર તો છે પંખીઓનો રાજા. કદી રાજા ચોરી કરે?’ સૂરજદાદાની વાત સાંભળી વાદળાં અને વાદળીઓ શરમાયાં. સહુ સૉરી... સૉરી... કરતાં નાસ-ભાગ કરવા લાગ્યાં. એ વાતને લઈને તે આજ દિન સુધી દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે.
મિત્રો, મોરલાને કાને તો પહોંચી ગઈ હતી વાત. કોઈ આળ લગાવે એના કરતાં સહુથી દૂર જ સારા... કહેતાં એ બધાંય મોર નીકળી ગયા ડુંગર ઉપર ને દૂર-દૂર વગડામાં. મોરલાની રીસ ઉતારવા ખુદ સૂરજ-ચંદ્ર ને નવલખ તારલાઓ આવીને પીછામાં ભરાયા છે... સહુથી મોંઘા મોંઘા મોતી થઈને!
સ્રોત
- પુસ્તક : ઢોલકીવાળા અનબનજી (પૃષ્ઠ ક્રમાંક 39)
- સર્જક : ગિરા પિનાકીન ભટ્ટ
- પ્રકાશક : દર્શિતા પ્રકાશન
- વર્ષ : 2024
- આવૃત્તિ : 1