Famous Gujarati Katha-kavya on Pranay | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રણય પર કથા-કાવ્ય

પ્રેમ. સંસાર અને સાહિત્યનો

ગમતો વિષય. સૃષ્ટિનું ચક્ર સજીવન પ્રાણીઓ, જેમાં માણસનો પણ સમાવેશ થઈ જાય છે – તે સહુના બહોળા પ્રમાણને કારણે ગતિમાન રહે છે. સજીવોની સંખ્યા પાછળ વૈજ્ઞાનિક કારણ મૈથુન છે અને મૈથુન માટે નર–નારીનો સમાગમ આવશ્યક છે. આથી સૃષ્ટિના દરેક સજીવોમાં નર અને માદા દરમિયાન એકબીજાને આકર્ષવાના કુદરતી સંવેગ ઉપસ્થિત છે. આ સંવેગોમાં માણસજાતિ સહેજ જુદી પડે છે. માણસ જાતિમાં નર–માદા એકબીજા તરફ આકર્ષિત થાય એ માટેના પ્રાકૃતિક સંવેગમાં એક ઉમેરો પ્રણયનો પણ છે, જે અન્ય પ્રાણીઓમાં બહુ ઓછા અંશે છે. અન્ય પ્રાણીઓ પ્રાકૃતિક રીતે મૈથુન પ્રક્રિયામાં રત થાય છે અને માનવજાતિમાં નર અને નારીમાં એકબીજા માટે સંવેદન જાગે છે, પ્રણય અનુભવે છે અને પ્રણયના એક ભાગરૂપે મૈથુન આવે છે. પ્રણય એક એવી ભાવુકતા છે જેમાં વ્યક્તિ તર્ક અને વિવેક બાજુમાં મૂકી દે છે. મરીઝ આ ‘અવિચારી’ વ્યવહારનો પુરસ્કાર કરતાં લખે છે : માનજો પ્રેમની એ વાત નથી, એ જો થોડીક વાહિયાત નથી. (મરીઝ) પ્રણયમાં લિપ્ત પ્રેમીઓ એકબીજા તરફ સતત અને સખત ખેંચાણ અનુભવે છે, એકબીજાને મળવા અકલ્પનીય સાહસો કરી નાખે છે. કવિ કાલિદાસ માટે કહેવાય છે કે તેઓ અજ્ઞાની અને બહુ વિચારવંત વ્યક્તિ નહોતા, પરંતુ પોતાની પત્નીને બહુ ચાહતા. ઘેલછાભર્યો પ્રેમ કરતાં. એકવાર પત્નીને મળવા મોડી રાતે એ પત્નીના ઘરે પહોંચ્યા. અડધી રાત વીતી ગઈ હતી અને ઘરમાં દાખલ થવા બારીએ દોરડું બાંધવું પડે એમ હતું. એમણે અંધારામાં ખાંખાંખોળ કરી એક દોરડી શોધી અને એને બાંધી ઘરમાં દાખલ થયા ત્યારે તેમની પત્નીએ જોયું કે અંધારામાં કાલિદાસ એક સાપને દોરડી સમજી બાંધી નાખ્યો હતો. પત્નીએ કાલિદાસને મહેણું મારતાં કહ્યું કે, ‘સાપ અને દોરડીમાં ફરક સમજાય નહીં એવી લગની મારા બદલે તમે અભ્યાસમાં રાખી હોત તો આજે સન્માનીય વિદ્વાન હોત...’ લોકવાયકા અનુસાર આ પ્રસંગ કાલિદાસ માટે જીવન બદલનારો હતો. પત્નીના મહેણાંને ભાંગવાં એમણે સંસ્કૃત ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો અને મહાન કવિ બન્યા. ખેર, અહીં મુદ્દો દોરડાંને સાપ સમજનારો પ્રણયભાવ છે. પ્રેમીઓ એક બીજા તરફ ઉત્કટ આકર્ષણ અનુભવે છે અને પ્રેમને પામવા પોતાની સંપત્તિ, આત્મસન્માન, સામાજિક દરજ્જો અને પ્રાણ સુદ્ધાં સમર્પિત કરી દે છે. પ્રણય હંમેશાં કાયમી રહે એ જરૂરી નથી અને પ્રણય અને વિવાહને પણ કાર્યકારણનો સંબંધ નથી. પ્રણય જીવનભરનો પણ હોઈ શકે અને મર્યાદિત સમયગાળાનો પણ હોઈ શકે. પોતાના જીવનસાથી સાથે પણ હોઈ શકે અને સામાજિક દૃષ્ટિએ અનૈતિક કહેવાય એવા સંબંધોના સમીકરણોમાં પણ હોઈ શકે. જે પણ સંબંધોની વ્યાખ્યા સુનિશ્ચિત છે એ સમાજ કે માણસે સર્જેલા સંબંધો છે અને પ્રણય એ કુદરત પ્રેરક સંબંધ છે. પ્રણયમાં માણસ અસહાય થઈ આકર્ષણ અનુભવે છે. પ્રણય બાબત માણસના પોતાના વશમાં ખાસ કશું હોતું નથી. આથી, માણસ આર્થિક, સામાજિક કે રાજકીય દર્જામાં વિરોધાભાસ હોય તો પણ પ્રણય સામે લાચાર થઈ જાય છે. મનુષ્યેતર પ્રાણીઓમાં પ્રણયભાવ અમુક અપવાદરૂપ પ્રજાતિઓ બાદ કરતાં એટલી ઉત્કટતા સાથે નથી હોતો, એનું કારણ મનુષ્યનું વિકસિત મગજ છે. પ્રણય ભાવુકતા છે અને આ ભાવુકતાને સિંચન ચોક્કસ દિશાના વિચારોને કારણે મળે છે. મનુષ્ય સિવાયના સજીવો બહુ વિચારી શકતા નથી. આથી માત્ર પ્રણય જ નહીં પણ માણસ માટે સહજ એવા બીજા પણ અનેક ભાવ છે જે અન્ય પ્રાણીઓ માટે બહુ અસરકારક નથી. કુદરતનો પાયાનો સિદ્ધાંત યેનકેન પ્રકારેણ ટકી રહેવું એ છે અને એના માટે આવશ્યક ભય અને આત્મસુરક્ષા સિવાય સરેરાશ પ્રાણીઓ અન્ય ભાવથી હજી અપરિચિત છે એમ કહી શકાય. અન્ય પ્રાણીઓ માટે સમાગમ એ પ્રજનન ક્રિયા પૂરતું જ મહત્ત્વ ધરાવે છે, એમાં પ્રણયની જરૂરિયાત તેઓ અનુભવતા નથી જ્યારે મનુષ્ય માટે પ્રણય એ પ્રજનન વૃતિની સમાંતરે સ્વતંત્ર વિકસેલો ભાવ છે. પ્રણયની પરિણીતી સમાગમમાં નથી. પ્રણયની પરિણીતી સહજીવનમાં છે. આમ, અનેક પ્રકારના વિરોધાભાસ અને નાટ્ય ધરાવતો પ્રણયનો ભાવ મનુષ્ય માટે વ્યવહારમાં અને સાહિત્યકારો માટે કૃતિઓમાં ખૂબ ઉદ્દીપક ઠરે છે. મહદંશે સાહિત્યકૃતિઓનો વિષય પ્રણય હોય છે.

.....વધુ વાંચો