રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોયજ્ઞેશ દવે
અનુઆધુનિકયુગના કવિ, નિબંધકાર અને અનુવાદક, સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત સર્જક
- 1954
- રાજકોટ
યજ્ઞેશ દવેનો પરિચય
જન્મ 24મી માર્ચ, 1954ના રોજ રાજકોટમાં થયો હતો. પ્રારંભિક અભ્યાસ પોરબંદરની નવયુગ હાઈસ્કૂલ ખાતે; ત્યાર બાદ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલ, ચૌધરી તેમ જ કોટક સાયન્સ કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ નડિયાદ ખાતે જે ઍન્ડ જે સાયન્સ કૉલેજમાં 1974માં માઈક્રોબાયોલૉજી સાથે બી.એસસી. અને 1976માં એક્સપરિમેન્ટલ બાયોલૉજી એમ.એસસી.નો અભ્યાસ પૂર્ણ કર્યો. 1983માં ઇકોલૉજીમાં પીએચ.ડી. થયા છે. તેમના ઘડતરમાં સહાયક પારિવારિક પરિસરનો બહોળો ફાળો રહ્યો છે. 1984માં આકાશવાણી અમદાવાદમાં જોડાયા અને 30 વર્ષ આકાશવાણીમાં વિવિધ હોદ્દા પર સેવા આપી અને 2014માં સ્ટેશન ડાયરેક્ટરના પદ પરથી નિવૃત્ત થયા.
1976માં એમ.એસસી., પીએચ.ડી. દરમિયાન થોડી લખવાની શરૂઆતરૂપ ડાયરીઓ અનેક નાની-નાની કવિતાઓથી ભરેલી રહેતી. સમકાલીન પ્રચલિત માન્યતા મુજબ સુરેશ દલાલના ‘કવિતા’ માસિકમાં કાવ્ય છપાયાથી કવિઓળખ મળે એમ માની તેમણે છ-સાત કવિતાઓ મોકલી પણ પાછી આવી. એક વખત રાજકોટ આવેલા ભોળાભાઈ યજ્ઞેશભાઈની કવિતાઓથી બહુ ખુશ થયા અને એમણે એ ભગતસાહેબને ‘સાહિત્ય’ ત્રિમાસિક માટે મોકલી. એમાંથી બે લાંબી કવિતા 1979માં ભગત સાહેબે છાપી. પછી ‘કવિલોક’માં અને ‘પરબ’માં ઘણી કવિતાઓ પ્રગટ થઈ. ત્યાર બાદ કવિલોક ટ્રસ્ટે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘જળની આંખે’ પ્રગટ કર્યો, જેમાં સાત બિનઅંગત સુદીર્ઘ કવિતાઓ છે. આ કવિતાઓમાં આસપાસનો પરિવેશ, સંસ્કૃતિ, પ્રકૃતિ એ બધું વિગલિત થયું છે.
નિબંધસર્જનક્ષેત્રે આ સર્જકનું ખૂબ જ મહત્ત્વનું પ્રદાન છે. લલિતનિબંધ સાહિત્યજગતનું પ્રથમ સ્થિત્યંતર જેમના થકી રચાયું એવા કાકાસાહેબના નિબંધો, દ્વિતીય સ્થિત્યંતર રચનાર સુરેશ જોષીનો ‘જનાન્તિકે’ નિબંધસંગ્રહ, તૃતીય સ્થિત્યંતર રચનાર દિગીશ મહેતાનો ‘દૂરના એ સૂર’ નિબંધસંગ્રહ, ભોળાભાઈ પટેલના ‘તેષાં દીક્ષુ’ અને ‘વિદિશા’ વગેરેનો અભ્યાસ તેમ જ જાણીતા કવયિત્રી ઉષા ઉપાધ્યાય દ્વારા અપાયેલું પ્રોત્સાહન નવી દિશા આપનાર નીવડ્યાં. વર્ષો સુધી લખેલી ડાયરીના ગદ્યખંડ, ચિલિકા કાવ્યયાત્રા પરના પત્ર નિબંધો, ઉમાશંકર જોશી પરનો લેખ સામયિકમાં સ્થાન પામવા લાગ્યાં. 1977 પછી રાજકોટના સાહિત્યજગતમાં આધુનિક સાહિત્યના શિલ્પી એવા સુરેશ જોષીના નેતૃત્વ હેઠળ યોજાયેલા કાર્યક્રમોમાં રાજેન્દ્ર શાહ, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, મનોજ ખંડેરિયા, સુનિલ કોઠારી, જ્યોતિ ભટ્ટ જેવા કલા અને સાહિત્યના તજ્જ્ઞોની ઉપસ્થિતિ, જયંત પાઠક અને ઉશનસ્ જેવા પ્રમુખ સાહિત્યકારોની મુલાકાતે આવ્યા. 1993માં બકુલ ટેલરે નવગુજરાત ટાઇમ્સ વર્તમાનપત્ર માટે કૉલમ લખવાનું ઇજન આપ્યું. સાહિત્યની સાથે સાથે રોજિંદા જીવનના અનેક પ્રસંગો–અનુભવો સાથે કળાના ક્ષેત્રમાં તેમના અનુભવજન્ય લેખન એ પછી 2009માં ‘ગુજરાતમિત્ર’ માટે ફરીથી કૉલમ લખવાનું બન્યું.
કવિતા, નિબંધ, અનુવાદ એમ એકાધિક ક્ષેત્રમાં તેમણે પોતાની કલમ ચલાવી છે. કાવ્યસર્જનની યાત્રા દીર્ઘકાવ્યથી લઈને લઘુકાવ્ય સુધીની રહી છે. હાઈકુ પર પણ હાથ અજમાવ્યો છે. ‘જળની આંખે’ (1985), ‘જાતિસ્મર’ (1992), ‘અંદર ખૂલતા દરવાજા’ (2006), ‘ગંધમંજૂષા’ (2014), ‘ચેત મછંદર ગોરખ આયા’ (2022) આદિ કાવ્યસંગ્રહ આપ્યા.
અમદાવાદ આકાશવાણીમાં રાજેન્દ્ર શુક્લ આવેલા અને એમણે એક ટકોર કરેલી કે ‘તારે કલમને બે-ચાર સાહિત્યપ્રકારોમાં છુટ્ટી મૂકવી, બધા પ્રકારોમાંથી એક-બે પ્રકારમાં કલમ ઠરે તો એ ઘણું, નહીં તો મારા જેવું થશે. હું કવિતા જ લખી શકું છું.’ યજ્ઞેશભાઈ પોતે જણાવે છે, “હું માનું છું કે નિબંધ એક બહુ વિચિત્ર પ્રકાર છે, આમ જુઓ તો એ તોફાની બાળક જેવો પ્રકાર છે. એટલે તમે જે ઢાંકવા પ્રયત્ન કરતા હો તેને એ ઉઘાડું પાડી શકે છે. એનું કારણ એ છે કે એ તમારી જાત સાથે જોડાયેલો છે.” ‘અરૂપસાગરે રૂપરતન’ (1998) નિબંધસંગ્રહ સર્જકના અંતરંગમાં પ્રવેશવા અવકાશ આપે છે. આ 30-40 ટૂંકા ગદ્ય-આલેખોમાં મોટી સમૃદ્ધિ ભરેલી છે. અહીં પ્રકૃતિનો ઊંડો આહ્લાદ, પંખીઓ અંગેનું કુતૂહલ અને જાણકારી, સંબંધોની ઉષ્મા અને ધન્યતાના અનુભવો છે. ‘આસોમાં ઊઘડતો અષાઢ’ (2000), ‘ચિલિકા’ (પ્રવાસનિબંધ, 2002), ‘પવનવિદેહી’ (2015) આદિ નિબંધસંગ્રહો.
યજ્ઞેશ દવે જણાવે છે, “પ્રૌઢ વયે બાળસાહિત્ય લખવું એટલે સર્જકચેતનાનું બાળવય સાથે અનુસંધાન સાધીને લખવું”. પ્રસંગોપાત્ત બાળસાહિત્ય વિશે લખવાનું ઇજન મળતાં તેમણે ‘ઘરઆંગણનાં પક્ષીઓ’ (1989), ‘વડદાદાની વાતો’ (1992) બે બાળસાહિત્યનાં પુસ્તક આપ્યાં. નૅશનલ બુક ટ્રસ્ટે અવકાશ વિજ્ઞાન અને ઉપગ્રહો વિશેના પુસ્તક ‘સ્પેસ ટુડે’ અનુવાદનું પહેલું કામ સોંપ્યું જેના પરિણામે ‘અંતરીક્ષ આજે’ નામે અનુવાદ, પછી ભારતીય ભાષામાં લખાયેલી વિજ્ઞાનકથાઓનો સંગ્રહ ‘આઈ હેપ્પન્ડ ટુમોરો’નો અનુવાદ, ‘વીતી ગયેલું ભાવિ’ (2002), ભારતીય વિજ્ઞાન કથા’ (નૅશનલ બુક ટ્રસ્ટ દ્વારા), અઢીસોથી વધુ હાઈકુઓના મુક્ત અનુવાદ અને રસદર્શનનું પુસ્તક ‘જાપાનીઝ હાઈકુ’ (2002) વગેરે પુસ્તક.
એમનાં કાવ્યોના અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, બંગાળી જેવી ભાષાઓમાં અનુવાદો થયા છે. આ ઉપરાંત તેઓ અખબારોમાં નિયમિત કટાર લખે છે. ચાયકોવ્સ્કીના પત્રોના અનુવાદનું કામ હાથ ધર્યું છે.
તેમણે પદ્મભૂષણ પ્રાચ્ય વિદ્યાવિદ શ્રી મધુસૂદન ઢાંકી, પદ્મશ્રી ભોળાભાઈ પટેલ, પદ્મશ્રી કાર્યશીલ ભાષાવિદ ગણેશદેવી, પદ્મભૂષણ કવિ–ચિત્રકાર ગુલામ મોહમ્મદ શેખ, કવિ અને ચિત્રકાર પ્રદ્યુમ્ન તન્ના, વિખ્યાત ફિલ્મોસોફર શ્રી અમૃત ગંગર, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, પુરુષોત્તમ માવળંકર, સુનીલ કોઠારી, મહાશ્વેતાદેવી, પ્રા. જયંત નાર્લિકર, સનત મહેતા, હરિવલ્લભ ભાયાણી, ગુલામ કાદિર ખાન, રાજમોહન ગાંધી, નરોત્તમ પલાણ, પ્રો. ભીખુ પારેખ, મહેન્દ્ર મેઘાણી, તખ્તસિંહ પરમાર તેમ જ નગીનદાસ પારેખ, રાજેન્દ્રભાઈ, ઢાંકીસાહેબ, ફાધર વાલેસ, આર્કિટેક્ટ બી.વી. દોશી, કુમુદિની લાખિયા, ઉર્દૂ ભાષાના બહુ મોટા વિદ્વાન વારિસ અલ્વી, મહંમદ અલ્વી જેવાં અનેક મહાનુભાવોની દીર્ઘ મુલાકાતો લીધી છે.
દેખીતા ઝાકઝમાળથી અલિપ્ત બહુઆયામી આ સર્જકને જયંત પાઠક એવૉર્ડ (1985), બ.ક. ઠાકોર એવૉર્ડ (1985), ઉશનસ્ એવૉર્ડ (ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા 1988-89), ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી બાળસાહિત્યનું દ્વિતીય પારિતોષિક (1989), ગુજરાત સાહિત્ય અકાદમીનું કવિતા માટે પ્રથમ પારિતોષિક (1992), ઘનશ્યામદાસ સરાફ સન્માન (લલિતનિબંધ માટે, 1999), ઉપેન્દ્ર પંડ્યા એવૉર્ડ (ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા), કાલેલકર એવૉર્ડ (ગુજરાતી સાહિત્ય પરિષદ, 1999), ગુજરાત સાહિત્ય અકાદમી પ્રથમ પારિતોષિક (લલિતનિબંધ, 2018), ગુજરાત સાહિત્ય અકાદમીનાં બે પ્રથમ પારિતોષિક લલિતનિબંધ માટે (2000-2002) તો અમદાવાદ સ્થિત ‘કાવ્ય મુદ્રા’ સંસ્થા દ્વારા મોરારિબાપુના વરદ હસ્તે શ્રીચિત્રકૂટધામ તલગાજરડા ખાતે 10 ફેબ્રુઆરી 2021ના રોજ એનાયત કરાયેલો વર્ષ 2019નો વિનોદ નેઓટિઆ એવૉર્ડ. છેલ્લે 1994માં મોટા ગજાના કવિ રમેશ પારેખ મળેલા સન્માનના 27 વર્ષ બાદ ‘ગંધમંજૂષા’ કાવ્યસંગ્રહને વર્ષ 2022માં સાહિત્ય અકાદમી નવી દિલ્હીનું અતિપ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પારિતોષિક પ્રાપ્ત થયું છે. આકાશવાણી તરફથી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભારતીય ભાષામાં વર્ષ દરમિયાન ઉત્તમ રેડિયો પ્રોડક્શન માટેના વ્યક્તિગત તેમ જ રેડિયો સ્ટેશનને 13 એવૉર્ડ્સ પ્રાપ્ત કરવામાં યજ્ઞેશ દવેનો બહોળો સર્જનાત્મક ફાળો રહ્યો છે. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને હાથે 2001માં તેમ જ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને હસ્તે 2002માં તેમને પારિતોષિકો અપાયાં છે. મોરારિબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી ભાષાના કવિને એમના સાહિત્યને લક્ષમાં લઈ અપાતો વર્ષ 2022નો નરસિંહ મહેતા એવૉર્ડ એમને એનાયત થયો છે. ‘જળની આંખે’ અને ‘જાતિસ્મર’ બંને કાવ્યસંગ્રહો સૌરાષ્ટ્ર, ભાવનગર, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તેમ જ અન્ય યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે અનુસ્નાતક કક્ષાએ વર્ષોથી ભણાવવામાં આવ્યા છે. ‘જાતિસ્મર’ કાવ્યસંગ્રહમાં સંગૃહીત ‘પૃથ્વી’ દીર્ઘ કાવ્ય અનુસ્નાતક કક્ષાએ પર્યાવરણ કેન્દ્રીય વિવેચન વિચારણા પેપર અંતર્ગત અભ્યાસમાં સ્થાન પામેલ છે. એસ.એન.ડી.ટી. મુંબઈ તેમ જ મ.સ. યુનિવર્સિટીમાં પણ પાઠ્યપુસ્તકરૂપે રહ્યાં છે.