Swapnasth Profile & Biography | RekhtaGujarati

સ્વપ્નસ્થ

ગાંધીયુગીન કવિ અને લેખક

  • favroite
  • share

સ્વપ્નસ્થનો પરિચય

  • મૂળ નામ - ભનુભાઈ રણછોડલાલ વ્યાસ
  • ઉપનામ - સ્વપ્નસ્થ
  • જન્મ -
    13 નવેમ્બર 1913
  • અવસાન -
    23 ઑક્ટોબર 1970

ગુજરાતી કવિ, વાર્તાકાર અને અનુવાદક લક્ષ્મીનારાયણ વ્યાસ જામનગરના જાણીતા સંગીતજ્ઞ આદિત્યરામજીના પૌત્ર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. અભ્યાસ માત્ર મૅટ્રિક્યુલેશન સુધી પણ પરિવારમાંથી સાહિત્યના સંસ્કાર મળ્યા. સાહિત્યની સાથે સાથે ભૂગોળ, વિજ્ઞાન આદિ વિષયોનો પણ સારો અભ્યાસ કર્યો. કવિ કાન્તનાં દીકરી ડોલર સાથે 1936માં એમનું લગ્ન થયું. 1936થી 1944 દરમિયાન મુંબઈમાં ‘ઝંડુ ફાર્મસ્યુટિકલ્સ વર્કસ’માં નોકરી કરી તેના થોડા સમય બાદ ‘વંદે માતરમ્’ અને ‘સંસ્કાર’ સામયિકોમાં કામ કર્યું. ક્ષયની બીમારી લાગુ પડતાં વતન જામનગર પરત ફર્યા. તબિયત સુધરતાં 1948થી 1950માં મુંબઈ પરત ફરીને ‘આસોપાલવ’, ‘નૂતન ગુજરાત’ અને ‘હિન્દુસ્તાન’ પત્રોમાં કામગીરી શરૂ કરી. આ પછી તેઓએ જીવનના અંત સુધી રશિયા(યુ.એસ.એસ.આર.)ના પ્રકાશન વિભાગમાં અનુવાદક તરીકે નોકરી કરી.

‘અચલા’ (1937) એમનું શિખરિણી છંદમાં લખાયેલું ભગ્નપ્રેમનું દીર્ઘકાવ્ય છે. ‘વિનાશના અંશો, માયા’(1938) કથાકાવ્યો જેવી બે રચનાઓ છે. ‘અજંપાની માધુરી’(1941)માં સૉનેટ, ગીત અને અન્ય છંદોબદ્ધ 106 જેટલી રચનાઓ છે. ‘રાવણહથ્થો’ (1942) સંગ્રહમાં સમાજમાં વ્યાપેલાં શોષણ, ગરીબી, ગુલામી, યાતના-પીડા આદિથી ત્રસ્ત લોકસૃષ્ટિ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. ‘ધરતી’ (1946) કાવ્ય એક હજાર જેટલી પંક્તિનું ચિંતનાત્મક કાવ્ય છે. પ્રવાહી પૃથ્વી છંદમાં લખાયેલી સુદીર્ઘ પ્રકારની આ પહેલી કૃતિ હોવાનું કહેવાય છે. ‘લાલ સૂર્ય’(1968)ના નામના કાવ્યસંગ્રહમાં કવિએ સામ્યવાદી વિચારોને રજૂ કર્યા છે. ‘ચિર વિરહ’ (1973) એમના મૃત્યુ બાદ પ્રકાશિત થયેલો કાવ્યસંગ્રહ છે.

‘દિનરાત’ (1946) અને ‘ધૂણીનાં પાન’ (1950) નામના ટૂંકી વાર્તાઓના સંગ્રહની કેટલીક વાર્તાઓ ગરીબી, શોષણ અને ભેદભાવને કારણે ઊભી થતી અસમાનતા સહિતના વિષયો પર છે. ‘જાહનવી’ (1953) નામની તેમની નવલકથામાં સામ્યવાદી વિચારનો પ્રભાવ જોવા મળે છે. ‘મોહન શુક્લ’ના ઉપનામથી તેમણે ‘શોધ’ (1939) નામની ટૂંકી વાર્તા લખી છે. તેમણે ‘ખોવાયેલી દુનિયા’ (1969) નામની નવલકથા પણ લખી છે.

 ‘યુગપુરુષ ગાંધી’ (1943), ‘પૂનમનાં પોયણાં’ (1953) અને ‘પલટાતો જમાનો’ તેમના અનુવાદિત ગ્રંથો છે. ‘સાહિત્ય અને સંસ્કાર’ (1944) તેમજ ‘સાહિત્ય અને પ્રગતિ’ ભાગ 1, 2 (1940; 1945) તેમણે અન્ય વ્યક્તિ સાથે મળીને કરેલું સંપાદન છે. જેમાં માર્કસવાદી વિચારવાળાં કાવ્યો, વાર્તાઓ અને નિબંધોનું સંપાદન કર્યું છે.