સુભાષ શાહનો પરિચય
સુભાષ શાહનો જન્મ ખેડા જિલ્લાના બોરસદ ગામે થયો હતો. 1964માં વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિ.માંથી આંકડાશાસ્ત્ર વિષયમાં વિજ્ઞાન પ્રવાહ સાથે અનુસ્નાતક થયા. 1964થી 1983 દરમિયાન અમદાવાદની સિટી કૉમર્સ કૉલેજમાં આંકડાશાસ્ત્ર વિષયના વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી, 1984-85માં ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ફોર ડેવલપમેન્ટ કમ્યુનિકેશનના કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી. 1978થી 1998 એમ લગોલગ બે દાયકા સુધી હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, અમદાવાદના માનાર્હ નિયામક તરીકે તેમજ ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક કૉમર્સ વિભાગ અને સ્કૂલ ઑફ આર્કિટેક્ચરમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી.
સાહિત્યના ક્ષેત્રમાં કવિતા, નાટક, નવલકથા, અનુવાદ તેમજ સિનેમા, દૂરદર્શન માટે પણ કામ કરી પોતાની પ્રતિભાનું દર્શન કરાવ્યું છે. ‘સુભાષ શાહનાં કાવ્યોની ચોપડી’ (1965) એ પહેલા કાવ્યસંગ્રહ ઉપરાંત ‘ત્વ’ દીર્ઘકાવ્ય પણ તેમણે પ્રગટ કર્યું છે. કાલે ‘સવાર નહીં પડે' (2009) તેમનો ગઝલસંગ્રહ છે.
‘સુમનલાલ ટી. વે’ (1982), ‘રંગાદાદા’ (જે હિન્દી ભાષામાં પણ પ્રગટ થયેલું, 1982) અને 'પ્રપંચ' તેમનાં બહુધા ભજવાઈ ચૂકેલાં નોંધપાત્ર દ્વિઅંકી નાટકો છે. ‘બરફનાં પોલાણ’ (1969) ‘સંચય બીજો’ (1992) તેમનાં જાણીતા એકાંકીસંગ્રહો છે, જેમાં ‘બરફનાં પોલાણ’, ‘દીવાલ’, ‘આઘાત’ અને ‘ભડલી’ આદિ ઘટનાપ્રધાન, પરંપરાગત તેમજ સંદિગ્ધ, અદ્યતનતાયુક્ત એકાંકી સંગ્રહાયાં છે.
નાટક ઉપરાંત સુભાષ શાહે ‘હેંત છેટી મહાનતા' (1987), ‘નિર્ભ્રાન્ત’ (1986), ‘અકથ્ય’ (1986), ‘એક પ્રધાનપુત્રની આત્મહત્યા’, ‘પ્રપાત’ (1996), ‘પણછ’ અને ‘અનાથ’ (1987) એમ વિશિષ્ટ કહી શકાય એવી સાત લઘુનવલો એમની પાસેથી મળી છે.
મૌલિક કૃતિઓ ઉપરાંત સુભાષ શાહે સેમ્યુઅલ બેકેટ કૃત ‘વેઇટિંગ ફોર ગોદો’ 52 આધારિત ‘એક ઉંદર અને જદુનાથ’ (લાભશંકર ઠાકર સાથે), ગ્રીક નાટ્યકાર સાફોક્લિસનાં નોંધપાત્ર નાટકો ‘ઇલેક્ટ્રા’, ‘ઇડિપસ’, ‘ફિલોકટેટ્સ’ અને ‘એન્ટિગોની’ના મુક્ત અનુવાદો, માઇકલ-દ-ગોલ્દીરોદ કૃત ‘પેન્ટાગ્લિઝ'નો અનુવાદ ‘અંગીરસ', આલ્બેર કામુના નાટક ‘ધ જસ્ટ'નો અનુવાદ ન્યાયપ્રિય’, દોસ્તોયેવસ્કીની સુખ્યાત નવલકથાનું નાટ્યરૂપાંતર ‘ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ' તથા બર્ટોલ્ટ બ્રેખ્તની નાટ્યકૃતિ ‘કોકેશિયન ચોક સર્કલ' પર આધારિત અનુસર્જન ‘પરખ' જેવી વિખ્યાત વિદેશી નાટ્યકૃતિઓનાં અનુવાદો અને રૂપાંતરો પણ આપ્યાં છે.
રંગમંચ સિવાય સિનેમા અને દૂરદર્શન માટે પણ તેમણે લેખન અને દિગ્દર્શન કર્યું છે: ‘સંકેત’ અને ‘મરુભૂમિ’ ટેલિફિલ્મો ઉપરાંત ‘હરસુખને દુઃખ ભારે’, ‘પ્રપંચ’, ‘યુવાવસંત’, ‘મંથન’, ‘ધ ગ્રેટ ગુજરાત શો’ વગેરે તેમની જાણીતી ટીવી સિરિયલો તથા સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ માટે તેમણે રવિશંકર ચવળ, પિરાજી સાગરા, સોમાલાલ શાહ અને જેરામ પટેલ જેવા ખ્યાતનામ ચિત્રકારો અને આર્કિટેક્ચર ઑફ ગુજરાત વિશેની દસ્તાવેજી ફિલ્મો બનાવી છે. ચિત્રકાર પિરાજી સાગરા – વિષયક તેમણે અંગ્રેજી ભાષામાં તૈયાર કરેલો મોનોગ્રાફ ઉપરાંત અગ્રગણ્ય ગુજરાતી-અંગ્રેજી વર્તમાનપત્રો અને સામયિકોમાં કલા, સાહિત્ય, ફિલ્મ અને રંગમંચ – વિષયક લેખો અને શ્રેણીઓ પણ તેમણે પ્રગટ કરી છે. ‘મધ્યાંતર’ (2009)માં 59 રંગભૂમિ વિષયક વિવેચનલેખોનો સમાવેશ થયો છે.