‘સાહિલ’ ઉપનામધારી પ્રવીણ ચૌહાણનો જન્મ ભાવનગરમાં શામજીભાઈ ચૌહાણને ત્યાં થયો હતો. એમ. એ., એલએલ.બી. સુધીનો અભ્યાસ. વેરાવળની શીપિંગ કંપની-જે. એમ. બક્ષી ઍન્ડ કંપનીમાં મૅનેજ૨પદે કાર્ય કર્યા બાદ નિવૃત્તિ મળતા રાજકોટ આવી વસ્યા.
માતા વીરુબાની વ્યાપક દૃષ્ટિ અને ઉર્દૂભાષા નિસ્બતને કારણે, એમનામાં ગઝલસૃજન બીજ રોપાયું. વર્ષ 2001માં ‘શતક વત્તા એક’ ગઝલસંગ્રહ મળે છે. કોઈ પણ ચોક્કસ વાદના ચોકઠામાં બંધાયા વિના, ગઝલને વફાદાર રહીને એના શીલ અને સૌંદર્યની સુપેરે માવજત કરતા રહી પરંપરાથી પ્રયોગશીલ ગઝલ સુધીનાં વળાંકોને પોતાની ગઝલોમાં સુપેરે ઝીલતા રહી ગુજરાતી ગઝલમાં પોતાની સ્વાયત્ત છાપ ઉપસાવી શક્યા છે.