Ramesh Parekh Profile & Biography | RekhtaGujarati

રમેશ પારેખ

ગુજરાતી સાહિત્યના આધુનિક યુગના મહત્ત્વના સર્જક

  • favroite
  • share

રમેશ પારેખનો પરિચય

કવિ, વાર્તાકાર, નિબંધકાર, નાટ્યકાર, બાળસાહિત્યકાર, આસ્વાદક

રમેશ પારેખનો જન્મ 27 નવેમ્બર, 1940ના રોજ અમરેલીના વણિક દંપતી મોહનલાલ અને નર્મદાબેનને ત્યાં થયો. પ્રારંભિક અભ્યાસ પારેખ મહેતા વિદ્યાલય ખાતે. 1958માં મૅટ્રિક ઉત્તીર્ણ થયા. સમાન્તરે સર્જનકાર્ય કરતા તેમણે ‘પ્રેતની દુનિયા’ વાર્તા લખી જે ‘ચાંદની’ મૅગેઝિનમાં છપાઈ અને એ રીતે સાહિત્યની દુનિયામાં એમના પગરણ થયા. ચિત્રકલા, સંગીત, જ્યોતિષ એમના શોખ રહ્યા. 1960માં અમરેલી જિલ્લા પંચાયત કચેરીમાં નોકરી કરી. 1972માં રસીલાબેન સાથે લગ્ન.

અનિલ જોશીનું દિશાસૂચન મળતાં માત્ર 17 વર્ષની નાની વયે સર્જક તરીકેની યાત્રા આરંભાઈ. 1962 સુધી વાર્તા લખી. 1970માં ગુજરાતી કવિતાજગતમાં નવોન્મેષ પ્રગટાવતો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ક્યાં’ (1970) પ્રગટ થયો. ‘ખડિંગ’ (1979), ‘ત્વ’ (1980), ‘સનનન’ (1981), ‘ખમ્મા આલા બાપુને’ (1985), ‘મીરાં સામે પાર’ (1986), ‘વિતાન સુદ બીજ’ (1993), ‘લે, તિમિરા! સૂર્ય’ (1995), ‘છાતીમાં બારસાખ’ (1998), ‘છ અક્ષરનું નામ’ (સમસ્ત રચનાઓનો સંચય, 1991), ‘ચશ્માંના કાચ પર’ (1999), ‘સ્વગતપર્વ’ (2002), ‘કાળ સાચવે પગલાં’ (2009, મરણોત્તર) જેવા કાવ્યસંગ્રહ પ્રકાશિત થયા છે. તેમણે આલા ખાચર, સોનલ, મીરાં પાત્રવિશેષ કાવ્યો આપ્યાં.

“એમણે ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યસ્વરૂપોને ખેડ્યાં છે; થોડાંક સૉનેટ પણ લખ્યાં છે. ગીત અને ગઝલ ઉપર એમનું વિશેષ પ્રભુત્વ છે. ભાવ, ભાષા, અને અભિવ્યક્તિમાં નવીનતા, તાજગી અને વૈવિધ્ય એમની કવિતાની લાક્ષણિકતા છે. નવીનકોર કાવ્યબાની, નૂતન અભિવ્યક્તિ સાધતી ધારદાર પોતીકી ભંગી, એનો લાક્ષણિક તળપદ રણકો, અપૂર્વ પ્રાસરચના, અસાધારણ ભાષાકર્મ, નવીન પ્રતિરૂપો, કલ્પનની તાજગી તથા સહજ લયસિદ્ધિ એમની કવિતાના ઉત્તમાંશ છે.” – દક્ષા વ્યાસ.

“‘મારી કવિતા એ મેં વિશ્વના હોઠ પર કરેલું ચુંબન છે’ એમ કહેનાર રમેશ પારેખ માનવતાનો મજનૂ છે. કવિતાની ત્વચા ને વાચા છે. આ રોમૅન્ટિક કવિને રોમૅન્ટિસિઝમ પરિભાષામાં બિરદાવીએ તો – ‘ગીતની ગુલછડી, ગઝલનો ગુલઝાર, સૉનેટનો શિલ્પી, અછાંદસનો અવતાર’. ન્હાનાલાલ પછી ગુજરાતી કવિતાને ભાષાની દૃષ્ટિએ જો કોઈ કવિએ લાડ લડાવ્યા હોય, લાલનપાલન કરી નજાકત અર્પી હોય તો તે રમેશ પારેખ. નવી પેઢીના કવિઓના મસીહા-પ્રેરણાસ્રોત બની રહ્યા. Poets are born, not made વિધાન જેમને શબ્દશઃ લાગુ પાડી શકાય એવા જન્મજાત કવિ.” – અપૂર્વ આશર

1983માં ‘સ્તનપૂર્વક’ વાર્તાસંગ્રહ થકી આધુનિક ટૂંકી વાર્તાક્ષેત્રે પદાર્પણ કર્યું. ‘સગપણ એક ઉખાણું’, ‘સૂરજને પડછાયો હોય’ અને ‘તરખાટ’ જેવાં નાટક, ‘હોંકારો આપો તો કહું’ (1994), ‘ચાલો એકબીજાને ગમીએ’ (2001), ‘સર્જકના શબ્દને સલામ’ (2002) જેવા નિબંધસંગ્રહ, ‘હાઉક’ (1979), ‘ચીં’ (1980), ‘દરિયો ઝુલ્લમ ઝુલ્લા, હસીએ ખુલ્લમ ખુલ્લા’ (1988), ‘ચપટી વગાડતાં આવડી ગઈ’ (1997) નામે બાળકાવ્યસંગ્રહો. બાળવાર્તાસંગ્રહો : ‘હફરફ લફરફ’ (1986), ‘દે તાલ્લી’ (1979), ‘ગોર અને ચોર’ (1980), ‘કૂવામાં પાણીનું ઝાડ’ (1986) અને ‘જંતર મંતર છૂ’ (1990). તેમની બાળનવલકથાઓ ‘જાદુઈ દીવો’ અને ‘અજબ ગજબનો ખજાનો’ છે. 17 મે, 2006ના રોજ હૃદયરોગના હુમલાથી રાજકોટ ખાતે અવસાન પામ્યા.

તેઓ તેમના ઉત્તમ પ્રદાન બદલ કુમાર સુવર્ણચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણ ચંદ્રક, ઉમા–સ્નેહરશ્મિ પુરસ્કાર, શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક, નરસિંહ મહેતા પુરસ્કાર તેમ જ પરિષદ અને અકાદમી ઍવૉર્ડ એમ બહુવિધ પુરસ્કારથી પોંખાયા છે.