રક્ષાબહેન દવેનો જન્મ 21 ફેબ્રુઆરી, 1946ના રોજ મુંબઈમાં થયો. પિતાનું નામ પ્રહ્લાદરાય જ. દવે અને માતાનું નામ શારદાબહેન. તેમને સાહિત્યસર્જન વારસામાં મળ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી 1973માં ગુજરાતી ભાષા-સાહિત્યમાં ગોલ્ડ મેડલ સાથે અનુસ્નાતક થયાં અને બી.એડ.ની પરીક્ષામાં બીજા નંબરે આવ્યાં હતાં. 1986માં પ્રિ. તખ્તસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ‘ભક્તિતત્ત્વ અને ગુજરાતી કવિતા’ વિષય પર સંશોધન કરીને ભાવનગર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ભાવનગરની ગાંધી મહિલા કૉલેજમાં ગુજરાતીનાં અધ્યાપક તરીકે જોડાયાં અને બાદમાં વિભાગનાં અધ્યક્ષા પણ થયાં. 2006માં તેમણે સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લીધી. સમગ્ર ગુજરાતમાં ધર્મ-સંસ્કાર-સાહિત્ય પર વ્યાખ્યાનો આપે છે.
રક્ષાબહેન દવેનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સૂરજમુખી’ 1979માં પ્રકાશિત થયો. કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં કવિ સુન્દરમે તેમને ‘આધુનિક મીરાં’ તરીકે ઓળખાવ્યાં છે. તેમની પાસેથી ભક્તિનાં અનેક પદો-ગીતો મળ્યાં છે. ‘નિશિગંધા’ (1981), ‘ગુલમોર’ (1984), ‘અજવાસ’ (1986), ‘આહ્લાદ’ (1990), ‘સ્રગ્ધરા’ (1999) અને ‘શારદા’ (2007) તેમના કાવ્યસંગ્રહો છે. ‘ગુલમોર’ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ભગિની નિવેદિતા પુરસ્કાર મળ્યો છે.
‘ઈતિ મે મતિઃ’ (1996) અને ‘મતિમર્મ’ (2000) એ તેમના વિવેચનાત્મક લેખોનો સંગ્રહ છે. રક્ષાબહેન દવેએ આપેલાં ધર્મશાસ્ત્રો પરનાં પ્રવચનો સંગ્રહિત થયાં છે. ‘શૈત્યમહમ્ અપ્સુ’ (1995) અને ‘યાત્રા પરિણામરમણિયા’ (1998) એ તેમના પ્રવાસનિબંધોનો સંગ્રહ છે.
રક્ષાબહેન દવેએ ‘માણું મીઠું’ (1980), ‘ધીન ધીન’ (1982), ‘તબડક તબડક’ (1988), ‘છુકછુક ગાડી’ (1997) વગેરે બાળકાવ્યસંગ્રહો આપ્યા છે. ‘જાનીવાલી પીનારા’ (1983), ‘તીતીડાં’ (1985), ‘પાંચીકડાં’ (1988) અને 'હા…હા…હા…'(2003)માં બાળકો માટે નૃત્ય-નાટિકાઓ અને વિવિધ પ્રકારની રમતો રજૂ કરી છે.
‘ટાઢ વાય ટાઢી’ (1989), ‘કૂકડે…કૂક’ (1992), ‘વ વાર્તાનો વ’ (1997), ‘વાર્તા લો…’ (2000) એ તેમના બાળવાર્તાસંગ્રહ છે.
બાળસાહિત્યમાં તેમણે આપેલા પ્રદાન બદલ ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમને 1994માં ‘શ્રી ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક’ આપ્યો. ‘વ વાર્તાનો વ’ને રમણલાલ સોની પુરસ્કાર ઉપરાંત ‘તીતીડાં’, ‘છુકછુક ગાડી’ અને ‘વાર્તા લો…’ને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકો મળેલાં છે.
કિશોરો માટે પણ ‘તેઓ મહાન કેમ બન્યાં?’, ‘કથીરમાંથી કંચન’, ‘મને પંખીની પાંખ મળી (ત્રણેય 1993) પુસ્તકો લખ્યાં છે. ‘અરુણોદય તમારા હાથમાં છે’ (1998) એ મહિલા જાગૃતિની પુસ્તિકા છે. કૉલેજના ભીંતપત્ર માટેના નાના લેખોનો સંગ્રહ ‘સંસ્કારનું કુમકુમ’ (2005) તેમણે આપ્યો છે. 'છંદશિક્ષણ' (2006) માટેની તેમની ઓડિયો સીડી તેમણે બહાર પાડી છે.
‘સૂરજમુખી, ‘માણું મીઠું, ‘નિશિગંધા’ એ ત્રણેયને ગુજરાત સાહિત્યસભા તરફથી સ્વ. સનતકુમારી પારિતોષિક મળ્યું છે.