Priyakant Maniyar Profile & Biography | RekhtaGujarati

પ્રિયકાન્ત મણિયાર

રંગદર્શી ઊર્મિકવિ.

  • favroite
  • share

પ્રિયકાન્ત મણિયારનો પરિચય

રંગદર્શી ઊર્મિકવિ. તેમનું વતન અમરેલી હતું. શરૂઆતમાં તેમણે માંડલમાં વસવાટ કર્યો; ત્યાર બાદ અમદાવાદમાં સ્થાયી થયા હતા.

પ્રિયકાંતે બાળપણમાં માતાના કંઠે જે હાલરડાં, ગીતો, અને ભજનો સાંભળેલાં તેનો લય અને બાની તેમની કવિતાને મળ્યાં. ખૂબ અંતર્મુખી જીવન ગાળતા આ કવિને પોતાના શિક્ષક જગજીવનભાઈ પાસેથી સાહિત્યનું પ્રાથમિક શિક્ષણ મળ્યું. ખલીલ જિબ્રાન, રવીન્દ્રનાથ, ગાંધીજી, શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણોએ તેમની ઉપર ઊંડી અસર છોડી. અમદાવાદમાં વસવાટ થકી નગરજીવનનો પણ ખૂબ નિકટથી પરિચય થયો.

વ્યવસાયે કંકણ બનાવનાર કાવ્યકળામાં પણ એટલી જ ચીવટ અને ધીરજનો ઉપયોગ કરી કવિતાને ઓપ આપનાર. ‘કુમાર’ની ‘બુધસભા’માં આવીને તેમની કવિતાને પોષક વાતાવરણ મળ્યું.

તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રતીક’ (1953) તેમની આગવી છાપ લઈને આવે છે. તેના વિશે ચન્દ્રકાન્ત ટોપીવાળા નોંધે છે કે, “રચનાઓના નૈસર્ગિક આવિષ્કારમાં અપૂર્વ તાજગી, પ્રતીકાત્મક લાઘવ, અને મુગ્ધકર વ્યંજકતા છે. વિસ્મય અને વિષાદના ભાવનિરૂપણ સાથે વિવિધ છંદોનું પ્રાધાન્ય અને સુઘડ રચનાવિધાન છે. પ્રશ્નાર્થચિહ્નો ને આશ્ચર્યચિહ્નોનો સાર્થક ઉપયોગ પણ છે. અહીં રાધાકેન્દ્રી ગીતોના ઊર્મિવિસ્ફોટમાં નવાં ભાવપ્રતીકો છે. ‘કંચૂકીબંધ છૂટ્યા ને’ અને ‘ખીલા’ જેવી છાંદસ રચનાઓ તેમ જ ‘કૃષ્ણરાધા’ અને ‘શ્રાવણની સાંજનો તડકો’ જેવી ગીતરચનાઓ અત્યંત લોકપ્રિય નીવડી છે.”

‘અશબ્દ રાત્રિ’ (1959), ‘સ્પર્શ’ (1966), ‘સમીપ’ (1972), ‘પ્રબલ ગતિ’ (1974), ‘વ્યોમલિપિ’ (1979) તથા ‘લીલેરો ઢાળ’ (1979) તેમના અન્ય કાવ્યસંગ્રહો છે.

પ્રિયકાન્તને કવિતા માટે ‘કુમાર’ ચંદ્રક તેમ જ 1972-73નું ઉમા–સ્નેહરશ્મિ પારિતોષિક મળ્યાં હતાં, તેમ જ તેમના કવિતાસંગ્રહ ‘લીલેરો ઢાળ’ માટે તેમને મરણોત્તર સાહિત્ય અકાદમી પુરસ્કાર વર્ષમાં 1982 મળ્યો હતો.