અનુગાંધીયુગના મહત્ત્વના કવિ, અનુવાદક
ગુજરાતી કવિ, અનુવાદક, વ્યવસાયે તેઓ આયુર્વેદના અધ્યાપક અને ચિકિત્સક હતા. પ્રાથમિક શિક્ષણ તેમણે પોતાના વતન વઢવાણની રાષ્ટ્રીય શાળામાં અને માધ્યમિક શિક્ષણ પણ ત્યાંની જ દાજીરાજ હાઈસ્કૂલમાંથી લીધું હતું. ત્યાર બાદ ત્યાંથી જ મૅટ્રિક થઈને 1941માં પાટણની આયુર્વેદિક કૉલેજમાંથી પ્રથમ વર્ગ સાથે તેઓ સ્નાતક થયા હતા. તે પછી તેમણે વડોદરામાં તાલીમ લીધી હતી. 1954થી 1972 સુધી ભાવનગરની આયુર્વેદ કૉલેજમાં તેમણે પ્રાધ્યાપક અને ઉપાચાર્ય તરીકે સેવાઓ આપી. 1972થી 1975 સુધી તેમણે તે જ કૉલેજમાં આચાર્ય તરીકે સેવા આપી અને 1976માં તેઓ નિવૃત્ત થયા હતા. કવિતા અને વૈદકશાસ્ત્ર એમના એકસરખા રસના વિષયો હતા. ‘આયુર્વેદનું અમૃત’ ભા. 1–2 (1974, 1991) એમના આયુર્વેદના ગ્રંથો છે, જેમાંના પ્રથમ ભાગને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. આયુર્વેદના ઉપચાર, પ્રચાર, પ્રસાર માટે તેમણે મહત્ત્વની સેવા કરી છે. તેમણે ચામડીના રોગો વિશે 1985માં એક પુસ્તિકા પ્રગટ કરેલી. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ તેમને ડી.લિટ્.ની માનાર્હ પદવી પ્રદાન કરેલી.
કવિતાક્ષેત્રે તેમનું યોગદાન તેમને અનુગાંધીયુગના અગ્રણી કવિઓની હરોળમાં સ્થાન અપાવે છે. કવિ ગોવિંદ સ્વામી સાથે ‘મહાયુદ્ધ’ (1940) નામે 3 કાવ્યોને સમાવતી પ્રગટેલી પુસ્તિકામાં ‘આગામી મહાયુદ્ધ’ કાવ્ય એમની રચના છે. ગોવિંદ સ્વામીના અવસાન પછી તેમના પ્રગટ થયેલા ‘પ્રતિપદા’ (1948) નામે કાવ્યસંગ્રહના સંપાદકોમાં તેઓ પણ હતા. એમનો પ્રથમ સ્વતંત્ર કાવ્યસંગ્રહ ‘પદ્મા’ 1956માં પ્રગટ થયો હતો. સુન્દરમે એમને ‘નોળવેલના કવિ’ તરીકે બિરદાવ્યા હતા. એમના અન્ય કાવ્યસંગ્રહો ‘નાન્દી’ (1963) અને ‘નૈવેદ્ય’ (1980) છે.
એમનું સંસ્કૃતનું જ્ઞાન પ્રગાઢ હતું. તેમણે કાલિદાસના મહાકાવ્યનો કરેલો અનુવાદ ‘રઘુવંશ’ (1985) ગુજરાતીમાં તે પ્રકારના અનુવાદમાં માતબર ગણાય તેવો છે. રામાયણના સુંદરકાંડનો અનુવાદ ‘સીતા અશોકવનમાં’ નામે એમણે આપ્યો છે. ‘પરબ્રહ્મ’ (1985) નામે કાવ્યસંગ્રહમાં શ્રી અરવિંદનાં કાવ્યોનો અનુવાદ છે. સ્વામી વિવેકાનંદનાં કેટલાંક કાવ્યોનો અનુવાદ પણ એમણે કર્યો છે. ભાવનગરની સાહિત્યસભાના તેઓ મંત્રી હતા.