મંગળ રાઠોડનો પરિચય
મુંબઈમાં 14 માર્ચ, 1938ના રોજ જન્મેલા કવિ મંગળજી રાઠોડના પિતાનું નામ જેઠાભાઈ અને માતાનું નામ જીવીબહેન હતું. ગુજરાતી મુખ્ય વિષય સાથે મુંબઈની સોમાણી કૉલેજમાંથી 1965માં બી.એ. થયા બાદ સિદ્ધાર્થ કૉલેજમાંથી 1970માં એમ. એ.ની ડિગ્રી મેળવી. પાલઘરની દાંડેકર કૉલેજ, ભીવંડીની કૉલેજ અને સિદ્ધાર્થ કૉલેજમાં શરૂઆતનાં વર્ષોમાં અધ્યાપક તરીકે સેવા આપી. 1974માં સુરતની શેઠ પી. ટી. મહિલા કૉલેજમાં અધ્યાપક બન્યા તેમજ 1981થી 2001 દરમિયાન સુરતની એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. તેમનું અવસાન 12 માર્ચ, 2013ના રોજ થયું હતું.
મંગળ રાઠોડના સાહિત્યમાં સામાજિક નિસબત કેન્દ્રમાં છે. સમાજસુધારણા, ક્રાંતિ અને પ્રગતિવાદી સમાજરચનાના રંગે તેઓ રંગાયા હતા. ‘બાગમાં’ (1980) અને ‘કાષ્ઠશિલ્પ’ (1994) તેમના બે કાવ્યસંગ્રહો છે. ‘બાગમાં’ કાવ્યસંગ્રહના ‘નાયક’, ‘મીનાને’, ‘પ્રતીક્ષા’ અને ‘તણખલું’ કાવ્યો ખાસ ધ્યાનાકર્ષક છે. આ કાવ્યસંગ્રહમાં કવિએ પ્રણયની વેદના, પ્રસન્નતા અને મિલન કે વિરહના ભાવનું સુંદર નિરૂપણ કર્યું છે. સમુદ્રવિષયક, નદીવિષયક કે વિષાદવિષયક રચનાઓમાં વિવિધ પ્રતીતિ હોવા છતાં તેની વચ્ચે સંબંધ જોવા મળે છે.
‘બુદ્ધિજીવીઓને’, ‘દંભીઓને’, ‘દીવાસળી’ વગેરે કાવ્યોમાં દંભી સમાજ, વર્ગ અને વર્ણની અસમાનતાના વલણ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમની કવિતાઓમાં આક્રોશ છે, વિનોદ છે, વ્યંગ પણ જોવા મળે છે. ‘બાગમાં’ આધુનિક યુગનો તો ‘કાષ્ઠશિલ્પ’ અનુઆધુનિક યુગનો સંગ્રહ છે. ‘કાષ્ઠશિલ્પ’ કાવ્યસંગ્રહની 20 ગઝલોમાં પ્રકૃતિ, પ્રણય અને માનવસંબંધોમાંથી પ્રતીત થયેલી અનુભૂતિઓ છે. ‘કુંભાર’, ‘શબ્દ’, ‘આપણે બધાં’ અને ‘મારા હાથની વાત’ રચનાઓમાં માટીના પ્રતીક દ્વારા કવિએ જીવન જીવવાની શૈલીને એક નવું સ્વરૂપ આપ્યું છે.
મંગળ રાઠોડે લખેલી વાર્તાઓ પરંપરાગત વાર્તાઓથી જુદી તરી આવે છે. ‘અમારું આ ગુલમહોર’, ‘ઝોલું', ‘રિક્ષાવાળો’, ‘ખાખી પહેરણ', ‘એક માટલી હજીય ફોડવી બાકી છે!’, ‘ચોકડીવાળો ગ્લાસ’ વગેરે તેમની નોંધપાત્ર વાર્તાઓ છે. આ વાર્તાઓમાં લેખકે ગરીબી, શોષણ અને અસમાનતાને કારણે સમાજમાં રચાતી દારુણ પરિસ્થિતિઓનું નિરૂપણ કર્યું છે. દરેક વાર્તાઓમાં કટાક્ષ છે.