મકરંદ દવેનો જન્મ ગોંડલમાં થયો હતો. ગોંડલમાં જ તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું. તે પછી 1940માં રાજકોટની ધરમસિંહજી કૉલેજમાં દાખલો લીધો અને 1942માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા અન્ય અનેક સ્વાતંત્ર્ય સૈનિકોની પેઠે અભ્યાસ છોડી દીધો હતો. તેમના પ્રારંભિક જીવનમાં જ તેઓ આધ્યાત્મિક ગુરુ નાથાલાલ જોષીના સંપર્કમાં આવ્યા હતા અને તેથી તેમના જીવનની નવીન આધ્યાત્મિક કેડી કંડારાઈ. 1968માં તેમણે લેખિકા કુંદનિકા કાપડિયા સાથે લગ્ન કર્યાં અને મુંબઈ સ્થાયી થયા હતા.
તેમણે ‘કુમાર’ (1944-45), ‘ઉર્મિ નવરચના’ (1946), ‘સંગમ’, ‘પરમાર્થી’ સામયિકો અને ‘જય હિંદ’ દૈનિકનું સંપાન કાર્ય કર્યું હતું.
તેમની આધ્યાત્મિક પ્રેરણાને અનુસરીને તેઓ ઈ.સ. 1987માં તેમનાં પત્ની સાથે વલસાડ નજીક ધરમપુર ખાતે સ્થાયી થયા. ત્યાં તેમણે આદિવાસી કલ્યાણ અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે નંદીગ્રામની સ્થાપના કરી હતી.
સ્વામી આનંદ દ્વારા તેમને ‘સાંઈ’ ઉપનામ મળ્યું હતું. 1979માં તેમને ‘રણજિતરામ સુવર્ણ ચંદ્રક’ એનાયત થયો હતો. તેમના આધ્યાત્મિક અને સાહિત્યિક સર્જન માટે તેમને ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ (1997), ‘નરસિંહ મહેતા પુરસ્કાર’, અને ‘અરબિંદો’ પુરસ્કાર મળ્યા હતા.
તેમણે કવિતા ઉપરાંત ફિલસૂફી અને આધ્યાત્મને લગતાં પુસ્તકો પણ લખ્યાં છે.
‘તરણાં’ (1951), ‘જયભેરી’ (1952), ‘ગોરજ’ (1957), ‘સૂરજમુખી’ (1961), ‘સંજ્ઞા’ (1964), ‘સંગતિ’ (1968) જેવા એમના કાવ્યસંગ્રહો છે. ‘ઝબૂક વીજળી ઝબૂક’ (1955) બાળકાવ્યસંગ્રહ અને ‘શેણી વિજાણંદ’ (1956) ગીતનાટિકા છે.
‘અંતર્વેદી’ (1978), ‘યોગપથ’ (1978), ‘સહજને કિનારે’ (1980), ‘ભાગવતી સાધના’ (1982), ‘ગર્ભદીપ’ (1983), ‘ચિરંતના’ (1983) આધ્યાત્મચિંતનના ગ્રંથો છે. ‘વિષ્ણુસહસ્રનામઃ આંતરપ્રવેશ’ (1984)માં કાન્તિલાલ કાલાણી સાથે ભગવદ્નામો વિશે સહિયારું ચિંતન છે. ‘એક પગલું આગળ’ (1982)માં સામાજિક ચિંતન છે.
‘સંત કેરી વાણી’ (1970) એમણે સંપાદિત કરેલો ભજનસંગ્રહ છે. ‘ઘટને મારગે’ (1946) અને ‘ટારઝન : જંગલોનો રાજા’ (1947) એમના અનુવાદો છે.
ચન્દ્રકાન્ત ટોપીવાળા તેમના સમગ્ર સર્જનને સુંદર રીતે ટૂંકમાં સારી આપે છે કે, “સંતપરંપરાના સાહિત્યનો ભજનરસ, લોકસાહિત્યના સંસ્કારોથી મંડિત સહજસંવેદના, સૌરાષ્ટ્રનું તળપદું શબ્દભંડોળ, ગઝલના મિજાજનો રંગ, રવીન્દ્રનાથ–મેઘાણીના ઓછાયા વચ્ચે કવિની પરિવ્રાજક સાધક વ્યક્તિતા – આ બધો મકરંદ દવેની કવિતાનો વિશેષ છે. અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન અને ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ ભેળવવા મથે છે.”