કિરીટ દૂધાતનો પરિચય
જન્મ 1 જાન્યુઆરી, 1961માં અમરેલી જિલ્લાના મોટા આંકડિયામાં પિતા કનુભાઈ અને માતા નર્મદાબેનને ત્યાં થયો. મૂળ વતન અમરેલી જિલ્લાનું મોટા કલકોટ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગામમાં જ લીધું. તેમના પિતા કનુભાઈએ કોઈ પદ્ધતિસરનું શિક્ષણ નહોતું લીધું, પણ ગાયકવાડી ગામમાં પિયર હોવાથી માતા નર્મદાબેને અનિવાર્ય ગણાતો ધોરણ ચાર સુધીનો અભ્યાસ કર્યો. નિરક્ષર એવા કનુભાઈએ પોતાના ગામમાં ખેતી શરૂ કરેલી, પણ ભૌગોલિક વિષમ પરિસ્થિતિ અને શહેરી મિલમાં કામ કરતા મોટાભાઈના આગ્રહને વશ થઈ શહેરમાં આવીને વસ્યા. પિતાએ ગુજરાન ચલાવવા શહેરની મિલમાં નોકરી કરી અને ત્યાં કાયમી સભ્ય પણ બન્યા. કિરીટ દૂધાતે ધોરણ-10 ભણ્યા બાદ ગામમાં અભ્યાસ કરવા માટેની સુવિધાનો અભાવ અને અમરેલી જઈને ભણવાની અનિચ્છા હોવાથી અમદાવાદ જઈને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિજ્ઞાનપ્રવાહ સાથે ‘ડેમોક્રેટિક’ હાઈસ્કૂલમાંથી લીધું. ત્યાર બાદ બી.એસસી. ભણવા માટે અમદાવાદ સાયન્સ કૉલેજ આવ્યા. કૉલેજ શિક્ષણ દરમિયાન કિરીટ દૂધાતને વિજ્ઞાનપ્રવાહ એ પોતાનો રસનો વિષય નથી એમ માલૂમ પડતાં તેમણે અમદાવાદ આર્ટ્સ કૉલેજમાં સાહિત્ય સાથે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને ત્યાર બાદ એક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે એમ.એ.ની પદવી પણ પ્રાપ્ત કરી. મિલમાં કામદાર તરીકે અને હીરાઘસુ તરીકે પણ કામગીરી કર્યા બાદ કિરીટભાઈ એસ.વાય.બી.એ.માં હતા ત્યારથી જ સરકારી નોકરી તેમને મળી હતી. આગળ જતાં 1989માં તેઓ અધિક કલેક્ટરની કક્ષાએ પહોંચે છે.
કિરીટભાઈના કૌટુંબિક સાહિત્યિક વારસાની વાત કરીએ તો તેમને મોસાળપક્ષે કે પિતૃપક્ષથી એવો વિશેષ કોઈ વારસો સાંપડ્યો નથી. છતાં અમદાવાદ મિલમાં કામ કરતા તેમના પિતાના ધાર્મિક પુસ્તકોનાં વાંચન તથા તેમના ગુરુ સાથેની ધાર્મિક ચર્ચાઓના રસને તેઓ સઘળું શ્રેય આપે છે. અન્ય એક મિત્ર અને ગઝલકાર એવા દિલીપ વ્યાસની સાથે ફરતાં ફરતાં કિરીટભાઈ બુધસભામાં હોટલ પોએટ્સમાં અને હેવમોરમાં જતા થયા. અને એમ કરતાં તેઓ વડીલ સાહિત્યરસિક મિત્રો હરિકૃષ્ણ પાઠક, હરીશ સોની, ચિનુ મોદી, અને લાભશંકર ઠાકરના પરિચયમાં આવ્યા. આ ઉપરાંત, બાપુભાઈ ગઢવી, હર્ષદ ત્રિવેદી, જગદીશ વ્યાસ અને બિપીન ભટ્ટ જેવા મિત્રો સાથેની સાહિત્યચર્ચાઓથી પણ પોતે સાહિત્યના ઊંડા અભ્યાસી બની શક્યા. ચેખોવની વાર્તાકળા, જીવન પ્રત્યેની કાફ્કા, કેમ્યૂ પાશ્ચાત્ય વિચારકોની દૃષ્ટિ તેમ જ ચંદ્રકાંત બક્ષી, મધુ રાય, મોહમ્મદ માંકડ અને રજનીકુમાર પંડ્યા જેવા લેખકોની વાર્તા, લાભશંકર ઠાકરની કવિતાઓથી કિરીટ દૂધાત ખાસ્સા પ્રભાવિત થયા હતા. 1984માં તેમની પ્રથમ વાર્તા ‘બાપાની પીંપર’ શબ્દસૃષ્ટિ સામયિકમાં એ સમયના તંત્રી સુમન શાહે છાપી પરંતુ તે પહેલાં કિરીટ દૂધાતને કવિતામાં રસ હોવાને કારણે કવિતા લખતા, ‘બુધસભા’ તેમ જ ચિનુભાઈ દ્વારા કરવામાં આવતા તમામ કવિતાના કાર્યક્રમોમાં પણ કિરીટ દૂધાત હાજરી આપતા. તેમની કવિતાને જોઈતી દાદ ન મળતાં કાવ્યને બદલે ટૂંકીવાર્તા સ્વરૂપમાં લેખનકાર્ય શરૂ કરે છે—આ સઘળી પરિસ્થિતિને અંતે 1984માં તેઓ ‘બાપાની પીંપર’ વાર્તા રચે છે.
કિરીટ દૂધાતે કેફિયતમાં વાર્તાની ‘વારતા’ સંદર્ભે નોંધ્યું છે, ‘‘ટૂંકી વાર્તાએ મારી સમક્ષ કવિતા, નવલકથા કે બીજાં સ્વરૂપ કરતાં ઓછા પડકારો રજૂ કર્યા છે, કારણ કે ટૂંકી વાર્તામાં વીજળીના ચમકારે મોતી પરોવવાનું હોય છે. આ મોતી પરોવવું એટલે ટૂંકી વાર્તાનું કેન્દ્રસ્થાન શોધી કાઢવું. ટૂંકી વાર્તા અન્ય સ્વરૂપો કરતાં વધારે કલાત્મક સ્વરૂપ મનાયું છે. એટલે એમાં કલા સિદ્ધ કરવાની જેટલી મોકળાશ મળે છે એટલી બીજા સ્વરૂપમાં નથી મળતી’’ (‘ટૂંકી વાર્તા અને હું’).
વાર્તાકાર કિરીટ દૂધાતના બે વાર્તાસંગ્રહો : ‘બાપાની પીંપર’ (1998) અને ‘આમ થાકી જવું’ (2008)માં કુલ મળીને 17 વાર્તાઓ સમાવિષ્ટ છે. ‘બાપાની પીંપર’ સંગ્રહમાં અગિયાર વાર્તાઓ છે. મોટા ભાગની વાર્તાઓમાં મુખ્ય નાયક કાળુનું મોસાળ એવો અમરેલી જિલ્લાનો ગ્રામપ્રદેશ છે. આ તળપ્રદેશમાં જીવતી પ્રજાની જીવનચેતનાથી આ વાર્તાઓ એકદમ ચેતનવંતી બનવા પામી છે. વાર્તાકારે જાણે જુદાં જુદાં અગિયાર શીર્ષકોમાં એક લઘુનવલને વિભાજિત કરી છે. લગભગ બધી જ વાર્તાઓમાં વાર્તાકથક અથવા વાર્તાનાયકરૂપે કાળુનું પાત્ર છે. એક બાજુ, તરુણવયના કાળુની નિર્મળ છતાં સમભાવપૂર્ણ નજરથી જોવાયેલી ગ્રામીણ સૃષ્ટિનાં જૂજવાં રૂપોનું દર્શન આ વાર્તાઓમાં થાય છે. અહીં પ્રત્યેક વાર્તામાં માનવહૃદયની નિર્દોષ આશા આકાંક્ષાઓનું નિરાધારપણું નિરૂપાયું છે. પ્રેમ, વિશ્વાસ, ફૂંક, ઉદારતા જેવાં જીવનધારક બળોના આધાર વિના પંગુ બની ગયેલાં પાત્રો કૃપણતા, અન્યાય, શોષણ, વિશ્વાસઘાત, ઉપેક્ષા જેવા જીવનસંહારક બળોની ભીંસથી દુઃખી છે. સંવેદનબધિર વિશ્વ તરફનો વ્યથાપૂર્ણ સૂર પ્રગટ કરતી આ વાર્તાઓનું રચનાતંત્ર કેવું છે, તેની લાક્ષણિકતાઓ તેમ જ સીમાઓ આ વાર્તામાં દર્શાવી છે.
તળપદી બોલી, ગ્રામીણ પરિવેશ, ઘટનાની અલ્પતા છતાં સૂક્ષ્મતા, પાત્રની કેન્દ્રીય સંવેદનાને ઉપસાવી આપતો પ્રતીકાત્મક પરિવેશ તથા ભાવક હૃદયમાં સૂક્ષ્મ વમળ સર્જતો ચોટદાર ભાવુક અંત અને આ સર્વને જોડતી વાર્તાકથકની તટસ્થતા વાર્તાનું નિર્માણ કરે છે.
’બાપાની પીંપર’, ‘ડચૂરો’, ‘લીલ’, ‘ભાય’, ‘પાવય’, ‘બાયું’, ‘એક બપોરે’, ‘વી.એમ.’, ‘દીકરો’, ‘ભૂત’, ‘મૂંઝારો’ આદિ પ્રથમ વાર્તાસંગ્રહમાં સમાવિષ્ટ છે. ‘આમ થાકી જવું’ (2008) સંગ્રહમાં ‘પ્રવાસ’, ‘ઉઝરડો’, ‘તું આવજે ને!’, ‘વીંટી’, ‘આમ થાકી જવું’, ‘આ સવજી બચુ કોઈ દી સુખી નો થ્યા હો’ સમાવિષ્ટ છે
આ બે વાર્તાસંગ્રહો ઉપરાંત ‘ગુજરાતી નવલિકાચયન 1996-97’ અને ‘ઘનશ્યામ દેસાઈની ટૂંકીવાર્તા’ જેવા બે સંપાદનો પણ તેમણે આપેલાં છે.
ટૂંકીવાર્તા માટે તેમને ઉમાશંકર જોશી પારિતોષિક અને ધૂમકેતુ પારિતોષિક મળેલાં છે. ‘બાપાની પીંપર’ વાર્તાસંગ્રહ ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કૃત થયેલો છે.