Kanji Patel Profile & Biography | RekhtaGujarati

કાનજી પટેલ

અનુઆધુનિકયુગના કવિ, વાર્તાકાર, નવલકથાકાર અને સંપાદક

  • favroite
  • share

કાનજી પટેલનો પરિચય

તેમની પાસેથી ‘કોતરની ધાર પર’, ‘દ્વા સુપર્ણા’, ‘ડહેલું’, ‘ભીલની ભોંય’ આદિ નવલકથા, તો ‘જનપદ’, ‘ડુંગરદેવ’, ‘ધરતીનાં વચન’, ‘દેશ’ આદિ કાવ્યસંગ્રહ મળે છે. જેમાં પ્રથમ કાવ્યસંગ્રહ 'જનપદ' મે, 1991માં આપણને મળે છે, જેમાં એકાવન જેટલી રચનાઓ સંગ્રહિત છે. મુખ્યત્વે 'મળસ્કુ', 'સંપુટ', 'એક ન ઓગળે', 'દવ', 'ઢાળમાં', 'સોપો', 'કોઈ કહેતા કોઈ નહિ', 'ઢંકાયો ડુંગર', 'અમર બની ગયા છીએ!', 'માછીમાર' વગેરે રચનાઓ સામાજિક પ્રતિબદ્ધતાને બળકટ રીતે રજૂ કરતી રચનાઓ છે.

વનના લોકજીવન વિષે વન અને વનજનનું ચિત્રણ ‘ડુંગરદેવ’ને આરાધી આપવાનો આંખે વળગે એવો કાવ્યોદ્યમ કર્યો છે. આ એમનો બીજો કાવ્યસંગ્રહ છે.

‘ધરતીનાં વચન’ 2016 પછી આપણને સર્જક પાસેથી 'દેશ' (2018) કાવ્યસંગ્રહ મળે છે. જે એમના અન્ય કાવ્યસંગ્રહોથી અલગ પડે છે. એમાં નીતર્યા નીર જેવી સામાજિક પ્રતિબદ્ધતા નજરે પડે છે.

‘ડેરો’ વિચરતી જાતિઓને ઉજાગર કરતો વાર્તાસંગ્રહ છે. આ વાર્તાસંગ્રહની પંદર વાર્તાઓ વંચિત, શોષિત વર્ગની વિટંબણા, પીડા, વેદના કેન્દ્રમાં રહેલી છે. તેમની વાર્તાઓનો પ્રદેશ પરિવેશ પંચમહાલ, મહીસાગર અને દાહોદનો જોઈ શકાય છે. તેમની વિવિધ વાર્તાઓનું કથાવસ્તુ વાચકને કરૂણરસનો આવિર્ભાવ કરાવે છે. વિચરતી ઉપેક્ષિત વિમુક્ત કોમને સાહિત્યના માધ્યમથી સમાજ સમક્ષ મુકવાનું ભગીરથ કાર્ય કાનજી પટેલ થકી થયું છે. ‘રાજનો આંકડો’, ‘આંકડો એટલે દસ્તાવેજી લખાણ’, ‘મહાભારત’, ‘ભોંય’, ‘આજનો ભૂલ્યો ફરી ગણું’, ‘પહેલવહેલો ભરોસો’, 'પાટા', ‘રાણાપ્રતાપના વંશજ’, ‘પડાવ’, ‘ડેરો’, ‘મધપૂડો', ‘હું આવું છું’, ‘નવા દહાડા’, ‘અંશ’, ‘માપ કાઢી લીધું’, ‘માગણની શું ભઇયાળી?’ વગેરે વાર્તાઓ આ સંગ્રહમાં સમાવિષ્ટ છે.

‘ગુજરાત, દીવ, દમણ, દાદરા અને નગર હવેલીની ભાષાઓ’ તેમનું સંપાદન છે અને વહી (કવિતા, લૌકિક વિધિ અને સમાજની બહુભાષી અભિવ્યક્તિ)ના સંપાદક તરીકે ભૂમિકા અદા કરી છે.

તેમણે કરેલા સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવાસમાં-1998માં સાહિત્ય અકાદમી, દિલ્હીના ઉપક્રમે 10 લેખકોના પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે સ્વીડનનો એક માસનો પ્રવાસ, 2006માં ફ્રેંકફર્ટ, જર્મનીમાં વિશ્વ પુસ્તક મેળામાં સાહિત્ય અકાદમી, દિલ્હી અને નેશનલ બુક ટ્રસ્ટના ઉપક્રમે 5 લેખકોના પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે કવિતા વાચન અને વ્યાખ્યાન કર્યા.

તો સાંસ્કૃતિક કાર્યોમાં : 1998થી આદિવાસી તેમ જ વિમુક્ત, વિચરતી જાતિનો કળામેળો સ્થાપ્યો અને 2017 સુધી ચલાવ્યો, જેમાં આસામ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ , મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ અને ગુજરાતના સેંકડો કલાકારોએ ભાગ લીધો.

2006માં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે દેશની 7 કરોડ વસ્તી એવી વિચરતી જાતિઓની સમસ્યાઓ અને ઉકેલની ભલામણો મેળવવા 7 સભ્યોમાંના એક સભ્ય તરીકે કાર્ય કરી હેવાલ સરકારને સુપ્રત કર્યો.

સાર્ક લિટરરી ફેસ્ટિવલ, દિલ્હી અને આગ્રા તેમ જ કૉમનવેલ્થ સાહિત્ય સંમેલન, દિલ્હી અને રઝા ફાઉન્ડેશન યોજિત વાક્ પોએટ્રી ફેસ્ટિવલ, દિલ્હીનાં આંતરરાષ્ટ્રીય સંમેલનમાં, 20 જેટલાં બહુભાષી રાષ્ટ્રીય મંચો પર કાવ્યપાઠ કર્યા. આદિવાસી અને વિચરતા સમાજોના જીવન અને સાહિત્ય વિષયક રાષ્ટ્રીય પરિસંવાદોમાં ચાવી રૂપ વક્તવ્યો આપ્યાં.

તેમના પ્રદાનને બિરદાવતા 1976માં ‘કોતરની ધાર પર’ને કલકત્તાની નવરોઝ સંસ્થાનો પ્રથમ પુરસ્કાર, 2008માં 'ડેરો'ને ઉત્તમ વાર્તાસંગ્રહનો પુરસ્કાર, 1996માં વાર્તા 'મધપૂડો' માટે રાષ્ટ્રીય સ્તરનો 'કથા ઍવૉર્ડ’, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ધૂમકેતુ પુરસ્કાર વગેરે એનાયત થયા છે.