તેમનો જન્મ 1 સપ્ટેમ્બર, 1934ના રોજ ખેડા જિલ્લાના માતર ગામે પિતા સઆદુદ્દીન અલવી (ધર્મગુરુ હતા) અને માતા ઉમરાવ બેગમને ત્યાં થયો હતો. તેમણે 1953માં એડ્વર્ડ મેમૉરિયલ હાઈસ્કૂલમાંથી મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા પછી 1957થી 1992 સુધી એસ.ટી.માં નોકરી કરી હતી. 1957થી ગુજરાત ટ્રાન્સ્પૉર્ટ કૉર્પોરેશનમાં ઑફિસ સુપરિન્ટેન્ડેટના હોદ્દા પર કાર્ય કર્યું અને 1992માં નિવૃત્ત થયા હતા.
તેમનું અવસાન અમદાવાદના રાયખડ ખાતેના તેમના નિવાસસ્થાને 83 વર્ષની જઈફ વયે 25 જાન્યુઆરી 2018ના રોજ થયું હતું.
ખુદાને પ્રેમથી પડકારતા શાયર જલન માતરી પાસેથી ‘જલન’ ગઝલસંગ્રહ સાહિત્યજગતને મળે છે.
જલનસાહેબે ગુજરાતી ગઝલકારો વિશે લખેલા લઘુલેખ ‘કુમાર’ દ્વારા ‘ઊર્મિની ઓળખ’ 1–2 પ્રગટ થયેલા છે, ‘ઊર્મિનું શિલ્પ’, ‘ઊઘડી આંખ બપોરે રણમાં’ (જીવનકથા) આદિ એમનાં અન્ય પુસ્તક છે.
‘ઊઘડી આંખ બપોરે રણમાં’ આત્મકથાને સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ પારિતોષિક (2005), ગુજરાત સરકાર દ્વારા 2007માં વલી ગુજરાતી ગઝલ ઍવૉર્ડ, વડોદરા સાહિત્ય સભા દ્વારા શ્રેષ્ઠ ગઝલસંગ્રહ ઍવૉર્ડ, શૂન્ય પાલનપુરી સ્મારક ટ્રસ્ટ, પાલનપુર દ્વારા સન્માન (2012) અને નરસિંહ મહેતા ઍવૉર્ડ (2016) આદિ અર્પણ થયા છે.