ઘનશ્યામ રામલાલ ઠક્કરનો જન્મ ખેડા જિલ્લાના નાનકડા ગામ દેથલીમાં થયો હતો, જ્યાં તેમણે જીવનનો પ્રથમ દસકો વિતાવ્યો. ધોરણ પાંચ સુધીનો અભ્યાસ દેથલીમાં, છઠ્ઠું ધોરણ અમદાવાદની સીટી હાઇસ્કુલમાં, ત્યારબાદ દીવાન-બલ્લુભાઈ હાઈસ્કુલ, (પાલડી, અમદાવાદ)માં એસ. એસ. સી., પછી અમદાવાદની સૅન્ટ ઝેવિયર્સ સાયન્સ કૉલેજમાં બે વર્ષ સાયન્સનો અભ્યાસ, એન્જિનિયરિંગ કૉલેજમાંથી બી. ઈ. - ઇલેક્ટ્રિકલની ડિગ્રી, 1973થી અમેરિકામાં વસવાટ અને હ્યુસ્ટન શહેરમાં આવેલા નાસામાં એન્જિનિયર તરીકે પાર્ટટાઈમ નોકરી, 1979માં અમેરિકન એરલાઈન્સમાં પ્રોજેક્ટ મૅનેજર, 1980થી તેમણે સંગીતરચનાઓનું સૃજન કરતા કરતા 1997માં તેમણે બે આલબમ રિલીઝ કર્યા : ‘આસોપાલવની ડાળે’માં તેમનાં લખેલ ગીતો અને ‘ઓ રાજ રે (અવિરત ડાંડિયારાસ).
સંગીતસર્જન ઉપરાંત નિર્માતા, સંગીત નિર્દેશક, ઑરકેસ્ટ્રા અરેન્જર અને બધા જ વાજિંત્રો અને રિધમ સિંથેસાઇઝર પર વગાડવાની જવાબદારી લીધી. શૈશવતાથી જ સાહિત્ય, સંગીત, અભિનય વગેરે કલાઓમાં રસિક હોઈ તેમણે 2006માં ગુજરાતી બ્લોગ ‘ગુજરાતી કવિતા અને સંગીત’, હિન્દી બ્લોગ ‘કલાનિકેતન’ ઉપરાંત તેમની વેબસાઇટના અંગ્રેજી બ્લોગ પણ શરૂ કર્યા.
1968-69નું વર્ષ કદાચ એમના કાવ્યસર્જન અને સંગીતસર્જન ઉભય માટે સૌથી પ્રેરણારૂપ ગણી શકાય. ગુજરાત યુનિવર્સિટી યોજિત પાદપૂર્તિ સ્પર્ધામાં પ્રિયકાન્ત મણિયાર દ્વારા પારિતોષિક મળ્યા બાદ તેમની પ્રેરણાથી કાવ્યસર્જન શરૂ કર્યું. પછી તો કવિતાની લગની લાગી અને છ મહિનામાં તેમનાં કાવ્યો ‘કુમાર’, કવિલોક, કવિતા, નવનીત સમર્પણ વગેરે લગભગ બધાં સામયિકોમાં છપાવા લાગ્યાં. તેમણે ગીત, ગઝલ, છાંદસ તેમજ અછાંદસ સ્વરૂપોમાં આગવું પ્રદાન કરતા તેમજ અનુક્રમે ઉમાશંકર જોશી અને લાભશંકર ઠાકરની પ્રસ્તાવના પામેલ ‘ભૂરી શાહીના કૂવાકાંઠે' (1987) અને ‘જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે' (1993) એમ બે કાવ્યસંગ્રહ આપ્યા છે.
ઉમાશંકરે સાડા છ અને લાભશંકર ઠાકરે સાડા બાર પાનાંની પ્રસ્તાવના લખીને તેમજ ઉમાશંકરે ‘નવો મિજાજ... નવો અવાજ’ તો લાભશંકરે ‘ગુજરાતી કવિતાનો ધ્યાનપાત્ર અવાજ’ કહી જેમના કાવ્યસંગ્રહોને પોખ્યા છે, એવા ઘનશ્યામ ઠક્કર કવિ તરીકે ઘણા ઉપેક્ષિત રહી જવા પામ્યા છે.