Durgesh Shukla Profile & Biography | RekhtaGujarati

દુર્ગેશ શુક્લ

કવિ અને નાટ્યકાર

  • favroite
  • share

દુર્ગેશ શુક્લનો પરિચય

ગુજરાતી ભાષાના નાટ્યકાર અને કવિ દુર્ગેશ શુક્લએ ગાંધીયુગમાં પોતાની સર્જકતાનો વિશિષ્ટ પરિચય આપ્યો હતો. મૂળ વઢવાણના વતની દુર્ગેશ શુક્લનો જન્મ 9 નવેમ્બર, 1911ના રોજ રાણપુરમાં થયો હતો. ભાવનગરમાં જ સ્નાતક થયા. મુંબઈની ગોકળીબાઈ અને પીપલ્સ ઓન સ્કૂલમાં શિક્ષક તરીકે 1938-49 દરમિયાન સેવા આપી. આ બાદમાં તેમણે લેખનને પોતાનો વ્યવસાય બનાવ્યો.

દુર્ગેશ શુક્લએ નાટક અને કવિતા બંનેની વિશિષ્ટ સમજણના આધારે ઉર્વશી અને પુરુરવાના પ્રણયનું પદ્યરૂપક પૃથ્વી છંદમાં ‘ઉર્વશી’(1933)ના નામે લખ્યું. આ પદ્યનાટિકા તત્કાલીન પ્રતિષ્ઠિત વિવેચક બલવંતરાય ઠાકોર અને ડોલરરાય માંકડને પસંદ પડી હતી. ‘અનાદરાનો યાત્રી’ પૃથ્વી છંદમાં રચાયેલી સૉનેટમાળા છે.

તેમના ત્રણ કાવ્યસંગ્રહો ઝંકૃતિ(1949), તટે જુહૂના (1983) અને પર્ણમર્મર (1985) પ્રસિદ્ધ થયા છે. જેમાં ઝંકૃતિમાં શરૂઆતમાં ત્રીસ કાવ્યો ડૉ. અવસરેની રચનાઓના અનુવાદ છે.

વાર્તાસંગ્રહ પૂજાનાં ફૂલ(1934), છાયા(1937), પલ્લવ(1940) અને સજીવન ઝરણાં(1957)માં તેમણે સમાજના દલિતો-વંચિતોની લાગણીઓને રજૂ કરી છે.

‘વિભંગકલા’ (1937) નવલકથામાં તેમણે પ્રેમસંબંધોમાં આવેલી ખરાબ બાબતોને ધ્યાનમાં રાખીને તેની મશ્કરી કરી છે સાથે જ તેમણે પવિત્ર પ્રેમની ચર્ચા કરી છે.

‘પૃથ્વીનાં આંસુ’ (1942), ‘ઉત્સવિકા’ (1949) અને ‘ઉલ્લાસિકા’(1956)માં તેમના એકાંકીઓ લખાયેલા છે. ‘ડોલે છે મંજરી’ (1957), ‘ડોસીમાનું તૂંબડું’ (1957), ‘મૃગાંક’ (1957), ‘છમછમાછમ’ (1957), ‘કલાધામ ગુફાઓ’ (1957) અને ‘શિશુસાહિત્યસૌરભ’ (ભાગ : 1-5, 1965) એ એમની બાલસાહિત્યની પુસ્તિકાઓ છે.

દુર્ગેશ શુક્લ પ્રલંબ નાટકો અને પ્રહસનોથી ખૂબ લોકપ્રિય બન્યા હતા. ‘સુંદરવન’ (1953), ‘પલ્લવી પરણી ગઈ’ (1957), ‘રૂપમ્ પ્રથમમ્’ (1958), ‘રૂપે રંગે રાણી’ (1960), ‘ઊગતી પેઢી’ અને ‘અંતે ઘર ભણી’ (1968)માંથી ઘણાં નાટકો તો મુંબઈમાં જુદા જુદા જૂથો દ્વારા એક સાંજે એકસાથે ત્રણ-ચાર ભજવાતાં હોય એવું પણ બન્યું છે.

‘સુંદરવન’, ‘પલ્લવી’ અને ‘રૂપે રંગે રાણી’ હાસ્યપ્રધાન નાટકો ખૂબ મોટા જનમાનસ સુધી પહોંચ્યા હતા. દુર્ગેશ શુક્લએ જેમ પૃથ્વી છંદમાં ‘ઉર્વશી’ લખીને મોટું પ્રદાન કર્યું તેવું હિંમતભર્યું પ્રદાન ૧૯૫૩માં નૉર્વેના નાટ્યકાર હેન્રિક ઇબ્સનના કાવ્યનાટ્ય ‘પિયર જીન્ટ’નો અનુવાદ કરીને કર્યું. ‘ચંદ્રવદન ચીમનલાલ મહેતા ઍવૉર્ડ, 2004’ એમને નાટ્યસર્જનો માટે એનાયત થયો હતો.