કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને વિવેચક
જન્મ 30 સપ્ટેમ્બર, 1939ના રોજ મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ચંદુલાલ અને શશિકાંતાબેનને ત્યાં થયો. વતન કડી. પ્રાથમિક શિક્ષણ વિજાપુર અને માધ્યમિક શિક્ષણ ધોળકા, અમદાવાદમાં શેઠ હસનઅલી હાઈસ્કૂલમાં. 1954માં મૅટ્રિક. ગુજરાત યુનિવર્સિટીમાંથી 1958માં સ્નાતક, 1960માં એલ. એલ. બી., 1961માં અનુસ્નાતક. 1968માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી પીએચ.ડી., શિક્ષક, અધ્યાપક, સ્ક્રિપ્ટરાઇટર, ફ્રીલાન્સર, ‘રે’મઠ અને આકંઠ સાબરમતી સંલગ્ન, ‘રે’, ‘કૃતિ’, ‘ઉન્મૂલન’, ‘ઓમિસિયસ’ સામયિકોના તંત્રી, ટી.વી. કાર્યક્રમો, દેશ-વિદેશની વર્કશૉપ એમ બહુવિધ ક્ષેત્રે કાર્યરત રહ્યા.ચિનુ મોદી બહુધા પ્રતિભાસંપન્ન સાહિત્યકાર છે. ‘વાતાયન’, ‘ઊર્ણનાભ’, ‘શાપિત વનમાં’, ‘દેશવટો’, ‘ક્ષણોના મહેલમાં’, ‘દર્પણની ગલી’, ‘ઇર્શાદગઢ’, ‘બાહુક’, ‘અફવા’, ‘ઇનાયત’, ‘પર્વતને નામે પથ્થર’, ‘સૈયર’ જેવા કાવ્યસંગ્રહો. ‘શૈલા મજમુદાર’, ‘ભાવચક્ર’, ‘લીલા નાગ’, ‘હૅંગ ઓવર’, ‘ભાવ અભાવ’, ‘પહેલા વરસાદનો છાંટો’, ‘કાળો અંગ્રેજ’, ‘માણસ હોવાની મને ચીડ’, ‘પીછો’, ‘પડછાયાનો માણસ’ આદિ નવલકથા. ‘મેઇક બિલીવ’, ‘ડાયલનાં પંખી’, ‘કોલબેલ’, ‘હુકમ માલિક’, ‘રાજા મિડાસ’, ‘જાલકા’, ‘અશ્વમેધ’, ‘ખલીફાનો વેશ યાની ઔરંગઝેબ’, ‘ઔરંગઝેબ અને નૈષધરાય’, ‘નવલશા હીરજી’, ‘શુકદાન’, ‘અખો’ આદિ નાટકો. ‘ડાબી મૂઠી, જમણી મૂઠી’, ‘છલાંગ’ નામે વાર્તાસંગ્રહ. ‘કૃષ્ણલાલ શ્રીધરાણી’ ચરિત્ર. ‘ગુજરાતી પ્રતિનિધિ ગઝલો’, ‘ચઢો રે શિખર રાજા રામના’, ‘ગમી તે ગઝલ’, ‘સુખનવર’, ‘સ્વાતંત્ર્યસંગ્રામનાં એકાંકી’ જેવાં સંપાદન. ‘મારા સમકાલીન કવિઓ’, ‘બે દાયકા : ચાર કવિઓ’, ‘ખંડકાવ્ય સ્વરૂપ અને વિકાસ’ વિવેચન. ‘વસંતવિલાસ’નો અનુવાદ. સતીશ વ્યાસ સાથે ‘કલશોર ભરેલું વૃક્ષ’. સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, વલી ગુજરાતી ઍવૉર્ડ, કલાપી ઍવૉર્ડ, નરસિંહ મહેતા પુરસ્કાર, ગૌરવ પુરસ્કાર વગેરેથી તેમને નવાજવામાં આવ્યા છે.