ભાનુપ્રસાદ પંડ્યાનો પરિચય
-
જન્મ -24 એપ્રિલ 1932
-
અવસાન -09 એપ્રિલ 2022
તેમનો જન્મ 24 એપ્રિલ, 1932ના રોજ ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ મૂળશંકર પંડ્યા અને શિવકુંવરબહેન પંડ્યાને ત્યાં અમરેલી જિલ્લાના તોરી ગામમાં થયો હતો. વતન અમરેલી જિલ્લાનું તરવડા ગામ. શાળાકીય શિક્ષણ અમરેલીમાં પૂર્ણ કર્યું. પિતા શાળાના શિક્ષક અને આચાર્ય હોઈ બાળવયથી તેમનામાં સાહિત્યિક સંસ્કારનું સિંચન થયું. 1954માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને ગાયકવાડ સરકારની સ્કોલરશીપ પણ મેળવી, 1958માં બી.એ.માં ગુજરાતી અને મનોવિજ્ઞાન વિષયો સાથે સૌપ્રથમ બહાઉદઉદ્દીન કોલેજમાં એડમીશન લીધું અને ત્યારબાદ રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં એમના વિદ્યાગુરુ ઉપેન્દ્રભાઈ છ.પંડ્યા પાસે તૈયાર થઈ એમણે ભાષાકીય સજ્જતા કેળવી. 1960માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયન અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો.
ગોંડલની સંગ્રામસિંહજી હાઇસ્કૂલમાં ટૂંકા ગાળા માટે શિક્ષક તરીકે જોડાયા. 1961માં અમરેલીની પ્રતાપરાય કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા, એ બાદ 1967માં ધંધુકા કોલેજમાં રીડર તરીકે અને 1969માં રાજકોટમાં શ્રી જે જે કુંડલીયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની સ્થાપના થતાં પ્રથમ વર્ષથી વાઈસ પ્રિન્સિપાલ તરીકે જોડાયા. 1978માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાસાહિત્ય ભવનમાં રીડર તરીકે જોડાયા. એમણે ‘1950થી 60ના દાયકાની મનોવૈજ્ઞાનિક નવલકથા’ વિષય પર અનંતરાય રાવળના માર્ગદર્શન હેઠળ પીએચ. ડી ની પદવી પ્રાપ્ત કરી. ગુજરાતી ભાષાસાહિત્ય ભવન સૌરાષ્ટ્રમાંથી પ્રોફેસર તરીકે 1992માં સેવા નિવૃત્ત થયા.
તેમના કાવ્યસંગ્રહોમાં ‘અડોઅડ’ (1972), ‘ઓતપ્રોત’ (1987), ‘શબ્દે કોર્યા શિલ્પ’ (1999), ‘ક્ષણ સમીપે ક્ષણ દૂર દૂર’ (2003) અને ‘શબ્દના અંતરપટે’ (2012), ‘શિલ્પ અને સર્જન’ આદિનો સમાવેશ થાય છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ 2019માં ‘શબ્દે કોર્યા શિલ્પ’ શીર્ષક હેઠળ તેમની સંપૂર્ણ કવિતાઓ પ્રકાશિત કરી હતી. તેમની ‘કલરવની દુનિયા’ રચના સંખ્યાબંધ અંધજન શાળાઓમાં પ્રાર્થના તરીકે આજે પણ ગવાય છે.
તેમની વિવેચન કૃતિઓમાં ‘પ્રત્યુદ્ગાર’ (1978), ‘ઇતરોદ્ગાર’ (1981), ‘સોનેટ: શિલ્પ અને સર્જન’ (1981), ‘અનુસ્પંદ’ (1987), ‘અનુસંવિદ’ (1987), ‘અનુચર્વણા’ (1989), ‘સમાલોક’ (1991), ‘મનોવૈજ્ઞાનિક નવલકથા: સ્વરુપ અને વિકાસ’ (2001), ‘અનુસંકેત’ (2003), ‘સમપ્રતીતિ’ (2010), અને ‘ઉભયાન્વયી’ (2015)નો સમાવેશ થાય છે. જેમાં ભારતીય કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો અને સંજ્ઞાઓની ભૂમિકાએ સમીક્ષા તથા સાહિત્યની કૃતિઓનો આસ્વાદલક્ષી અભ્યાસ તથા સ્વરૂપલક્ષી અને કૃતિલક્ષી વિવેચના છે.
‘સુરખીભર્યો રવિમૃદુ’ (1986), ‘ગ્રામકાવ્યો’, ‘લીલીછમ ઝંખનાનાં રૂપ’ (1990) તથા ‘ગુજરાતી કવિતાચયન 2001’ (2003) એમનાં કાવ્યસંપાદનો છે. ‘ગાંધીસ્મૃતિગ્રંથ’(1969)ના સંપાદક તરીકે તેમણે કાર્ય કરેલ છે. ‘પારિજાત’ ભાગ 1-2 (1970) લોકકથાઓનું સંપાદન છે. ‘કુદરતનો જયજયકાર’ સંગીતરૂપકનું પુસ્તક છે. સ્વામી વિવેકાનંદનાં અંગ્રેજી કાવ્યોનો પદ્યાનુવાદ ‘સ્વામી વિવેકાનંદનાં કાવ્યો’ (1978) રૂપે મળે છે. ‘મનોવૈજ્ઞાનિક નવલકથા (સ્વરૂપ, પ્રયોગો અને સિદ્ધિ)’ (2001) તેમનો લઘુસ્વાધ્યાયગ્રંથ છે.
સાહિત્યિક યોગદાન માટે તેમને કુમાર સુવર્ણ ચંદ્રક (1969), ‘અડોઅડ’ કાવ્યસંગ્રહને ગુજરાત રાજ્યનું પારિતોષિક (1972), નરસિંહ મહેતા એવોર્ડ (2011), કવિશ્વર દલપતરામ એવોર્ડ (2011) અને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક (2014) પ્રાપ્ત થયા હતા