જાણીતા સંગીતકાર, કવિ અને નૃત્ય-નાટિકાઓના લેખક અવિનાશ વ્યાસનો જન્મ 21 જુલાઈ, 1911ના રોજ થયો હતો. પિતા આનંદરાય અને માતા મણિબહેન. અમદાવાદની પ્રોપ્રાયટરી હાઇસ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. ‘મા, તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ તેમની ખૂબ પ્રસિદ્ધ રચના છે. પિતાજીના અવસાન સમયે તેમણે ‘ખોવાયા ને ખોળવા, દ્યો નયન અમને…’ ગીત લખેલું. અમદાવાદમાં ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ કરીને મુંબઈ જઈ સુગમસંગીત અને ફિલ્મસંગીત ક્ષેત્રે સ્વરનિયોજક તરીકેની લાંબી કારકિર્દી બનાવી. તેમનું અવસાન મુંબઈમાં 20 ઑગસ્ટ, 1984ના રોજ થયું હતું.
અવિનાશ વ્યાસે 500થી વધારે ગીતો અને 34 નૃત્ય-નાટિકાઓ લખી છે. તેમની રચનાઓ ‘દૂધગંગા’ (1944), ‘સથવારો’ (1952), ‘ગીતનગર’ (1965) અને ‘વર્તુળ’(1983)માં સંગ્રહ પામેલી છે.
તેમની ‘મીરાંબાઈ’, ‘વૈષ્ણવજન’, ‘આમ્રપાલી’, ‘ભૂખ’ અને ‘કાળભૈરવ’ જેવી નૃત્ય-નાટિકાઓ ‘મેંદીનાં પાન’ (1947) નામના સંગ્રહમાં છે. તેમણે લખેલાં નાટકો અને એકાંકીમાં ‘સ્થાનભ્રષ્ટ’ (1933) નોંધપાત્ર છે. આ ઉપરાંત ‘રાખનાં રમકડાં’ (1952) અને ‘અર્વાચીના’(ધનસુખલાલ મહેતા સાથે, 1947)માં એમનાં નાટકો-એકાંકી છે.
તેમણે અનેક ગુજરાતી રાસ-ગરબાઓને લખી સ્વરબદ્ધ કરીને રેકૉર્ડ કર્યાં. અમદાવાદમાં એમેચ્યોર ક્લબના સભ્ય બનીને નાટ્યકાર પ્રફુલ્લ દેસાઈ, અભિનયકારો પ્રદ્યુમ્ન મહેતા, બિપિન મહેતા અને પ્રદ્યુમ્ન ભટ્ટ સાથે ભૂમિકા પણ ભજવી હતી.
અવિનાશ વ્યાસે આઝાદીની ચળવળ દરમિયાન દેશદાઝનાં ગીતો લખ્યાં અને તેને સ્વરબદ્ધ કરી ગવડાવ્યાં. ‘જોજે જવાન રંગ જાયે ના’ અને ‘ધરતી ક્યાં સુધી ધીર ધરતી’ જેવાં ગીતો લોકગીતો બનીને જનમાનસ સુધી પહોંચ્યાં. દાંડીકૂચમાં ભાગ લીધા બાદ તેઓ મુંબઈમાં સ્થાયી થયા હતા. આઝાદીની ચળવળ દરમિયાન જેલમાં પણ ગયા હતા.
મૉસ્કોના ‘57ના ઉત્સવમાં એમના ગરબાને ઇનામ મળ્યું હતું. તેમનાં ગીતો પર વિદેશીઓને નાચતા જોઈને તેમને લંડન બોલાવાયા હતા. તેમણે ભારત સરકારના વિદેશમાં યોજાયેલા અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આકાશવાણી પરથી 1951માં ગીત-સંગીત-રૂપકો સાથે ‘આ માસના ગીત’ની શ્રેણી રજૂ કરી હતી. ભારતીય વિદ્યાભવન તરફથી આ શ્રેણીમાં નવાં નવ-દસ ગીતો રજૂ થયાં જેણે ગુજરાતના સુગમ સંગીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. ગુજરાતી ફિલ્મમાં ‘ગુણસુંદરી’, ‘મંગળફેરા’થી એમણે ગીતસંગીતની નવી કેડી સર્જી. અવિનાશ વ્યાસને 1969માં ‘પદ્મશ્રી’ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને 1983માં તેમને સંગીત-નૃત્ય-નાટક અકાદમી ગૌરવ પુરસ્કાર મળ્યો હતો.