અશોકપુરી ગોસ્વામીનો જન્મ 17 ઑગસ્ટ 1947ના રોજ આણંદ જિલ્લાના બોરસદ ખાતે કૈલાસભારતી/હીરાપુરી અને કમલાબહેનને ત્યાં થયો. પેટલાદ નજીકનું આશી ગામ તેમનું વતન. આણંદના નાવલી ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, 1964માં નાવલીની બી.એમ.પટેલ હાઇસ્કૂલથી એસ.એસ.સી., સ્નાતક થયા પછી વી.પી. કૉલેજ, સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી બી.એસ.સી.નો આરંભેલો અભ્યાસ નબળી આર્થિક સ્થિતિને કારણે અધૂરો રહ્યો અને પોતાના જ ગામમાં ખેતી શરૂ કરી. બિન-નિવાસી ભારતીયો માટે સાહિત્યિક સામયિક ‘સેતુ’ (2003) અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલા અધિવેશન પ્રસંગે ચરોતર વિદ્યામંડળ દ્વારા પ્રકાશિત ‘રૂપલબ્ધિ’ (2005)નું પણ સંપાદન કર્યું. અખિલ ભારતીય સાહિત્ય પરિષદના વલ્લભવિદ્યાનગ૨ એકમના ઉપાધ્યક્ષ અને પ્રમોદકુમાર પટેલ સ્મૃતિનિધિના કારોબારી સભ્ય તરીકે તેમજ આશી ગામના કેળવણી મંડળના સભ્ય તરીકે પણ તેમણે કામ કર્યું છે.
નાની વયે આરંભેલી કવિતા સર્જનપ્રવૃત્તિ થકી તેમના સાહિત્યસર્જનની શરૂઆત થઈ. એમની પાસેથી ‘અર્થાત્ ’(1990) અને ‘કલિંગ’ (૨૦૦૫) ‘તસલ્લી’ નામે ગઝલસંગ્રહો, ‘મૂળ’ (1990), ‘કૂવો’ (1994), ‘નીંભાડો’ (1995), ‘વેધ’ (1999) ‘અમે’ (2015), ‘ગજરા’, ‘જૂઠી’, ‘સાધો’ જેવી નવલકથા, ‘જીવતી જણસ’ નામે સ્મરણકથા, ‘રવરવાટ’ (1994) નામે આત્મકથા, ‘વાત આમ છે’ નામક વાર્તાસંગ્રહ, ‘વીણેલાં મોતી’ (1995) નામે વાર્તાસંગ્રહનું સંપાદન અને ‘ખંડ ખંડ અગ્નિ’ (દિલીપ રમેશના હિન્દી નાટકનો અનુવાદ) નામે ભાષાંતર મળી આવે છે. તેમની કૃતિઓના હિંદી અને મરાઠીમાં અનુવાદ થયા છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1997માં ‘કૂવો’ (1994) નવલકથા માટે દિલ્હી સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી ઍવૉર્ડ તેમજ ઘનશ્યામદાસ શરાફ ઈનામ, ‘નીંભાડો’ (1995) નવલકથાને 1995માં ગોવર્ધનરામ ત્રિપાઠી ઍવૉર્ડ અને 1996માં એ જ નવલકથા માટે ગુજરાત સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર આદિ પુરસ્કાર મળ્યા છે.