નાટકકાર, નવલકથાકાર, અભિનેતા, દિગ્દર્શક, ધંધાદારી રંગભૂમિના ગીતલેખક અને સંગીતવિશારદ.
‘શિવશંભુ શર્માનો ચિકો’ ઉપનામધારી આ સર્જકનો જન્મ 14 એપ્રિલ 1877ના રોજ અમદાવાદમાં થયો હતો. અમદાવાદમાં અનુક્રમે દરિયાપુર અને કાલુપુરની શાળામાં ગુજરાતી બે ધોરણ અને ઉર્દૂ બે ધોરણ એમ ચાર ધોરણ સુધીનો અલ્પ અભ્યાસ પામેલા તેમણે 1888માં આલ્ફ્રેડ નાટક મંડળીમાં અગિયાર વર્ષની વયે નટજીવનનો પ્રારંભ કર્યો. આ નાટકમંડળીના ‘ગામડાની ગોરી’ નાટકમાં તેમજ ‘બીમારે બુલબુલ’માં વિવિધ ભૂમિકા ભજવેલી. પછીથી નવી આલ્ફ્રેડ નાટકમંડળીમાં સહાયક દિગ્દર્શક હોવાની સાથે પારસી નાટક મંડળીમાં તેઓ નટ, સહાયક દિગ્દર્શક તરીકે કામ કરતા હતા. શેક્સપિયરનાં નાટકોને હિંદી રંગમંચ પર ઉર્દૂ ભાષામાં ઉતારવાની પરંપરાની તેઓ પહેલ કરનાર તેમજ ધંધાદારી રંગભૂમિના ગીતલેખક અને સંગીતવિશારદ હતા. તેમના દિગ્દર્શનમાં ‘ખૂને નાહક’ નાટકનું સફળતાપૂર્વક મંચન થયેલું. આ પછી ‘બજમે ફાની’ (‘રોમિયો ઍન્ડ જુલિયટ’નું રૂપાંતર), ‘મુરિદે શક’ (‘વિન્ટર્સ ટેલ’નું રૂપાંતર), ‘શહીદે નાઝ’ (‘મેઝર ફૉર મેઝર’નું રૂપાંતર) ઇત્યાદિ ઉર્દૂ નાટકોનું સફળતાપૂર્વક દિગ્દર્શન કર્યું. શેક્સપિયરના નાટક ‘સિમ્બલીન’નો હિંદી અનુવાદ ‘મીઠા ઝહર’ તખ્તા ઉપર રજૂ કર્યો. તેમણે ઘણાં નાટકોમાં સ્ત્રી અને પુરુષ ઉભય ભૂમિકા સફળતાપૂર્વક ભજવેલી. ત્રણ દાયકા જેટલું આયખું પસાર કરી 18 જુલાઈ 1906ના રોજ તેઓ મુંબઈમાં અવસાન પામ્યા.
એમની પાસેથી ‘ભારતદુર્દશા નાટક’ (1909) અને ‘કન્યાવિક્રયનો કહેર’ નામક નાટક, ‘એમ.એ. બનાકે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી’ (1908), ‘મરિયમ’, ‘નાદીરશાહ’ (અપૂર્ણ ઐતિહાસિક નવલકથા) આદિ નવલકથા, આ ઉપરાંત ‘સંસ્કૃત અને ફારસી ભાષાનો પરસ્પર સંબંધ’ (અપૂર્ણ), ‘પ્રાણપરિવર્તન’ (ગુજરાતી ઉપરથી હિંદીમાં અનુવાદ) અને ‘શિવશંભુ શર્માના ચિઠ્ઠા’ (રાજકીય કટાક્ષો) વગેરે કૃતિઓ મળી આવે છે.