kammar kasi chhe - Nazms | RekhtaGujarati

કમ્મર કસી છે

kammar kasi chhe

મધુકર રાંદેરિયા મધુકર રાંદેરિયા
કમ્મર કસી છે
મધુકર રાંદેરિયા

ચલો આજ, ભૈયા, ઉઠાવી લો લંગર,

સમંદરની અંદર ઝુકાવી દો કિસ્તી;

સલામત કિનારાના ભયને તજી દો,

તુફાનોને કહી દો કે કમ્મર કસી છે.

મુહબ્બતની અડિયલ વાતો જવા દો,

મુહબ્બતનાં દમિયલ ગીતો જવા દો;

જગતને જગાડી દો રીતથી કે,

કલેવરને કણકણ જુવાની વસી છે.

અમારા ચમનમાં સુમન ખીલતાં ના,

રખેવાળી કંટકની હરદમ કરી છે.

અમે તો પડ્યા પાનખરને પનારે,

નકામી-નકામી વસંતો હસી છે.

અમારે નથી ચાંદ-ની સાથે નિસ્બત,

અમારે રૂકાવટ વિના ચાલવું છે;

અમારી છે યાત્રા સળગતી ધરા પર,

દિવસભર જે સૂરજની લૂથી રસી છે.

અમે સિંધુડાને સૂરે ઘૂમનારા,

અમે શંખનાદો કરી ઝૂઝનારા;

મધુરી છેડો બંસીની તાનો,

અમોને નાગણની માફક ડસી છે.

હસીનોને હાથે અમૃત પાશો,

અમોને ખપે ના મુલાયમ નશો એ;

અમે કાલકૂટોને ઘોળીને પીશું,

અમારીયે શક્તિઓ શંકર જશી છે.

અમે દુઃખ ને દર્દ કાતિલ સહ્યાં છે,

ભરી આહ ઠંડી ને નિઃશ્વાસ ઊના;

જીવનમાં હતી કાલ જો ગમની રેખા,

મરણ સામને આજ મુખ પર હંસી છે.

તુફાનોને કહી દો કે કમ્મર કસી છે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 174)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4