દર્દ પર નઝમ
દુઃખના બે પ્રકાર છે
: શારીરિક અને માનસિક. અન્ય બે પ્રકાર છે : આંતરિક અને બાહ્ય. વ્યાધિ, અકસ્માતથી કે કોઈ પણ રીતે થયેલ ઈજા એ શારીરિક દુઃખ થયાં. અને ઈર્ષ્યા, અહંકાર ઘવાતા, અપમાન થતાં, ધારેલું ન થતાં, અવગણના કે અવહેલના થતાં, કે સ્વજન વિરહથી થતાં દુઃખ માનસિક કહી શકાય. જ્યારે મન નબળું હોય, આત્મવિશ્વાસનો અભાવ હોય કે શંકા–કુશંકાઓમાં માણસ ગૂંચવાતો હોય ત્યારે થતાં દુઃખ આંતરિક કહી શકાય. બીજા શબ્દોમાં એવા દુઃખ જે વ્યક્તિએ પોતે સર્જ્યા છે એ. અને જે દુઃખ અન્ય થકી મળે એ બાહ્ય. દુઃખની માત્રા અનુસાર વ્યક્તિ પર તેની અસર પડે છે. હતાશ થઈ જાય, ભાંગી પડે, રડી પડે, પથારીવશ થઈ જાય અને અશબ્દ થઈ જવાથી માંડીને આત્મહત્યા કરી નાખે વગેરે જેવું દુઃખ અને જેવું દુઃખનું ઊંડાણ. દુઃખની અસરમાં માણસ કંઈનું કંઈ કરી બેસે, અબોલા લઈ લે, મૌન થઈ જાય, એકાંતમાં ખોવાઈ જાય, ઘર કે શહેર કે દેશ અને કોઈ વાર આ દુનિયા છોડી દે. દુઃખને કારણે વિવાદથી માંડીને સામેવાળાની હત્યા કરી નાખવા સુધીનું કંઈ પણ થઈ શકે. આ બધી જ પ્રતિક્રિયાઓ કવિતા અને કથા માટે સશકત બીજ છે. સામાન્યપણે મોટાભાગની વાતોને સુખ અને દુઃખ જેવા બે વિભાગોમાં વહેંચી શકાય છે અને કળાને દુઃખની અભિવ્યક્તિ વધુ આકર્ષે છે. દુઃખ તત્ત્વજ્ઞાન તરફ પણ લઈ જાય છે, રાજેન્દ્ર શાહની પ્રખ્યાત કવિતાની પંક્તિ જુઓ : ભારનુ વાહન કોણ બની રહે? નહીં અલૂણનું કામ, આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન; સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર. ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર? (આપણા તે દુઃખનું કેટલું જોર/ રાજેન્દ્ર શાહ) રાવજી પટેલની નવલકથા ‘અશ્રુઘર’માં નાયક સત્ય મરણ પથારીએ છે અને એ પોતાની વિધવા થનારી પત્નીની આગામી એકલતાથી દુઃખી છે, જુઓ આ અંશ : “સામેના જાળિયામાં એક અજાણ્યું કબૂતર બેઠું હતું. અજાણ્યું એટલા માટે કે તે શ્વેત હતું. આવું કબૂતર અહીં પહેલી જ વખત આવ્યું હોઈ સત્યે ખૂબ ધ્યાનથી જોયું. બિચારાની એક પાંખ ઘવાઈ હતી. તિવારીની ગોફણનો તો પ્રતાપ નહીં હોય? એની પાંખ હમણાં ખરી પડશે એમ લબડતી હતી. સત્યની દૃષ્ટિ લલિતાના મોં પ૨ ગઈ. એ વાંચતી હતી. આજે તે મજામાં હતી. આજે નહીં અત્યારે, હા, અત્યારે તે ખુશમિજાજમાં હોય એમ લાગતી હતી. પાછું એણે ઘવાયેલા કબૂતર ભણી જોયું. આવતી કાલે એ એક – પાંખાળું જઈ જશે. એક પાંખે તે કેટલુંક ઊડી શકશે? અત્યારે તો બિચારું થઈને સેનેટોરિયમ જાળિયામાં બેઠું છે. એને એની કબૂતરી હશે? પણ એ જ પોતે કબૂતરી હોય તો? તો એને પોતાનો કબૂત૨ હશે? હોય તો એ સાથે કેમ નથી? કદાચ તે વિધવા...” ( અશ્રુઘર/ પ્રકરણ–૩/ રાવજી પટેલ) વીનેશ અંતાણીની વાર્તા ‘સત્તાવીશ વર્ષની છોકરી’માં પુરુષ સાથે સંબંધ બાંધ્યા પછી પણ નાયિકા એકલતા, જુદાપણું અનુભવે છે, કેમકે એણે એક વિવાહિત પુરુષ સાથે સંબંધ બાંધ્યો છે જે હૂંફ આપે છે, પરંતુ સ્થાયીપણે નહીં. પોતાના પરિવાર સાથે જોડાયેલો એ પુરુષ અચાનક નાયિકા માટે દૂરનો કોઈ ટાપુ બની જાય છે અને નાયિકા એકલા પડી ગયાના ભાવથી પીડાય છે : “બારીના કાચ સાથે નાક દબાવીને ઊભી રહેલી છોકરીને થયું કે એ બધાં નાનાં નાનાં બહાનાં હતાં અને નાનાં નાનાં તકલાદી આશ્વાસનો હતાં. એ ઊભી હતી તેની પાછળ પુરુષના ઘરના કમરા આવેલા હતા. બધા કમરામાં અંધકાર હતો. માત્ર એક બેડરૂમમાંથી પ્રકાશ બહાર ડોકાતો હતો. રસોડા પાસે આવેલી કોરીડોરમાં અજવાળાનો એક પટ્ટો દેખાતો હતો. બારીના કાચમાંથી બહા૨નો વરંડો, અંધકારમાં છુપાયેલી ઝાડીઓ, બંધ ફાટક, સાઇકલ દેખાઈ રહ્યાં હતાં. એ બહા૨નું જગત હતું અને છોકરી એ જગતમાં વસતી હતી. (સત્તાવીશ વર્ષની છોકરી/ વીનેશ અંતાણી) આમ દુઃખની મોટી અને નાટ્યાત્મક અસરો તો હોય જ છે પણ સૂક્ષ્મ, માણસને ધીમે ધીમે હણતી, ધીમી ગતિએ શોષતા રોગ જેવી પણ અસર હોય છે. જે સાહિત્યમાં રજૂ થતી રહી છે.