kantni gajhal upar “shahbajh”ni tajhmin - Nazms | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાન્તની ગઝલ ઉપર “શાહબાઝ”ની તઝમીન

kantni gajhal upar “shahbajh”ni tajhmin

અનંતરાય ઠક્કર 'શાહબાઝ' અનંતરાય ઠક્કર 'શાહબાઝ'
કાન્તની ગઝલ ઉપર “શાહબાઝ”ની તઝમીન
અનંતરાય ઠક્કર 'શાહબાઝ'

ઊગી ચંદા વળી પાછી, હજુ રૂપ એનું છે કે?

ખરંતા તારલાનાં અશ્રુએ નભથી ચૂએ છે કે?

અને નિજ પાલવે ચંદા સ્વયં એને લૂએ છે કે?

તને હું જોઉં છું ચંદા, કહે, તે જુએ છે કે?

અને આંખની માફક, કહે, એની રુએ છે કે?

ખીલી સંધ્યા મહીં કો' વસ્ત્રનું પ્રતિબિમ્બ જોવાને,

સિતારા-ગુચ્છમાં કો' ચિત્રનું પ્રતિબિમ્બ જોવાને,

ભર્યાં નભ માંહી ઉરતંત્રનું પ્રતિબિમ્બ જોવાને,

અને તવ નેત્રમાં નેત્રનું પ્રતિબિમ્બ જોવાને,

વખત હું ખોઉં છું એવો શું, કહે, તેયે ખુએ છે કે?

ઊઘડતી પ્રેમ-પાંખો પર અમે ઊડેલ સાથે તે,

અને આકાશગંગા પાર જઈ ભટકેલ સાથે તે,

અને ઉદ્યાનનાં પુષ્પો અમે વીણેલ સાથે તે,

સખિ! હું તો તને જોતાં અમે જોયેલ સાથે તે

સ્મરતાં ના શકું સૂઈ, કહે, સાથી સૂએ છે કે?

બન્યું મારું બિછાનું તો ધરા પર શુષ્ક પર્ણોમાં,

ઝૂકેલું શિર સદા મારું રહ્યું માશૂક-ચરણોમાં,

કરું છું સ્નાન હું તારાં રચ્યાં સ્નિગ્ધ ઝરણોમાં,

સલૂણી સુન્દરી સંધ્યા, ધરી તવ સ્વચ્છ કિરણોમાં

હૃદયનાં ધોઉં છું પડ હું, કહે, તેયે ધુએ છે કે?

સ્રોત

  • પુસ્તક : પાલવકિનારી (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સર્જક : અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’
  • પ્રકાશક : યશવંત દોશી
  • વર્ષ : 1960