koine kani puchhawun chhe? - Mukta Padya | RekhtaGujarati

કોઈને કંઈ પૂછવું છે?

koine kani puchhawun chhe?

હસમુખ પાઠક હસમુખ પાઠક
કોઈને કંઈ પૂછવું છે?
હસમુખ પાઠક

મંદ વેગે ચાલતો

(તેથી તો ચાબુકના ફટકારથી)

દોરાઈ ને, બપ્પોરમાં

ઉત્તર થકી દક્ષિણ જતા રસ્તા ઉપર

નંબર લગાવેલો જતો પાડો;

અને ત્યાં કાટખૂણે, છેક આડા

પૂર્વથી પશ્ચિમ જતા આસ્ફાલ્ટના રસ્તા ઉપર

ચિક્કાર બસ (માં માણસો માટે હવે જગ્યા નથી!)

ચાલી જતી પૂરજોશમાં ધૂંધવાઈને!—

ને ક્રૉસ પર જે થાય છે તે થઈ ગયું.

લોહીના ખાબોચિયામાં માંસના લચકા

અને બે શીંગના ટુકડા-

(બધું ભેગું કરીને સાંધવા મથતી નજર)–ને

ફાટી આંખે શૂન્યમાં જોતો હવે ડચકાં ભરે!

(યમરાજ પણ છેવટ, પછી, આવ્યા ખરેખર!)

ખાલ મુડદાની (અહીંથી લઈ જઈ આઘે)

ઉતરડે ના ઉતરડે ત્યાં સુધીમાં

ગરમ આબોહવામાં લોહી તો જલદી સુકાયું.

બસ (ફરી ચિક્કાર; ચ્હેરા છે નવા)

પાછી વળી પશ્ચિમથી પૂરવેગમાં

એક ડાઘો રહ્યો,

એના વિષે, ક્હો

કોઈને કંઈ પૂછવું છે?

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 180)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004