કલાપી
Kalapi
તારી દિસે ચપલ નેત્રની જ્યોતિ, બાપુ,
કીકી ભરી રમતિયાળ હજાર ભાવે :
તારાં સહુ ઉઘડતાં ફૂલ શાં સુઅંગો;
આ બાલવૃંદ મહીં કાંઈ જુદાં જ ભાસે!
શોધી રહ્યો નવીન કાંઈ સ્થલે સ્થલે તું,
ને ખેલમાં મચી રહ્યો વળી પૂર્ણ હર્ષે;
તું સર્વ જ્યાં અટકતાં કૂદી જાય સ્હેજે,
ના કાંઈ જોખમ તને નજરે પડે છે!
કેડી પરે વન મહીં સહુ બાલ ખેલે,
ક્યાંયે તું તો ઘૂસી જતો વનમાંહી દૂરે!
વૃક્ષે ચડી ઝરણ એ વહેતું જુએ છે,
ને ત્યાંય કાંઈ નિરખી મશગૂલ રહે છે!
જો એ જ માર્ગ તુજ જિંદગીનો ગ્રહે તું,
કેડી મૂકી ભટકવા તું યથેચ્છ ઇચ્છે;
જ્યાં જે જડે ડૂબી જવું જ તહીં તું ધારે,
તો સાવધાની બહુ રાખવી, ભાઈ! તારે.
છૂટું મૂકેલ દિલ જો કબજે રહે ના;
તો પક્ષી પિંજર બહાર ન કાઢજે તું;
એ પંખીડું અજબ છે બહુરંગધારી,
ને પાંખ તીવ્ર બહુ છે નભમાં વિહારી.
કૈં મેઘમાલ તરવા ગિરિપાર ઊડે!
ને સિન્ધુ-ઊર્મિ મહીં ડૂબકી દે ડૂબીને;
ક્યાં એ પડે નિડર પારધિજાલ માંહીં,
ને તોડી એ ઊડી જતું વળી ક્યાંહીં ક્યાંહીં.
દેખ્યું સદા પણ નવીન જ દેખશે તું;
આ દૃષ્ટિ બાલ તણી વૃદ્ધ થતાં ન જાશે;
સૌન્દર્ય નગ્ન થઈ સૌ તુજ પાસ રહેશે,
સૌન્દર્ય સર્વ સ્થલમાં તુજ નેત્ર જોશે.
તુંને અરે, હૃદય આવું જ છે મળેલું,
તો રાખજે દૃઢ લગામ સદા કરે તું;
છે એક બાજુ દુનિયા સઘળી હઠીલી,
ને એકલો કવિ રહીશ તું એક બાજુ!
છે મિત્ર તું જગત સર્વ તણો થવાનો,
ના લાગવા જગતનો પણ પાસ દેવો;
એ ખેંચશે રિબવશે રિપુ માની તુંને,
તોયે નિભાવ તુજ મૈત્રી સદા સુપ્રેમે!
આ ક્ષારસિંધુ મહીં શોધક મોતીનો તું,
દોરી વિના ઉદધિને તળિયે જવાનું;
ત્યાં મચ્છ સિંધુ મહીં વ્હાણ ગળી જનારા,
તોફાન ગિરિમૂલનેય ઉખેડનારાં!
તે રાક્ષસોની ઉપરે પ્રીતિ રાખવાની,
તે રાક્ષસોની સહ સાચવ દૈવી અંશ;
છે યુદ્ધ તે જગવવું : પણ પ્રેમ રાખી
લોહી લીધા વગર લોહી દઈ જ દેવું!
દોરાઈ છે વળી જવું કંઈ તાંતણાથી,
આજ્ઞા થતાં કુદરતી કહી 'ના' શકે ના;
જેને જનો જગતમાં નબળાઈ કહેતાં,
તેમાં જ છે તુજ થવું પુરુષાર્થ, વ્હાલા!
જે માર્ગથી જગત આ પડી જાય નીચે,
તે માર્ગથી જ જગને લઈ જાવું ઊંચે;
જે સર્વ નબળાઈ મહીં તું ગાશે,
તે ગીતથી જ જગની નબળાઈ જાશે!
તાકાત હોય કરવા સહુ સાહસો આ,
જો મૃત્યુ પાછળય રાખી શકે તું આશા;
તો કેડી છોડી નવી કેડી તું ખેડતો છો,
જા તું ફરી જગતના ક્રમમાં નહીં તો.
સ્રોત
- પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 61)
- સંપાદક : અનંતરાય મ. રાવળ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
- વર્ષ : 2004
