ansuni dhaar - Lokgeeto | RekhtaGujarati

આંસુની ધાર

ansuni dhaar

આંસુની ધાર

તમે સુણો ગોપી, મથુરામાં મારાં મા ને બાપ છે;

મન વિચારીને જોઉં તો મારો પૂરણ સંતાપ છે.

જાણું મામે કંસે શું વેર કીધાં,

મારી માતાને મેં વચન દીધાં;

તમે સુણો ગોપી, મથુરામાં મારાં મા ને બાપ છે,

મન વિચારી જોઉં તો મારે પૂરણ સંતાપ છે.

બાલકને શીલા પર માર્યાં,

મારાં માબાપને કારાગૃહમાં પૂર્યાં;

તમે સુણો ગોપી, મથુરામાં મારાં મા ને બાપ છે,

મન વિચારી જોઉં તો મારે પૂરણ સંતાપ છે.

અકરૂર આવ્યા છે તેડવાને માટે,

મારે જાવું છે આજ મથુરા વાટે;

તમે સુણો ગોપી, મથુરામાં માં ને બાપ છે,

મન વિચારી જોઉં તો મારે પૂરણ સંતાપ છે.

રાણી રાધાજી ઊભાં રૂદન કરે,

એને નેણેં આંસુની ધાર ઝરે;

તમે સુણો ગોપી, મથુરામાં મારાં મા ને બાપ છે,

મન વિચારી જોઉં તો મારે પૂરણ સંતાપ છે

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, હરિભાઈ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968