kanani pachheDi - Lokgeeto | RekhtaGujarati

કાનાની પછેડી

kanani pachheDi

કાનાની પછેડી

કાના ઘરમાં નવલી નાર,

કાનો ઘડાવે નવલખ હાર,

હાર ઘડાવતાં લાજી વાર,

કા’ને પછેડી મેલી કમાડ.

ફૂલડાં વેચવાને માળણ આયી

કાનાની પછેડી લેતી જઈ.

ઓશિકે જોવે કાનો પાંજતે જોવે,

પછેડી વના કાનો ધરુસકે રૂએ.

સોળ સોળ ગોપિયું ભેળી થઈ,

માલણને ઘેર પૂસવાને જઈ.

બઈ રે માલણ, તું સાચેરું બોલ,

ક્યારે લૂંટ્યો મારો કાન ગોવાળ.

સાચું બોલે તો એકાવળ હાર,

જૂઠુ બોલે તો રામની દુવાઈ,

ચેવા કાનો, ને ચેવી રાત,

ચેવી પછેડી, ને ચેવી ભાત?

કાળો તે કાનજી, ને માઝમ રાત,

લીલી પછેડી ને રીંગણ ભાત.

ચેવી પછેડી, ને ચેવી કિનાર,

ચેવો વણાટ, ને ચેવો રંગાર?

રાતી પછેડી, ને ખાજલિયાળી ભાત,

રાધા-કરશયનો શ્યામ રંગાર.

રસપ્રદ તથ્યો

આ ગીત વિરમગામ તાલુકાના સચાણા ગામની બહેનો પાસેથી મળ્યું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 169)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968