bharwa bhanDarne karne - Lokgeeto | RekhtaGujarati

ભરવા ભંડારને કારણે

bharwa bhanDarne karne

ભરવા ભંડારને કારણે

ભરવા ભંડારને કારણે, મને ઘડીય ના સાંભર્યા રામ!

મારે આંજણે એક ભૂરેડી ભેંસ, એની નત રે છાશું થાય હો રામ!

બઈ રે પડોશણ છાશું લેવા આવે, મેં તો ધોડીને ઝાંપલા વાખ્યા હો રામ!

પાડાં રે પાયાં, વાછડા રે પાયા, વધી એટલી વાડમાં ઢોળી હો રામ!

ભરવા ભંડારને કારણે, મને ઘડી સાંભર્યા રામ!

ભઈ ને ભતરીજા વેગળા રિયા, જમડા જીવ લઈ જાય હો રામ!

ભઈ ને ભતરીજા સગા થિયા, જમડા જીવ લઈ જાય હો રામ!

ભરવા ભંડારને કારણે મને ઘડીય ના સાંભર્યા રામ!

વનરા તે વનમાં તરસ્યુ લાગે, અમને પાણીડાં પીવરાવો હો રામ!

વનરા તે વનમાં ચંદન તલાવડી, પાયાં હોય તો પીજો હો રામ!

પાયા ન’તાં પણ પીવા જયા, ઠાલાં સરવર ઠમચ્યાં હો રામ!

ભરવા ભંડારને કારણે મને ઘડીય ના સાંભર્યા રામ!

વનરા તે વનમાં ભૂખું રે લાગે, અમને ભોજનિયાં દેજો હો રામ!

ભરવા ભંડારને કારણે મને ઘડીય ના સાંભર્યા રામ!

વનરા તે વનમાં સેવ સુંવાળી, જમાડ્યા હોય તો જમજો હો રામ!

ભરવા ભંડારને કારણે મને ઘડીય ના સાંભર્યા રામ!

જમાડ્યા ન’તા પણ જમવા જ્યા, સરપ થઈને કઈડ્યા હો રામ!

ભરવા ભંડારને કારણે મને ઘડીય ના સાંભર્યા રામ!

વનરા તે વનમાં તડકા રે લાગે, અમને લુગડાં દેજો હો રામ!

ભરવા ભંડારને કારણે મને ઘડીય ના સાંભર્યા રામ!

વનરા તે વનમાં હીરના ચીર, પે’રાયા હોય તો પે’રજો હો રામ!

પેરાયા ન’તા પણ પે’રવા જ્યા, ભમરા થઈને કૈડ્યા હો રામ!

ભરવા ભંડારને કારણે, મને ઘડીય ના સાંભર્યા રામ!

રસપ્રદ તથ્યો

આ ગીત ચરલ ગામના શાંતુબેન પાસેથી પ્રાપ્ત થયેલ છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 135)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968