'suvasika' kavyamathi ek ansh - Katha-kavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

‘સૂવાસિકા’ કાવ્યમાંથી એક અંશ

'suvasika' kavyamathi ek ansh

મધુવછરામ બળવછરામ હોરા મધુવછરામ બળવછરામ હોરા
‘સૂવાસિકા’ કાવ્યમાંથી એક અંશ
મધુવછરામ બળવછરામ હોરા

છોડી કથા વાત કરૂં શું આડી,

સૂવાસિકા ચાલિ હવે અગાડી;

માર્ગે સખીથી જતી વીંટલાઈ,

તારા ગણોમાં શશિ તે સુહાઈ. ૩૧૮

આવ્યું જહી મંદિર છેક પાસે,

સૂવાસિકા ત્યાં રહી છેક વાંસે;

ખેંચે સખીઓ કર ઝાલિ તેને,

છે અંતરે લાજ અતીશ જેને. ૩૧૯

દર્ભાસને કુસુમ સ્વસ્થ રેજે,

કાંતી દિપે સૂર્ય સમાન તેજે;

રૂદ્રાક્ષ ગુંફીત જટા વિશાળ,

ભસ્મેથિ ઓપે તરતું કપાળ. ૩૨૦

રૂદ્રાક્ષ કર્ણે લટકે રૂપાળા,

રૂદ્રાક્ષની કંઠ ભરાઉ માળા;

રૂદ્રાક્ષનું ભૂષણ ભૂજને છે,

રૂદ્રાક્ષ બાંધ્યા મણિ બંધને છે. ૩૨૧

પાયે નમાવે શિશ સર્વ નારી,

સૂવાસિકા વિસ્મત જોયા ધારી;

ના રૂપ સાચું પ્રથમે કળ્યું રે,

જ્યાં નેનમાં નેન પછી મળ્યું રે. ૩૨૨

કોએ પિછાણ્યો નહિ આજ સુધી

છે તીક્ષ્ણ ને નીપુણ પ્રેમ બુદ્ધી;

પ્રેમી દૃગો તે તમ પુંજ ભેદે,

પેશી રૂદે ગાઢ કુપાસ છેદે. ૩૨૩

જ્યાં સ્નેહ રોધી પટ ત્રુટી જાએ,

આત્મા તણું ઐક્યજ સદ્ય થાએ;

અજ્ઞાનિ રે દ્વૈત સદાય પેખે,

તે દ્વૈતને પ્રેમ દુરે ઉવેખે. ૩૨૪

વાયૂ પ્રસંગે ઉડિ ભસ્મ દૂર,

વન્હી પ્રકાશ્યો ફરિ પૂત પૂર;

જ્યાં તેજમાં તેજ ખરૂં ભળે છે,

ત્યાં બાપડું દ્વૈત પછી બળે છે. ૩૨૫

સૂવાસિકા કૂસૂમ જોઈ સામે,

એકાત્મતા ઉભય શૂભ પામે;

એવું થતાં ચોંકિ સુવાસિકા રે,

તેવે ધસી પૂવ સ્મૃતિ પ્રહારે. ૩૨૬

તત્કાળ મૂર્છોગત તે પડી રે,

જોતાં સખી સર્વ પડી રડી રે;

રે શું થયું શું થયું બેનિ તે,

સ્ત્રીઓ વદંતી ગભરાઈ જાતે. ૩૨૭

તર્કો કરે કારણ શોઘવાને,

સાચું પરંતુ મુળ કો જાણે;

કોઈ ઉઠી નેત્ર કરે દબાવે,

કોઈ ધસી નિર્મળ વારિ લાવે. ૩૨૮

કો કાળજીથી જળ મૂખ છાંટે,

બોલવતી કો સુમૃદુલ ઘાંટે;

મૂર્છો તજે તોય નહી વનીતા,

પામી વિશેષે સખિ સર્વ ચિંતા, ૩૨૯

તત્કાળ કૂસૂમ તદા ઉઠે છે,

સ્વ પ્રાણ પ્યારી પર તે ત્રુડે છે;

તેને સ્વ પાણી મુખ ફેરવે છે,

જે સ્નેહના પીયુષને દ્રવે છે. ૩૩૦

તે સ્પર્શનું સૂખ લહ્યું જાએ,

કે રોમરોમે મિઠિ શાંતિ થાએ;

નેત્રાબ્જ તેના હળવે ખિલે છે,

જોતાં ધરે ધૈર્ય સખી દિલે તે. ૩૩૧

પીડીતછું હું ગભરામણે રે,

જાઓ રહો દૂર તમે ઘણે રે;

નેત્રો મિચી સુંદરી એમ બોલે,

દૂરે થઈ છે સખી સર્વ ટોળે. ૩૩૨

પામી બધી છે જડતા રગોરે,

પાછાં પ્રકારો રસિલા દૃગોરે;

નેહે નિરીક્ષી સ્થિર દૃષ્ટિ રાખી,

“કુસૂમ” શબ્દ સલૂણિ ભાખી. ૩૩૩

બોલતાં તે ગગળી ગઈ છે,

લાજી અતી નિર્વચની થઈ છે

“સૂવાસિકા એમ અરે કીજે”

કૂસૂમ બોલ્યો “કુજનોથિ બીજે.” ૩૩૪

શું મેં કર્યું એમ કહે પ્યારી,

પસ્તાઉછું અંતર માંહ્ય ભારી;

જોયો જાએ તુજ વેશ આવો,

હું કાજ કૂસૂમ બન્યો તું બાવો. ૩૩૫

હું ક્રૂર કેવી થઈછું અજાણે,

કો કષ્ટ કાળજનું પિછાણે;

તે પુર્વનો પ્રેમ હજી તપે છે,

રે નામ તારૂં જીવ જપે છે. ૩૩૬

કીધો ભુંડો મેં અપરાધ તારો,

દેજે ક્ષમા તું જિવનેશ મારો;

એવું વદંતાં વહ્યું નેત્ર વારી,

તેને કૂસૂમે કરિ શાંત્તિ સારી. ૩૩૭

છાંટી મુખેને વળિ નીર પાઈ,

ધીરે ઉઠાડી કરિ બેઠિ બાઈ;

ચાલ સખી સું ઘર નારિ નેક,

માર્ગે પુછે પ્રશ્ન સખી અનેક. ૩૩૮

ચાતૂર્યથી તે સહુને ઉડાવી,

પાછી પડીછે નિજ ઘેર આવી,

સંતાપ વાધ્યો નવ કાંઈ સૂઝે,

ઘા કાળજાનો ક્યમ કારિ રૂઝે. ૩૩૯

કીધા ઉપાયો પતિએ અપાર,

તોએ થતી ક્ષીણ સલુણિ નાર;

અંતે પિડાનો તહિં અંત આવ્યો,

વેકુંઠ વાસે જિવડો સિધાવ્યો. ૩૪૦

કલ્પાંત સ્નેહી જન તો કરે છે,

આંસૂની ધારા નયનો ઝરે છે;

વાર્તા જદા કુસુમેજ શૂણી,

શોકે રહ્યો મસ્તક નીજ ધુણી. ૩૪૧

તે ઉભરા અંતરમાં સમાવે,

કોને ખરૂં ભીતર ના જણાવે;

રાત્રી થતાં શિષ્ય ગુરૂ સુતા તે,

સેવાતુરો શિષ્ય ઉઠ્યો પ્રભાતે. ૩૪૨

જોતાં ગુરૂને નહિ ત્યાં નિહાળે,

છે પુષ્પનો પુંજ સમીપ ભાળે;

મંદીર માંહી ધ્વનિ ગૂઢ ગાજે,

વકુઠમાં સદ્ગુરૂ તે વિરાજે. ૩૪૩

શૂણી થયો શિષ્ય પુરો ચકિત,

તે પુષ્પ પુંજે નમિયો પુનીત;

હેતે ધરી મસ્તક પુષ્પ પોતે,

શોકે વિંટેલો તહિંથી જતો તે. ૩૪૪

રસપ્રદ તથ્યો

૧૮૮૮માં લખાયેલ કાવ્ય ‘સૂવાસિકા’નું કાવ્યવસ્તુ : કુસુમ અને સુવાસિકા બાળપણથી સાથે ઉછર્યા છે કુસુમ મોટો થતાં પરદેશ જાય છે. સુવાસિકા મનોમન કુસુમને ચાહે છે પણ તેના વિવાહ બીજે થઈ જાય છે. કુસુમ પરદેશથી પાછો આવે છે અને સુવાસિકા પરણાઈ ચૂકી એ જાણી સાધુ બની જાય છે. સાધુ કુસુમ અને વિવાહિત સુવાસિકા એકમેકને મળે છે, કુસુમના હાલ જોઈ સુવાસિકા માંદી પડી મરી જાય છે અને પછી કુસુમ પણ મૃત્યુ પામે છે અને તેના શબના ઠેકાણે ફૂલની ઢગલી મળે છે. પ્રસ્તુત કાવ્યાંશમાં સાધુ કુસુમ અને વિવાહિતા સુવાસિકા મળે છે એ પ્રસંગ છે. એ સમયે પ્રણયકથાને આમ કવિતામાં ગૂંથવું અને એ પણ ત્યારની કાવ્ય લેખનશૈલીથી જુદી રીતે એ બે બાબત આ કાવ્યને ઉલ્લેખનીય બનાવે છે.

સ્રોત

  • પુસ્તક : સૂવાસિકા (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સર્જક : મધુવચરામ જળવચરામ હોરા
  • પ્રકાશક : રણછોડલાલ ગંગારામ
  • વર્ષ : 1888