yadman maliye palepal kyank tun ne kyank hun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

યાદમાં મળીએ પળેપળ ક્યાંક તું ને ક્યાંક હું

yadman maliye palepal kyank tun ne kyank hun

રાજેશ વ્યાસ 'મિસ્કીન' રાજેશ વ્યાસ 'મિસ્કીન'
યાદમાં મળીએ પળેપળ ક્યાંક તું ને ક્યાંક હું
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

યાદમાં મળીએ પળેપળ ક્યાંક તું ને ક્યાંક હું,

કાપે ચુપચાપ અંજળ ક્યાંક તું ને ક્યાંક હું.

ઉપરની સ્વસ્થતા સૌને હસી મળવું સદા,

ને ઊભા અંદરથી વિહ્વળ ક્યાંક તું ને ક્યાંક હું.

ક્યાંય નક્શામાં નથી ને સાથ ત્યાં રહેવું સરળ,

કાળજે સાચવતાં સ્થળ ક્યાંક તું ને ક્યાંક હું.

બારણે ઊભા હશે, સૂતા હશે, ઊઠ્યા હશે,

રોજ બસ કરીએ અટકળ ક્યાંક તું ને ક્યાંક હું.

વ્યસ્ત કૈં એવા સતત ના જાત જોવાનો વખત,

અન્યને કાજે ઝળહળ ક્યાંક તું ને ક્યાંક હું.

એકલાં છલકાઈને ચુપચાપ સુકાઈ જતાં,

લાગણી ખાતર થયાં જળ ક્યાંક તું ને ક્યાંક હું.

એકબીજામાં ધબકતા જીવની માફક સતત,

અમરતા બ્હાર કેવળ ક્યાંક તું ને ક્યાંક હું.

સ્રોત

  • પુસ્તક : બેસ્ટ ઑફ મિસ્કીન (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : હર્ષ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2013