yaad - Ghazals | RekhtaGujarati

ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ,

રહી ગ્યો છે અમસ્તો મને મારો ખુદા યાદ.

બે-ચાર પ્રસંગો છે જે હું ક્હેતો ફરું છું,

ક્યાં છે હવે મારી મને સંપૂર્ણ કથા યાદ.

મૂંઝાઈ જઈશ હું, મને રસ્તા બતાવો,

રહી ગઈ છે હવે તો મને બસ, એક દિશા યાદ.

સામેલ તમે છો તો હું સુખ યાદ કરું છું,

નહિતર તો ભલા એને કરે મારી બલા યાદ.

એનાથી વિખૂટાય પડ્યા 'તા અમે ત્યાંથી,

એથી રહી ગઈ એના મળવાની જગા યાદ.

જીવનમાં કદી સ્મિતની સામે નથી જોતાં,

છે જેમને, સંગાથમાં રડવાની મજા યાદ.

ભૂતકાળનો જાણે પ્રસંગ હોય રીતે,

આવે છે હવે ‘સૈફ' મને મારી કજા યાદ.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 732)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007