wer walyun chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વેર વાળ્યું છે

wer walyun chhe

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
વેર વાળ્યું છે
અમૃત ઘાયલ

કોઈની આંખના મોઘમ ઈશારે વેર વાળ્યું છે.

સહારો તેજનો લઈ અંધકારે વેર વાળ્યું છે.

વિરોધી વાળે એનાથી વધારે વેર વાળ્યું છે,

રહી પડખે ગજબનું પક્ષકારે વેર વાળ્યું છે.

પૂછો કે જીવનમાં કોણે કયારે વેર વાળ્યું છે?

સમય જ્યારે મળ્યો છે સૌએ ત્યારે વેર વાળ્યું છે.

ખબર નહોતી અભિનય છે ફકત ગંભીર મૈત્રીનો,

રહીને ભારમાં મિત્રોએ ભારે વેર વાળ્યું છે.

દશા ખુદ રંગરેખાની કહે છે હું નથી કહેતો,

જીવનનું ચિત્ર દોરી ચિત્રકારે વેર વાળ્યું છે.

નથી અંધેર આઝાદીમાં પણ ઓછું ગુલામીથી,

કે વેરણ સાંજની પેઠે સવારે વેર વાળ્યું છે.

ભલા થઈને સુધારાની ફરીથી વાત ના કરશો,

સડે વાળ્યું નથી એવું સુધારે વેર વાળ્યું છે.

પ્રસિદ્ધિ પણ હવે મુજ કાજ એક બંધન બની ગઈ છે,

જાણે કે કયા ભવનું પ્રચારે વેર વાળ્યું છે.

રહી છે કયારે ચિંતામુકત ‘ઘાયલ’ જિન્દગી જગમાં,

હમેશાં કોઈ ને કોઈ વિચારે વેર વાળ્યું છે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી ગઝલો – અમૃત ઘાયલ (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સંપાદક : નીતિન વડગામા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2022