Haran Chhutyu - Ghazals | RekhtaGujarati

હરણ છૂટ્યું

Haran Chhutyu

શયદા શયદા
હરણ છૂટ્યું
શયદા

હાથ આવ્યું હતું હરણ છૂટ્યું,

હાય, મારું બાલપણ છૂટ્યું!

એમનું પણ હવે શરણ છૂટયું,

જિન્દગી છૂટી કે મરણ છૂટ્યું?

પગથી છૂટી જવાની પગદંડી,

એમનું જો કદી રટણ છૂટયું!

મદભરી આંખ એમની જોતાં,

છૂટી વાણી વ્યાકરણ છૂટ્યું!

કોઈની આશને ઘરણ લાગ્યું,

કોઈની આશનું ઘરણ છૂટયું!

પણ હતું - એમનાથી નહિ બોલું,

મોતની બાદ પણ પણ છૂટ્યું.

સ્વપ્નમાં એમનાથી રસ-મસ્તી,

નીંદ છૂટી જાગરણ છૂટ્યું!

એમના પગ પખાળવા કાજે,

આંખથી ફૂટીને ઝરણ છૂટ્યું.

તું અને પાર પામશે એનો?

બુદ્ધિ, તારું ગાંડપણ છૂટયું.

કોણ ‘શયદા’ મને દિલાસો દે!

ચાલ, તારું જીવન-મરણ છૂટયું.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
  • વર્ષ : 1961